એક કાવ્ય- કિશોર મોદી
એઈ વીહલા હાંભળ મારી વાત.
ગામનો મંગલો ભૂવો જ્યારે ડાકલી વગાડીને ધૂણતો ઓઈ ત્યારે
તેના ચાળા ની પાડતો..
ભેંહનાં હિંગડા ભેંહને ભારી એ મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.
દિવાહાના દા’ડે ઢીંગલા-ઢીગલીનાં લગન વખતે
પેલો કીકુ બામણ ઉંધા મંગળફેરા ફરવાનું કે’ઈ ત્યારે
જાન માંડવે આવે ને કન્યા અઘવાનું થાય એવું
બા’નું નીં બતાવતો એ મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.
ગોકુલઅષ્ટમીની રાતે કૃષ્ણનો જનમસમય વીતી જાય ત્યારે
‘સંભવામિ યુગે યુગે’નો શ્લોક ટાંકીને સિઝિરિયન કરવાની
વણમાગી સલાહ નીં આપતો.
લોકોને ઉજાગરા થાય તેમાં આપણા બાપનું હું જાય.
એતો કામળ ભીની થહે તેમ ભારી લાગહે એ મારે
તને કંઈ કે’વાનું નીં ઓઈ.
નવરાતના દા’ડામા લઠ્ઠો પીવાથી કોઈને માતા આવે
કે કોઈને હાપ કરડે ને ભાથીદાદાની હાજરીથી ઊતરે
ત્યારે રખે કંઈ બોલતો.
ઉંકરડામાં હાંઢ મૂતરે તો કેટલી અસર થાય એ
મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.
ગામમાં કોઈનાં છૈયા-છોકરાને રતવા થાય
ને રામલીલા રમાડવાની બાધા રખાય ત્યારે નકામો વિરોધ ની કરી બેહતો.
‘કુંવરબાઈનું મામેરું’નો ખેલ ભજવાય ને નરસી મે’તો
આથમાં પખાલ લઈ, રાગ મલ્લાર ગાવાની તિયારીમાં
ઓઈ, ને કોઈ બુધિયો ઝાડ પરથી પાણીના દોરિયા સાથે
નીચે પડી જાય ત્યારે વી.આઈ.પીની ચૅરમાં બેઠો બેઠો અહતો નઈં.
નઈંતર પેલા ગુલબા ફક્કડને ખોટું લાગહે.
રામલીલા તો આવી જ ઓઈ. છાણાના દેવને ચનોઠીની જ
આંખ ઓઈ…વાલનીએ નંઈ એ મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.
વળી ગામમાં તો આવુંજ ચાઈલા કરે.
હરપંચ બોલે ને હવ્વા વીહ ને બે પાણ
રામજી મંદિરના ઓટલે મૂકેલી ધરમાદા પેટીના પૈયામાંથી
હરપંચનો છનિયો ડાંડ ધોળી બીડીના ધૂમાડા કાડે
ને હરપંચને મન મારો પોઈરો યુધિષ્ઠર ને બીજાના દુર્યોધન.
ત્યારે તને કદાચે એમ થાય કે વરની મા છિન્નાર તો જાન્નડીને હું કે’વું?
પણ આપણે તો ગામમાં રે’વાનું છે,
એટલે બૂઈડા તો બે વાંહ વધારે, હમજ્યો..એ મારે તને
કંઈ કે’વાનું નીં ઓઈ.
-કિશોર મોદી(૨૩-૧૦-૧૯૪૦) કાવ્ય-સંગ્રહ – ‘જલજ’ ‘મધુમાલિકા’
મારો પોઇરો યુધિષ્ઠર ને બીજાના દુર્યોધન….આ વાતથી મને યાદ આવે છે કે શીદી બાઇના શીદકા વ્હાલા……સરસ રજુઆત છે.
અદ્ ભુત રચના..! સાવ સુરતી સુવાસ..! અભીવ્યક્તી અને ભાષા–લહેકામાં..!
ભાઈ કીશોરને અમારા ખુબ ધન્યવાદ..કાવ્ય સંગ્રહ ‘જલજ’નાં પાનસંખ્યા, કીમતથી માંડી પ્રાપ્તીસ્થાનનાં સરનામાં સુધ્ધાં જણાવી શકો તો ? આ રચના ‘નયા માર્ગ’માં પ્રકાશીત કરવા હું મોકલી શકું ? તેમની મંજુરી લઈ, પુછી મને લખશો ? દલીતવર્ગની વ્યથાને આટલી સબળ વાચા ! અમારા ધન્યવાદ..ઉત્તમ અને મધુ.. સુરત..
uttamgajjar@hotmail.com
સુંદર રચના…
Book name is AEE VIHALA.It is available from Sahitya sangam bavasidi, gopipura,Surat-395 001 Thanks for your interest in my poetry.