એ વાત ખોટી છે.
કવિઓએ કવિતામાં કહી એ વાત ખોટી છે,
મળે ગમમાં જ દિલને જિંદગી, એ વાત ખોટી છે.
પ્રચારક છે બધાયે સત્યનો વેપાર કરનારા,
તમે જે ભરસભામાં સાંભળી એ વાત ખોટી છે.
તમે આંસુ વહાવ્યાં એ તો આ વાતાવરણ કહે છે,
હવાના સૂર વાટે જે મળી એ વાત ખોટી છે.
હિમાલયની આ કન્યા કોઈના શિર પર રહે શાથી?
જટામાંથી જ આ ગંગા સરી છે એ વાત ખોટી છે.
જીવન અર્પણા કરી દીધું છે મેં તો મૂક વાતોમાં,
હ્રુદયની ભેટ મેં તમને ધરી એ વાત ખોટી છે.
ઘમંડે રૂપના તમને ભુલાવ્યાછે , હકીકત છે,
નજર મારી નથી કૈ કરગરી, એ વાત ખોટી છે.
તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા,
છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.
વધુ શું બોલશે ‘મનહર’ જીવનું માપ નાનું છે,
તમે કીધું, ગઝલ તમને ગમી, એ વાત ખોટી છે.
-મનહર ચોકસી
હાર્યો બખિયા ભરતાં ભરતાં!
અલ્યા ભાઈ, હાથ ઈશ્વર તરફ, પગ લાંબા ચંપલ તરફ્!
**************************************************
જીવી રહ્યો છું મરતાં-મરતાં ઠંડા શ્વાસો ભરતાં-ભરતાં,
મરતાં-મરતાં કોણ નજરને દોરી રહ્યું છે ફરતાં-ફરતાં?
આંખો સ્થિર છે દર્શન – ઘેલી એ છે ચિંતાતુર જીવનનાં,
દિલના ધબકારા જોવાને હાથ મુકે છે ડરતાં ડરતાં.
દુઃખથી ટેવાયેલું હૈયું શાંતી મેળવશે શું કિનારે?
જા મઝધારે પાછો , પાગલ! આવ્યો તેવો તરતાં-તરતાં.
હસતા જખ્મો ના અળસાયા દૂઝતા ઘાવો ના રૂઝાયા,
હાય અભાગી આખું જીવતર હાર્યો બખિયા ભરતાં-ભરતાં.
ગમગિનીનો બોજ ઘટ્યો કા સૂકો દરિયો શેં જોવાશે?
એવો શો આધાર મળ્યો, દિલ! ઝરણાં થંભ્યા ઝરતાં-ઝરતાં.
ધરતીકંપ થયો કે ફરી ગઈ દર્શનની આનંદ- ધ્રુજારી;
છૂટી ગયું કાં હાથથી, સાકી! હોઠે પ્યાલું ધરતાં-ધરતાં?
માન ‘જિગર’ એ પાણી છે જે પાલવને તરબોળ બનાવે,
આંસુ તો તડપ્યા જ કરે છે પાંપણ પર થંભી થરથરતાં.
-જમિયત પંડ્યા’જિગર’
એક ગઝલ-કપિલરાય ઠક્કર
જિગર પર જૂલ્મ કે રહેમત ઘટે જે તે કરે જોજો;
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરિસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.
કટોરા ઝેરના પીતા જીવું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી બીજું પ્યાલી ધરી જોજો.
વરસતા શ્યામ વાદળામાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે દિલબર!ફરી જોજો.
-કપિલરાય ઠક્કર’મજનૂ'( ૦૩-૦૪-૧૮૯૨-૧૯-૦૨-૧૯૫૯) મરણોત્તર કાવ્યસંગ્રહ ‘સ્વપ્નમંદિર’
સૂફીવાદી ને ફારસી રીતિની રંગદર્શી પરંપરાના અનુગામી.
એક પ્રશ્ન? કોઈને “ઢ” કહીને બોલાવીએ ..શામાટે?
આપણે કોઈ ને વારંવાર એક વસ્તું સમજાવ્યા પછી પણ ન સમજે
અથવા સ્કૂલમાં વિદ્યાર્થી વારં વાર નપાસ થાઈ તો પણ કહેવામાં આવે કે “આ તો ઢગલાનો” ઢ “છે કોઈ દિવસ પાસ થવાનો નથી. તો આપણે ઢગલાનો ‘ઢ” અક્ષર વારંવાર શામાટે વાપરીએ છીએ .. બીજો અક્ષર કેમ નહીં?તો આ એક ભાષાકિય પ્રશ્ન છે.. કોઈને પણ ખબર હોય તો મને કોમેન્ટમાં લખી જણાઓ..સાચો જવાબ બે દિવસ પછી “ફૂલવાડી” માં પ્રાપ્ત થશે.
જુદી જિંદગી છે
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સંમદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદા છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદા જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે હો ગાફિલ?
જુવો, બદલે દુનિયા તકાજે તકાજે.
-મનુભાઈ ત્રિવેદી’સરોદ’/’ગાફિલ'(૨૭-૦૭-૧૯૧૪-૦૯-૦૪-૧૯૭૨)
કવિ, ભજનકાર, ગઝલકાર. નામઃ મનુભાઈ ત્રિવેદી, ન્યાયધીશ.
‘રામરસ’સુરતા’ અને ‘બંદગી'(ગઝલસંગ્રહ) જન્મ માણાવદર અને
અવસાન અમદાવાદમાં. ‘સરોદ’ ને નામે કાવ્યો અને ‘ગાફિલ’ નામે ગઝલ.
ખડકી ઉઘાડી હું તો
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં..
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો , ઉપર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં..
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે , લટકમાં તોળ્યા અણસાર;
સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં….
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…
ચોથી દુકાને એક રંગારો બેઠો રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી’તી એંકારમાં…
મુંને ઉંબરો લઈ ચાલ્યો……..
-વિનોદ જોશી, એમના કાવ્યસંગ્રહ -‘પરંતુ’, ‘ઝાલરવાગે જૂઠડી’ વિવેચક, સંપાદક ,પદ્યવાર્તા. અમેરિકાના પ્રવાસે અવાર નવાર આવેછે. અમેરિકાના જુદા જદા શહેરોમાં
એમની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મુગ્ધ કરી , આપણી અમેરિકન ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને એક લોકગીતના ઢાળમાં લખેલ ગીતો આસ્વાદ આપેછે. એમન ગીતો રજૂ કરવાની શૈલી પણ ઘણીજ સુંદર છે. અહીં ટેક્ષાસમાં, ડલાસ હ્યુસ્ટન અને ઑસ્ટીનમાં એમનો કાર્યક્રમ ને ઘણીજ સફળાતા મળેલ.
ગરાસણી- ઝવેરચંદ મેઘાણી
લેખક પરીચય – રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં થયો હતો. તેમની મુખ્ય રચનાઓમાં નવલકથા સૌરાષ્ટ્રની રસધાર, યુગવંદના, રવીન્દ્રવીણા, તુલસી ક્યારો ઉપરાંત લોકગીતો અને સોરઠી સંતવાણીનો સમાવેશ થાય છે. 9 માર્ચ 1947ના રોજ તેમનું નિધન થયું. ”
******************************************************************
ગેમાભાઈ ! આ દિકરીને આજ એને સાસરે મૂકવા જાવાં છે. તમે સાથે જશો ને ?”
“ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જોખમ ન હોય ત્યાં મારૂં વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજાં સપારડાં ઘણાં છે.”
ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ચાલીસ-પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરામાં સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારી જબ્બર હતો. જે ગાડાની સાથે ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું. ખુમાણસિંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાનાં હતાં. એક વેલડું, બે છોડીઓ, ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધાં હેબતપર ગામે બાને તેડવા ચાલ્યાં.
હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબું ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠાં. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે વાર્ત્યો હતો.ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યુ. ઘોર અંધારામાં એનાં નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : ” ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવા જેવું નથી, હો બાપા ! હોશિયાર રે’જો.”
ગેમાએ જવાબ દીધો : “એલા, ઓળખછ તું આ ગેમાને ? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ.”
ગેમો નસકોરાં ગજાવવા લાગ્યો. નસકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : “ગેમાભાઈ, બાપા અટાણે સુવાય નહિ હો !” ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો : ” હું કોણ ? હું ગેમો !”
આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડાખેડુએ નજર કરી તો આઘેથી તળાવડીમાં આગના તણખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : “ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી, હો !”
ગેમાનો તો એક જ જવાબ હતો : “મને ઓળખછ ? હું કોણ ? હું ગેમો!”
ગાડાં તળાવડી નજીક પહોંચ્યાં એટલે ગાડાખેડુને દસ-બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ કોણ ? એ તો ગેમો !
જોતજોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : “મને ઓળખો છો ? હું કોણ ? હું ગેમો !” ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.
એક જણે કહ્યું : “એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો.”
લૂંટારાઓએ એને બેસાડીને એના હાથપગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી. એક ધક્કો દઈ ગડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને ‘રણગોળીટો’ કર્યો કહેવાય છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.
“કોણ છે, વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ફટ !” લૂંટારાઓએ ત્રાડ દીધી.
રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.
બદમાશો બોલ્યા કે “ડિલ ઉપરથી ઘરેણું ઉતાર.”
બાઈએ બધા ઘરેણાં ઉતાર્યા; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં.
“કડલાં સોત ઉતાર.” બદમાશોએ બૂમ પાડી.
બાઈ વીનવવા લાગ્યાં કે “ભાઈ, આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી, હું ભર્યે પેટે છું. મારથી નહિ ઊઘડે; માટે આટલેથી ખમૈયા કરો ને , માર વીરા!”
“સફાઈ કર મા ને ઝટ કાઢી દે!”
“ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો,” એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠાં બેઠાં પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.
રૂપાળીબાએ ત્રાંસી નજર નાંખી બીજું કોઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાનાં આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.
રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણીને શૂરાતન ચડી ગયું, આડું લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠણભર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા – ચંડીરૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા – જેના પર પડે છે તેને ફરી વાર ઊઠવા નથી આપતો.
અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જ દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા.
ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું કે “છોડી નાખો એ બાયલાને.”
છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.
જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એનાં અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી ! વનનાં ઝાડવાં જોઈ રહ્યાં હતાં.
ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય. રણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ. રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતાં ચાલી નીકળ્યાં.
સવાર પડ્યું ત્યાં મોણપરનું પાર આવ્યું. એ એમના મામા દાદાભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે.
કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે, “બેટા, આંહી રોકાઈ જાઓ.”
“ના, મામા, મારે જલદી ઘરે પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે.”
બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો. ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે.
ચમક ઊપડે એટલે માણસ મરી જાય.
લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં કે “બેટા ! બહુ અઘટિત કર્યુ. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત !”
એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો; પણ એનો ઈતિહાસ હજુ સુધી નથી ગયો..
કેવા રમતા રામ હતા!
ખૂશ્બુમાં ખીલેલ ફૂલ હતા ઊર્મિમાં ડૂબેલા જામ હતા;
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુના પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડાક ખૂલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બે ચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નિકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી-કંઈ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતા રામ હતાં.
-“સૈફ” પલનપુરી
વારતાના અંતમાં
એક માણસ હારવાનો વારતાના અંતમાં;
હું દિલાસો આપવાનો વારતાના અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું પુરાવો માગવાનો વારતાના અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે એ જાણાવા,
રાત આખી જાગવાનો વારતાના અંતમાં.
જિંદગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો વારતાના અંતમાં.
-દિનેશ કાનાણી’પાગલ'(૦૬-૦૯-૧૯૭૧) રાજકોટમાં વસે છે.
વ્યસાયઃ લેખન
વેદ છે-નાઝિર
છે પ્રતિક પુરુષાર્થનું પ્રારબ્ધ પર પ્રસ્વેદ છે;
તોય વંચાયે વિધિના લેખ એનો ભેદ છે.
તું નહીં બોલે તો સઘળા પાપ તારા બોલશે,
બંધ મોઢું છો કરે પણ રોમે રોમ છેદ છે.
ઓ નિરાકારી! થજે સાકાર મારા સ્વપ્નમાં,
બંધ આંખે જોઈ લઉં બસ એટલી ઉમ્મીદ છે.
જો ઉઘાડું હાથતો ભાંગી જશે સઘળો ભરમ,
બંધ મુઠ્ઠીમાં જ મુજ અસ્તિત્વ કેરો ભેદ છે.
શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે,
આપની વાણીજ આ ‘નાઝિર’ ને મન વેદ છે.
-નાઝિર દેખૈયા
એક ગઝલ-ડૉ.રઈશ મનીયાર
ડો.રઈશ મનીયાર( ૧૯-૦૮-૧૯૬૬)કાવ્યસંગ્રહઃ’કાફિયાનગર’, પન્નીને પહતાય તો કે’ટો ની”(હાસ્ય કવિતા)તેમજ” સ્પર્શી શકાય પુષ્પને ઝાકળા થયા પછી”. કૈફી આઝમીની ગઝલનો અનુવાદ કર્યો છે.અમેરિકાની મુલાકાતે અવાર નવાર આવે છે. અમેરિકામાં જુદા જુદા શહેરમાં વસતા ગુજરાતી સાહિત્ય પ્રેમી પ્રેક્ષકોને ગઝલ-હઝલ નો આસ્વાદ આપી “હાસ્ય-રસ” તેમજ ગંભીરતા સાથે જ્ઞાન પીરસી અમેરિકામાં આપણી માતૃભાષાને જીવિત રાખવાનું આપણને એક ટૉનિક મળી જાય છે. અહી હ્યસ્ટનમાં યોજાયેલ કાર્યક્રમમાં ૩૦૦થી વધારે શ્રોતાજનો એ હાજરી આપી હતી,સૌને સાહિત્ય રસમાં તરબોળ કરી દીધા હતા. આ વરસે પણ એમનો ભવ્ય કાર્યક્રમ હ્યુસ્ટાનમાં યોજાવાનો છે.અને એ અમારા માટે એક ગૌરવની વાત છે.
************************************************************************
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.
‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
પંકજ ને પાંદડી
ખૂદ ભૂખી રહી, પોતાના સંતાનોની ભૂખ ભાંગે એનું નામ” મા”
પછી એ માનવ હોય કે પ્રાણી !
*********************************************
એવી બની છે વાત કે આજે જે બની શકે નહીં;
છૂપ્યો છે સૂરજ કણ થકી કે જે છૂપી શકે નહીં.
વિના વિરોધી નામના કો’ મેળવી શકે નહીં,
રજની વિના સવાર ને કો’ ઓળખી શકે નહીં.
આશા ઘણી છે દિલ મહીં ફળશે કે નહિ એની શી ખબર?
કોંમળ કળીની જિંદગી કોઈ કળી શકે નહીં.
મગરૂર થાય બંદગી જેના થકી આ વિશ્વમાં,
એવું શીશ નમાવ કે પાછું ઊઠી શકે નહીં.
ઉત્તમ હતુ કે ભાગ્ય પર નૌકાને છોડવી હતી,
નાવિક શા કામનો હવા જે પારખી શકે નહીં.
છોડી અમારા સાચને જુદા નહીં રહી શકો,
પાણી વિનાની માછલી ક્યાંયે રહી શકે નહીં.
સંગાથે એના મોંજમાં માણી હતી ફરી મળે-
જે ઘડીતી એ ઘડી પાછી ઘડી શકે નહીં.
એને અસર થશે નહિ ‘નાઝિર’ તમારી વાતની,
પંકજને પાંદડી કદી પાણી ટકી શકે નહીં.
-નાઝિર દેખૈયા
એક ગઝલ- પારુલ મહેતા
શૂળીનો ઘા એ સોય વડે ટાળે છે, આ માણસ ખતરનાક લાગે છે;
આંખોમાં રેશમી ઈરાદા પાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
પોતાના શહેરમાં , પોતાના લોકો સાથે , અજાણ્યો થઈને,
ગલી-નાકે કલ્લાકો એ ગાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
ધીરે ધીરે, છાને છાને , રાત આખી હાંફતી ફૂટપાથો પર,
સીઝતા શ્વાસોને જરી પંપાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
તાકીને તમારી જ તરફ રાખીને બંદૂક તમારા ખભા ઉપર,
કેટલી લાશોને આમ ઢાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
શણગારે છે પ્રથમ તો માણસને રિવાજોથી , સમાજોથી,
ત્યાર પછી આખો આખોજ એને બાળે છે, આ માણસ ખતરનાક લાગે છે.
-પારુલ મહેતા(૦૬-૦૯-૧૯૫૯) જન્મ સ્થળ અમદાવાદ. હાલ બરોડા
કમ્મર કસી છે
ચલો આજ ભૈયા, ઉઠાવી લો લંગર, સંમદરની અંદર ઝુકાવી દો કસ્તી;
સલામત કિનારાના ભય ને તજી દો, તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.
મુહબ્બતની અડિયલ એ વાતો જવા દો ,મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવા દો,
જગતને જગાડી દો એ રીત થી કે, કલેવરને કણેકણા જુવાની વસી છે.
અમારા ચમનમાં સુમન ખીલતાં ના, રખેવળી કંટકની હરદમ કરી છે,
અમે તો પડ્યા પાનખરન ના પનારે, નકામી નકામી વંસતો હસી છે.
અમારે નથી ચાંદની સાથ નિસ્બત , અમારે રુકાવટ વિના ચાલવું છે,
અમારી છે યાત્રા સળગતી ધરા પર , દિવસભર જે સૂરજની લૂથી રસી છે.
અમે સિંધુડાને સૂરે ઘૂમનારા ! અમે શંખનાદો કરી ઝુઝનારા,
મધુરી ન છેડો એ બંસી તાનો , અમોને એ નાગણની માફક ડંસી છે.
હસીનોને હાથે ન અમૃત પાશો, અમોને ખપે ના મુલાયમ નશો એ,
અમે કાલકૂટોને ઘોળીને પીશું, અમારીયે શક્તિઓ શંકર જ શી છે.
અમે દુઃખ ને દર્દ કાતિલ સહ્યાં છે, ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના,
જીવનમાં હતી કાલજો ગમની રેખા, મરણ સામને આજ મુખ પર હંસી છે.
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે!
-મધુકર રાંદેરિયા
મા
મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃધ્ધ પણ હોય છે.
આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહી એ છીએ
‘મા , તને કંઈ સમજણ નથી પડતી’.
પછી
મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.
પછી એક દિવસે
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી
માફ કરી દેજે
મા.
સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જાઈ એ ત્યારે ઈચ્છા થાય છે
માના
વૃધ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ આવે છે
મા તો મરી ગઈ છે.
મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.
-કિરિટ દુધાત(૦૧-૦૧-૧૯૬૧) મૂળતો વાર્તાકાર.ક્યારેક કાવ્યો પણ રચે છે.
વિધાનો નહીં કરું
ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.
મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.
એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.
તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.
નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.
_ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
મળશું !
ઓણ મળશું પોર મળશું નહિતર પરાર મળશું;
અમે નદીના કાંઠે નહિતર દરિયે ધરાર મળશું!
તમે કોઈ સસલાની ઝડપે ખેતર મેલી ભાગ્યાં,
અમે કાચબા કને ગયા ને ઉછીના પગ માગ્યા!
પગલાનું તો એવું-
પડશે નહિતર જડશે નહિતર ધૂળ મહીં તો ભળશું!
ઓણ મળીશું…
અમે એક સપનાને ખાતર પુરું જીવન ઊંઘ્યા,
તમે ઊંઘવા ખાતર સપનાં ભોર થતાં લગ સૂંઘ્યા,
સપનાનું તો એવું-
મળશે નહિતર ટળશે નહિતર અંદર ભડભડ બળશું!
ઓણ મળીશું…
એ હતી અમાસી રાત ને કાજળ આંખ ભરી ને આંજ્યાં,
આ ઊગી અષાઢી બીજ, તે માંજ્યા બેય અરીસા માંજ્યાં,
ચહેરાનું તો એવું-
મલકે નહિતર છણકે નહિતર એકમેકને છળશું!
ઓણ મળીશું…
-હર્ષદ ત્રિવેદી(૧૭-૦૭-૧૯૫૮)- જન્મ ખેરાળી. રહે છે ગાંધીનગર.
કાવ્યસંગ્રહ ‘ એક ખાલી નાવ’ શબ્દસૃષ્ટિ ‘ ના સંપાદક
કેટલા વાગ્યા હશે ?
જ્યોત દિવાની ઠરી છે, કેટલા વાગ્યા હશે ?
રાત લંબાતી પડી છે, કેટલા વાગ્યા હશે ?
શ્હેર સન્નાટા મહીં ડૂબી ગયું છે,કેટલા વાગ્યા હશે ?
સ્તબ્ધતા પાસું ફરી છે,કેટલા વાગ્યા હશે ?
ઘૂઘવે એકાન્ત ને આ શ્વાસ બેઠા થાય છે,
નીંદ આ ભાંગી પડી છે,કેટલા વાગ્યા હશે ?
