એક ગઝલ-સતીશ “નકાબ’
ખિસ્સાના ઊભા કાપમાં ચિરાઈ જાઉં છું;
રૂમાલ જેમ સાંજના ચોળાઈ જાઉં છું.
કડકડતી ટાઢમાં છે તમાકુંનાં ખેતરો,
હું સે’જ હૂંફ લઉં તો ધુમાડાઈ જાઉં છું.
સ્ટ્રાઈકરમાં હોઉં છું તો હું એકાગ્ર હોઉં છું,
પણ કૂકરીઓમાં સાવ વિખરાઈ જાઉં છું.
હું સ્ટેજ પર નથી છતાં નક્કી છે મારો રોલ,
પડદો પડે છે ત્યારે ઉંચકાઈ જાઉં છું.
આંખોની આસપાસ ઊડે છે પંતગિયાં,
પાંપણ જો પટપટાવું તો રંગાઈ જાઉં છું.
વાતાવરણામાં રહું છું તો વાતાવરણની જેમ,
એક્ઝોસ્ટ-ફેનમાંથી હું ફેંકાઈ જાઉં છું.
સ્મરણો ફર્યા કરે છે ઉઘાડા પગે નકાબ,
જોડાની લેસથી જ હું બંધાઈ જાઉં છું.
-સતીશ ‘નકાબ'(૧૭-૦૯-૧૯૪૮) મુંબઈમાં રહે એ. ગઝલસંગ્રહ ‘ગુંજન'(૧૯૬૯)
‘સાંનિધ્ય'(૧૯૮૮)