"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અલી-સલમાની અમર પ્રેમ કથા

180px-taj_mahal_in_march_20041.jpg
– પરૂન શર્મા
લેખક પરીચય – ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા પરૂન શર્મા લેખન-વાંચનની સાથે ક્રિકેટનો ઉંડો રસ ધરાવે છે. રમતગમત પર લેખન એ તેમનો પ્રિય વિષય છે. પરંતુ તેઓ દરેક વિષયમાં સમય મળ્યે કંઈકને કંઈક લખતા રહે છે.                   *********************

પ્રેમ આ દુનિયાનો એક એવો અનુભવ છે જેના વિના મનુષ્ય જીવન કદાચ અધુરૂં છે. જે આ અનુભવમાંથી પસાર થયું છે, તે જ વ્યક્તિ તેને ખરી રીતે પ્રસ્તુત કરી શકે. પછી તે સોહની-માહિવાલની જોડી હોય, રોમીયો-જુલીયેટની જોડી હોય કે પછી હિર-રાંઝાની જોડી. આ બધી જોડીઓ પ્રેમના નામે ઈતિહાસમાં અમર થઈ ચુકી છે. તેમાં અલી-સલમાની જોડીનો પણ ઉલ્લેખ કરી શકાય.

રણમાં ગરમ હવાઓ ફુંકાઈ રહી હતી. તોફાની વાડાઝોડાને લીધે આકાશમાં ધૂળનું આવરણ ચઢી ચુક્યું હતું. તે સમયે એક યુવાન અલી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના માર્ગથી અજાણ હતો. વાવઝોડું એટલું જોરથી ફુંકાઈ રહ્યું હતું કે તેને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. આવી મુશ્કેલ સ્થિતિમાં પણ યુવાન ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. કારણ હતું તેનું લક્ષ્ય.

અચાનક જ યુવાનને એક મિનારો દેખાયો અને તેનામાં આશાનો સંચાર થયો. તેણે તેના ઘોડા સાથે મિનારામાં પ્રવેશ કર્યો. તે અંદર જઈ રહ્યો હતો તે વખતે જ તેને એક મીઠો મધુરો અવાજ સંભળાયો, ‘તમે મનુષ્ય છો કે પછી કોઈ હવાઈ શક્તિ ?’

અલીએ જવાબ આપ્યો, ‘હું મનુષ્ય જ છું અને તમે ?’ અલીએ જોયું કે તેની સામે એક ચંદ્ર જેવો આકર્ષક ચહેરો ધરાવતી અને ગુલાબની પાંખડીઓ જેવી નાજુક સુંદર યુવતી ઉભી હતી. અલી તેને જોતા જ બધું ભુલી ગયો. યુવતી બોલી, ‘હું પણ વાવાઝોડામાં ખોવાઈ ગઈ છું અને આશ્રયના ઈરાદે અહીં આવી છું.’
અલી થોડી વાર સુધી ચુપચાપ તેને જોતો રહ્યો અને પછી તેણે કહ્યું, ‘ન જાણે ક્યાર સુધી અહીં આશ્રય લેવો પડશે. તમારૂં નામ શું છે ?’

યુવતિએ સ્મિત આપતા કહ્યું, ‘તમે મારૂં નામ જાણીને શું કરશો ? હું તમારા જેવા અજાણ્યા મુસાફર સાથે શા માટે વાત કરૂં ?’ અલી યુવતિનું નામ જાણવા અધિરો થઈ રહ્યો હતો અને તેની સાથે વાત કરવાનું બહાનું શોધી રહ્યો હતો.

અલીએ મીનારાના દરવાજા બહારનો સંકેત કરતાં કહ્યું કે, ‘જુઓ હવામાં ચારેય તરફ રેતીના કણો વ્યાપેલા છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં રેતીના કણ ના દેખાઈ રહ્યા હોય.’ ‘હા, તમે સાચું કહી રહ્યા છો.’ યુવતિએ જવાબ આપ્યો.

‘તો પછી રેતીના એક કણે બીજા કણથી શા માટે ડરવું જોઈએ ? રેતીના કણ તો હવાને લીધે ઉડી રહ્યા છે. હું અને તમે તો બસ રેતીના કણ છિએ, જે હવામાં સાથે ઉડી રહ્યા છે. આપણે એક બીજાથી ડરવું ન જોઈએ અને ના એકબીજાથી બચવું જોઈએ. કારણ કે આપણા ભાગ્યમાં આ જ લખ્યું હતું.’ યુવતિએ વિચાર્યુ કે અલી સાચું કહી રહ્યો છે. તેણે શરમાતા શરમાતા કહ્યું, ‘મારૂં નામ સલમા છે અને મારા પિતાનું નામ હુસૈન છે.’

અલી અને સલમા દિવસભર વાતો કરતા રહ્યા. તેમને બહાર વાવાઝોડું આવી રહ્યું છે તે વાતનો ખ્યાલ જ ન રહ્યો. કલાકો વિતી ગયા, રાત પડી ગઈ અને અલી સુઈ ગયો. અલી જાગ્યો ત્યારે બહાર અંધારૂં થઈ ગયું હતું અને ત્યાં સલમા નહોતી. તે દરવાજા પર ગયો તો વાવાઝોડું શાંત થઈ ચુક્યું હતું. પરંતુ તેને સલમાના પગના નિશાન પણ ન દેખાયા.

સલમાને ગુમાવીને અલી દુઃખી થઈ ગયો. તેને સલમા ક્યાં ચાલી ગઈ તે વિષે ચિંતા થઈ રહી હતી. તેને સલમા સાથે ગાળેલો સમય યાદ આવી ગયો. તેણે વિચાર્યુ હું સલમાને હું કેવી રીતે શોધી શકીશ ? સલમાએ તેના પિતાનું નામ હુસૈન હોવાનું કહ્યું હતું. પરંતુ હુસૈન તો ન જાણે કેટલાય લોકોનું નામ હશે અને ન જાણે કેટલાય હુસૈનોએ તેમની દિકરીનું નામ સલમા પાડ્યું હશે. તેણે એ પણ ન કહ્યું કે તે ક્યાં રહે છે. સલમા અને અલીની મુલાકાત રેતીના બે કણો જેવી હતી, જે કણો વાવાઝોડામાં મળ્યા અને તેમાં જ ખોવાઈ ગયા. હવે તેઓ ફરી મળે એવી શક્યતા નહીંવત હતી.

અલી સલમાને શોધવા ગાંડાઓની માફક ભટકવા લાગ્યો. તે જ્યાં પણ જતો ત્યાં સલમા વિષે જ પૂછતો. સલમાના વિરહમાં તેની માનસિક સ્થિતિ વિચલિત થઈ ગઈ. લાંબા વાળ, લાંબી દાઢી અને ફાટેલા કપડા તેની ઓળખાણ બની ગયા. તે ગામેગામ સલમાની શોધમાં ભટકતો અને બધાને એક જ પ્રશ્ન પૂછતો, ‘શું અહીં હુસૈન રહે છે, જેમની દિકરીનું નામ સલમા છે?’ લોકો તેના પર હંસતા અને કહેતા કે, ‘આ માણસ ગાંડો થઈ ગયો છે, ન જાણે તે કયા હુસૈન અને સલમા વિષે પૂછી રહ્યો છે ?’

અલીનું બાકીનું જીવન સલમાની શોધમાં જ પસાર થયું. એક દિવસ મુશળાધાર વરસાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું. ભુખના લીધે તેના પેટમાં દુઃખાવો થવા લાગ્યો. તે બેભાન થઈ ગયો. પરંતુ અચાનક તેને લાગ્યું કે કોઈ યુવતિ તેની પાસે આવીને તેના પેટમાંથી પાણી કાઢી ગઈ અને તેના ઘોડાને પણ વરસાદમાંથી બચાવી લીધો.

અલીએ આંખો ખોલી ત્યારે તેના આશ્વર્યનો પાર ન રહ્યો. તેને બચાવનાર યુવતિ ખરેખર તેની પ્રેમિકા સલમા જ હતી. તે અલીના ચહેરાને નીહાળી રહી હતી. હંસતા હંસતા તેણે કહ્યું, ‘રેતીના બે કણ જ્યારે એકબીજાને મેળવી લે છે ત્યારે તેઓ હંમેશા એકબીજાના થઈ જાય છે.’

મે 27, 2007 Posted by | ટુંકીવાર્તા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: