"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તરસ – શિવજી રૂખડા ‘દર્દ”

 ph521.jpg                                    

    ખોબાનાં નીર થયાં ખાલી
સૈયર,   હું  તો  પાણી  ભરવાને  પછી   હાલી.

પાણીના    સેરડે     પાણી   દેખાઈ નંઈ   કાળજે    તરસુંના     કાપા,
પાણીના   પગરવની     પાછળ   છે  તરસના    સિન્દુરિયા     થાપા,
                                                                  કોઈ ગાગર લઈ ઠાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને  પછી  હાલી.

કાળઝાળ  ગરમીના    ઝાળઝાળ   વાયરાઓ   ચારે   દિશાઓથી  વાય,
ભીંનાશે લીધો  છે     ભેજવટો  ને      ઓલ્યા  વીરડામાં  રેતી    છલકાય,
                                                               ઝાંઝવાની આંગળી મેં ઝાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને પછી હાલી.

સવારે   સૂરજની   સાખે હું   નીકળું   આથમે    છે    આંખોયે   વાટમાં,
આ તરસનું નામ કોણે પાડ્યું મારી બઈ ! પાછું લમણે લખ્યું છે લલાટામાં

                                                                                નજરું ચડી ગઈ ખાલી.

સૈયર , હું તો પાણી ભરવાને પછી હાલી.

-શિવજી રૂખડા’ દર્દ’ (૨૦-૦૫-૧૮૪૪) બગસરામાં રહે છે.
  કાવ્યસંગ્રહ ‘ફૂલનો પર્યાય ‘

મે 22, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: