કેવાં અંજળ નીકળે
સાવ સાચુકલી નદી પણ સાવ નિર્જળ નીકળે;
ઊઘડે જો રેતીની મુઠ્ઠી તો કૂંપળ નીકળે.
શું થયું જો કોઈ ઘટનાના પુરાવા હોય ના,
જ્યાં હયાતીના બધા દાવાઓ પોકળ નીકળે.
કોઈ કરચલિયાળો ચહેરો ઝીણી નજરે જો જુઓ,
શક્ય છે એકાદ-બે વર્ષો-જૂની પળ નીકળે.
શી રીતે એક સ્વપ્નને આકાર ચોક્ક્સ આપવો,
જ્યાં સ્વયંભૂ જિંદગી પણ માત્ર અટકળ નીકળે.
ફૂલગુલાબી સ્વપ્ન લઈને આવ્યો છું ‘સાહિલ’ અહીં,
શું ખબર કે આ નગરથી કેવાં અંજળ નીકળે.
-‘સાહિલ'(૨૯-૮-૧૯૪૬)
(સાહિલ ઘડી કે બે ઘડી આ ખોળીયું હવે
મકતાનો શે’ર બોલે છે શરીરની ગઝલ)