"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમદાવાદ -મણિલાલ દેસાઈ

796px-teen-darwaza1.jpg

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો આંખોજ નથી.ડામરની સડકો પર ચાલતાં ચાલતાં એમની બુધ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ અમદાવાદ માં રહું છું. મારી આસપાસ પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ-ક્વોલિટીનું  ઍરકંડિશન ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્નો કરે છે. અને ભઠિયાર ગલી તો મણિનગરની વેશ્યાઓના પડછાયા પાડે છે. સાબરમતીની  રેતી  અહીંના રસ્તે રસ્તે પથરાઈ ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની. સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલ-રિક્ષા ચલાવનાર અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર નથી આવતું. કાલે -સરખેજ કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતી કાલે -આદમ મારે બારણે ટકોરો મારી પૂછશે કે, ‘ મેં આપેલી લાગણીઓનું શું ?’ ત્યારે હું , લાલ દરવાજે  એક પૈસામાં ‘બૂટપૉલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ……

-મણિલાલ દેસાઈ(૧૯-૦૭-૧૯૩૯-૦૪-૦૫-૧૯૬૬).. વલસાડ જિલ્લાના ગોરગામમાં જન્મ્યા.  અમદાવાદમાં  નાની ઉંમરે મરણ. મણિલાલ, અંધકારના રંગ, લય અને ગતિના કવિ. મણિલાલની કવિતામાં ડી.એચ.લોરેન્સશાહી પ્રિમિટિવ ફોર્સ છે. આ અદિમતા એનું લક્ષણ છે. ગીત, ગઝલ, ક્યારેક સોનેટ અને અછાંદ કાવ્યો એમણે આપ્યા છે. એમની કવિતામાં તળપદો સ્વાદ પણ છે. જયંત પારેખે એમના મરણોત્તર કાવ્ય-સંગ્રહ ‘રાનેરી’નું સંપાદન કર્યું છે.

મે 11, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: