એક ગઝલ-દેવદાસ શાહ ‘અમીર’
એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું ?
એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું?
ફરવાનું ગોળ ભાગ્યમાં જેનાં લખ્યું હશે,
તકદીરની ગાડીને ગતિ હોય તોય શું ?
દુર્યોધનો જો જાંઘને ખુલ્લી કરી શકે ,
તો દ્રોપદીને પાંચ પતિ હોય તોય શું ?
ઉધ્ધાર કરવા રામને વનમાં જવું પડે,
અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું ?
તમને તો છે ખબર કોઈ કયારે થશે ચલિત,
હે વિશ્વામિત્ર ! કોઈ જતિ હોય તોય શું ?
ઓ કામદેવ! આ આંખ તું ખોલી શકે નહીં,
શંકરની સામે લાખ રતિ હોય તોય શું ?
જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં ‘ અમીર”!
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું ?
-દેવદાસ શાહ ‘અમીર’ – (૧૫-૧૧-૧૯૩૭)પરંપરાના શાયર.
મુશાયરામાં ભાગ લે છે અને સંચાલન પણ કરે છે.
એક કવિતા- આર-એસ.દૂધરેજિયા
હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું.
પણ
દરેક વખતે તેમાંથી
પતંગિયું નિકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું..