એક ગઝલ-મનસુખ વાઘેલા
” Kalyug naa Balkrushna”
*******************************
કોઈ કહો કે પાર્થને પક્ષી છે આંધળું;
હમણાં તો આમતેમ ભટકતું હું તીર છું.
ઊભા છે લઈ હાથમાં એ કર્ણ-કુંડાળો,
પાછો કરું સ્વીકાર ! ના,ના, હું વીર છું.
પૂછે કોઈ તો કહી દઉં કે નાશ છે બધે,
ખેંચાઈ શાપ તો જ બતાવું કે ધીર છું.
એક ક્ષણ જશે તો આ સભાય નગ્ન થઈ જશે,
આવો હે શ્યામ! દ્રોપદીનું છેલ્લું ચીર છું.
‘મનસુખ’ ના કુરુક્ષેત્રમાં બાકી હજી ગઝલ,
મારી શકી તો મારજે હમણાં તો મીર છું.
-મનસુખ વાઘેલા(૦૩૦૦૩-૧૯૫૦)
એક કવિતા-કિશોર શાહ
મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું ‘?
મલકાઈને એ બોલી
‘ખુલવું-બંધ થવું
પલળવું-સુંકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું’.
મેં પૂછ્યું –
‘તને સંતોષ છે?’
એણે શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’
-કિશોર શાહ(૨૭-૧૨-૧૯૪૭) મૂળ કચ્છના બેરાજા ગામના.
જન્મ અને વસવાટ મુંબઈ. કેટલાક કવિઓના અવાજને કેસેટમાં કૈદ
કર્યા છે. કાવ્યાનુવાદની પ્રવૃતિ ગમેછે. કાવ્યસંગ્રહ’સૂર્ય’ રજનીશના
પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો છે.