"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મળશું !

 

ઓણ  મળશું  પોર   મળશું   નહિતર  પરાર   મળશું;
અમે   નદીના   કાંઠે   નહિતર   દરિયે   ધરાર મળશું!

તમે   કોઈ    સસલાની   ઝડપે    ખેતર  મેલી ભાગ્યાં,
અમે   કાચબા   કને    ગયા   ને ઉછીના  પગ માગ્યા!
પગલાનું તો એવું-
પડશે  નહિતર   જડશે  નહિતર   ધૂળ  મહીં તો ભળશું!
                         ઓણ મળીશું…

અમે   એક     સપનાને   ખાતર  પુરું   જીવન  ઊંઘ્યા,
તમે   ઊંઘવા  ખાતર  સપનાં  ભોર  થતાં  લગ સૂંઘ્યા,
સપનાનું તો એવું-
મળશે  નહિતર  ટળશે   નહિતર   અંદર  ભડભડ બળશું!
                          ઓણ મળીશું…

એ  હતી  અમાસી   રાત  ને કાજળ આંખ ભરી ને આંજ્યાં,
આ  ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યાં,
ચહેરાનું તો એવું-
મલકે    નહિતર   છણકે    નહિતર   એકમેકને    છળશું!
                          ઓણ મળીશું…

-હર્ષદ ત્રિવેદી(૧૭-૦૭-૧૯૫૮)- જન્મ ખેરાળી. રહે છે ગાંધીનગર.
કાવ્યસંગ્રહ ‘ એક ખાલી નાવ’ શબ્દસૃષ્ટિ ‘ ના સંપાદક
 

જૂન 10, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: