એ ગઝલ-મેઘજી ડોડેચા”મેઘબિંદુ’
ભુલી જવી જે જોઈ એ વાત યાદ આવે છે,
બસ એટલે તો આપણી વચ્ચે વિવાદ છે.
ધાર્યું થયું ના એટલે વિવશ બની ગયો,
દ્રષ્ટિ કરું છું જ્યાં હવે ઘેરો વિષાદ છે.
શ્રધ્ધા રહીના એટલે શંકા વધી ગઈ,
મંજિલ મળે કયાંથી હવે પ્રયત્ને પ્રમાદ છે.
એથી તમારા દ્વાર પર આવ્યો નહીં કદી,
સમજી ગયો’તો આપની મેલી મુરાદ છે.
છું એકલો ને આસપાસે રણની રિકતતા,
અથડાય છે જે કાન પર એ કોને સાદ છે.
*************************
( ‘ઓથ પશ્ર્યાતાપની છે એટલે
માનવી અહીં પાપ કરતો હોય છે.’)
-મેઘજી ડોડેચા (૧૦-૧૨-૧૯૪૧) જન્મસ્થળ કરાંચી. મુલુન્ડમાં રહે છે.
‘સંબંધતો આકાશ’ એમનો ગીત ગઝલ સગ્રહ