છે માર્ગમાં નદી તો..
આ ધારદારતાનું સતત ભાન રાખીએ,
તલવાર રાખીએ ભલે પણ મ્યાન રાખીએ .
બે-ચાર સ્વપ્ન જેટલો સામાન રાખીએ,
ઊંઘી જવાનું ક્યાંક પણ આસન રાખીએ.
આ શુષ્કતાનું લીલવું સંધાન રાખીએ,
પુસ્તકનાં પૃષ્ઠ વચ્ચે કોઈ પાન રાખીએ.
લો,કાય નહીં તો પાય ઝબોળીને ચાલીએ,
છે માર્ગમાં નદી તો જરી માન રાખીએ.
પીળા પરણની જેમ ટહુકા ખરી જશે,
તોરણ મહીં જો આંખ અને કાન રાખીએ.
-કરશનદાસ લુહાર( ૧૨૦૦૮-૧૯૪૨) કાવ્ય-સંગ્રહ ‘જળકફન’
આ શુષ્કતાનું લીલવું સંધાન રાખીએ,
પુસ્તકનાં પૃષ્ઠ વચ્ચે કોઈ પાન રાખીએ.
– ખૂબ સુંદર…. પુસ્તકમાં મૂકેલા પાંદડા પર કદાચ જ કોઈ કવિએ આટલું સુંદર સંવેદન અનુભવ્યું હશે…!