એક જ દે ચિનગારી
(૦૧-૦૫-૧૮૯૫ – ૧૦-૦૩-૧૯૭૮)
રાગ-ભૈરવી
એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી,
મહાનલ,એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ- અટારી;
ના સળગી એક શગડી મારી-
વાત વિપતની ભારી,
મહાનલ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું-
માગું એક ચિનગારી,
મહાનલ! એકજ દે ચિનગારી.
*********************
‘એક જ દે ચિનગારી’ ગીત અમારી પેઢીએ પ્રાર્થનારૂપે ગાયું છે. કવિએ સુખસંપત્તિનો લોભ નથી દાખવ્યો.કશી મોટી આકાંક્ષા વ્યકત નથી કરી, માત્ર એક પ્રકાશકણ માગ્યો છે. જ્ઞાનની આ અભીપ્સા ગીતાના અનાસક્ત કર્મ સાથે સંવાદિતા ધરાવે છે. લોકભાષાની લઢણનો ઉપયોગ કરી લખાયેલ ગેય રચના ‘ગામઠી-ગીતા’ હળવી શૈલીએ લખાયેલી રચના લાગશે પણ એની લોકપ્રિયતાના મૂળમાં વિનોદ નથી, ગીતાનો મર્મ અને બોલચાલની ગુજરાતી ભાષા કવિને આત્મસાત થવાનું પ્રમાણા છે.’ -રઘુવીર ચૌધરી
હું પોતે સ્કુલમાં હતો ત્યારે મારી બે પ્રિય પ્રાર્થના ‘ મંગળ મંદિર ખોલો” અને’ એક જ દે ચિનગારી’..આજે નિવૃત થયો તો પણ આ મારી બે પ્રિય પ્રાર્થના રહી છે. હું ત્યાં સુધી કહું કે કવિશ્રી હરિહર ભટ્ટે આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે- તેમજ લોક-જીભે , સદાને માટે અમર બની રહેત.સરળ સાદી ભાષામાં બાળકથી માંડી પૌઢ ઉંમરની
વ્યક્તિના ટેરવે રહેતી પ્રાર્થના એટલે.. ‘એક જ દે ચિનગારી’. -વિશ્વદીપ