તે કોણ છે ?
સ્તબ્ધ આંખોથી મને જોયા કરે તે કોણ છે?
ને પછી દ્રષ્ટિ થકી પળમાં સરે તે કોણ છે?
સાવ સુક્કું વૃક્ષ છે ને સાવ સુક્કી ડાળ છે,
પર્ણ જેવું કંઈ નથી તોપણ ખરે તે કોણ છે?
મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈઃ કહ્યું,
શવૅરીના કેશમાં મોતી ભરે તે કોણ છે?
આમ તો ઝરણાં હંમેશ પર્વતોમાંથી સરે,
તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?
જળ મહીં તરતાં રહે એ મત્સ્ય, પણ
મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે?
સહુ મને દફનાવવાને આમ તો આતુર, પણ
આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે?
-રમેશ પટેલ ‘ક્ષ”(૧૨-૦૯-૧૯૫૩), કાવ્યસંગહ- ક્ષમા( ૧૯૭૮)
અંગિત(૧૯૯૦)