ક્યારની હાંફી રહી છે આ ધ્રાસકાની વારતા,
સાપણો મેડી ચડી છે ,કેટલા વાગ્યા હશે ?
અંધકારે ડૂબનારો વ્હાણ જેવી ધારણા-
ચીસ જેવી વિસ્તરી છે,કેટલા વાગ્યા હશે ?
સુસ્ત સૂતેલો સમય છે બંધ આ ઘડિયાળમાં,
અંધ આ ભીંતો ખડી છે, કેટલા વાગ્યા હશે ?
– નિર્મિશ ઠાકર
કવિસંમેલન -માર્ચ-એપ્રિલ-૨૦૦૭
તારીખઃ ૩૦ ૩૧માર્ચ અને ૧,૨ એપ્રિલ -૨૦૦૭ દરમ્યાન ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કૈલાસ ગુરુકુળ મુકામે પૂ.મોરારિબાપૂની નિશ્રામાં સાહિત્ય સંગોષ્ઠિ, કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત-નૃત્યના મહોત્સવ અસ્મિતા પર્વ ૧૦મીની દબદબાભેર ઉજવણી થઈ અને કવિસંમેલનનું સંચાલન હરદ્વાર ગોસ્વામી એ કરેલ.. ચાલો એમાંની થોડી કવિતા માણીએ.
*********************************************
રોજ એને યાદ કરવાની પ્રથા ખોટી છે;
ને બધાને સાદ કરવાની પ્રથા ખોટી છે…ચંદ્રેશ મકવાણા
વેલ અને વાઉ એમ કૂવા ને વાવ,
ગુજરાતી પ્રજા ને આવ્યો અંગ્રેજી તાવ… આશા પુરોહિત
મરણ જતું ન રહે એનું ધ્યાન રાખું છું,
દરેક શ્વાસને હું સાવધાન રાખું છું…અશોક ચાવડા
આજે ઈશ્વરના આંખમાં જાણે કંઈ ખૂચ્યું,
ને આમ તેમ જોઈ પાણીનું ટીપું સે’જ લૂછ્યું…કાજલ ઓઝા
એ સત્ય છે કે વેદના કેવળ વધી જ છે,
મારી બધી ય મૂંઝવણ મારા સુધીજ છે…સ્નેહલ જોશી
અમે ફૂલોનાં વાવેતર કીધાં ને તોયે
હાથ પથ્થર ને પથ્થર ને પથ્થર;
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય
તમે અત્તર ને અત્તર ને અત્તર… દિલીપ રાવલ
એ સવારે સાવ તાજું માનીને વાંચ્યા કરે ,
આમ જૂવો તો એ છાપું રાતનું નીકળી ગયું… નિનાદ અધ્યારું
એના કરતાં હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું… હરદ્વાર ગોસ્વામી
શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?..અનિલ ચાવડા
પૂરના જળની સપાટી ના વધે બસ એટલે
આંખના પાણીને લોકો આંખમાં રોકી ગયા..કિરણ ચૌહાણ
એક ગઝલ્-રશ્મિ શાહ
એકલો એકલો રડ નહિ;
પગ વિના દોડતાં ડર નહિ.
વૃક્ષ ઊગી જશે શ્વાસમાં;
જીભમાં મૂળ છે, થડ નહિ,
આંખમાં આવરણ આંજવા,
ખ્વાબના મૂકશો કણ નહિ.
એક દરિયો નદીને મળ્યો,
આંખ સામે હવે તટ નહિ.
સાપના દર મહીં હાથ છે,
બુધ્ધીના બારણે ભય નહિ.
હસ્તરેખા હવામાં ભળી,
સૂર્યનો આજથી ગજ નહિ.
કોઈથી દોરવાયા હતાં,
નાવ કાણી શઢ નહિ.
છે અભરખા હિમાલય સમા,
સાંકડા મનનું જ્યાં કદ નહિ.
વાવજે ખ્વાબ તું રાતમાં,
સૂર્ય ઊગે પછી છ્ળ નહિ.
આંખમાં આંજવી છે શમા,
જ્યોત જલાવવા જગ નહિ.
‘રશ્મિ’ની વાત પૂરી થઈ,
શ્વાસના ઘાટ પર શક નહિ.
-રશ્મિ શાહ