વેદ છે-નાઝિર
છે પ્રતિક પુરુષાર્થનું પ્રારબ્ધ પર પ્રસ્વેદ છે;
તોય વંચાયે વિધિના લેખ એનો ભેદ છે.
તું નહીં બોલે તો સઘળા પાપ તારા બોલશે,
બંધ મોઢું છો કરે પણ રોમે રોમ છેદ છે.
ઓ નિરાકારી! થજે સાકાર મારા સ્વપ્નમાં,
બંધ આંખે જોઈ લઉં બસ એટલી ઉમ્મીદ છે.
જો ઉઘાડું હાથતો ભાંગી જશે સઘળો ભરમ,
બંધ મુઠ્ઠીમાં જ મુજ અસ્તિત્વ કેરો ભેદ છે.
શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે,
આપની વાણીજ આ ‘નાઝિર’ ને મન વેદ છે.
-નાઝિર દેખૈયા