કવિસંમેલન -માર્ચ-એપ્રિલ-૨૦૦૭
તારીખઃ ૩૦ ૩૧માર્ચ અને ૧,૨ એપ્રિલ -૨૦૦૭ દરમ્યાન ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કૈલાસ ગુરુકુળ મુકામે પૂ.મોરારિબાપૂની નિશ્રામાં સાહિત્ય સંગોષ્ઠિ, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્યના મહોત્સવ અસ્મિતા પર્વ ૧૦મીની દબદબાભેર ઉજવણી થઈ અને કવિસંમેલનનું સંચાલન હરદ્વાર ગોસ્વામી એ કરેલ.. ચાલો એમાંની થોડી કવિતા માણીએ.
*********************************************
રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે;
ને બધાને સાદ કરવાની પ્રથા ખોટી છે…ચંદ્રેશ મકવાણા
વેલ અને વાઉ એમ કૂવા ને વાવ,
ગુજરાતી પ્રજા ને આવ્યો અંગ્રેજી તાવ… આશા પુરોહિત
મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું,
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું…અશોક ચાવડા
આજે ઈશ્વરના આંખમાં જાણે કંઈ ખૂચ્યું,
ને આમ તેમ જોઈ પાણીનું ટીપું સે’જ લૂછ્યું…કાજલ ઓઝા
એ સત્ય છે કે વેદના કેવળ વધી જ છે,
મારી બધી ય મૂંઝવણ મારા સુધીજ છે…સ્નેહલ જોશી
અમે ફૂલોનાં વાવેતર કીધાં ને તોયે
હાથ પથ્થર ને પથ્થર ને પથ્થર;
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય
તમે અત્તર ને અત્તર ને અત્તર… દિલીપ રાવલ
એ સવારે સાવ તાજું માનીને વાંચ્યા કરે ,
આમ જૂવો તો એ છાપું રાતનું નીકળી ગયું… નિનાદ અધ્યારું
એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું… હરદ્વાર ગોસ્વામી
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?..અનિલ ચાવડા
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા..કિરણ ચૌહાણ