એક ગઝલ-પુરુરાજ જોષી
ઉદાસીનું ધુમ્મસ ખસે છે જ ક્યાં ?
પથ્થરનાં ફૂલો હસે છે જ ક્યાં ?
ડામરની સડકો ને ચોરસ મકાનો,
શહેરોમાં માણસ વસે છે જ ક્યાં ?
અમે ધૂપસળી થઈને સળગી રહ્યાં,
મંદિરની મૂરત શ્વસે છે જ ક્યાં?
નહીં તો ન જીવતો રહ્યો હોઉં હું ,
સ્મ્રુતિઓના સર્પો ડસે છે જ ક્યાં?
–પુરુરાજ જોષીઃ(૧૪-૧૨-૧૯૩૮) નડિયાદમાં જન્મ. સાવલીની
કોલેજમાં પ્રાધ્યાપક. ‘નક્ષત્ર’ એમનો કાવ્ય-સંગ્રહ.
દંભીઓને
રાતો રાત
દાઢી ઉગાડીને ફરતા
હે! મિત્રો
થોભો.
વગર વિચાર્યે હવે
એક ડગલુંય આગળ ન માંડતા.
થોભો.
મૂંડાવી નાખશો તો ભૂંડા લાગશો
અને, રહેવા દેશો તો-
મારી નજરમાં તો, ઘાસ છે!
હા,
ઘાસ છે ઘાસ પેલું ઘાસ!
મંગળાદાસ રાઠોડઃ (૧૪-૦૩-૧૯૩૮) અધ્યાપક. સુરતમાં રહે છે.
કાવ્ય-સંગ્રહ ‘ કાષ્ઠશિલ્પ ‘