હાલ્યની માહતર થાઈ……
હાલ્યની માહતર થાઈ, અરજણિયા, હાલ્યની.
દિ બધો શીમમાં પાટકી પાટકીને
ઘરે આવીઈ હાંજ હમે
એના કરતાં ખુરહીમાં બેહી રેવું, ભાઈ,
ઈ તો કોને નો ગમે, અરજણિયા,હાલ્યની.
ગાયું સારિયું ને ભેહું સારિયું ને વળી
સાર્યા મોટા મોટા ઢોર;
એમાં તો હું મોટો મીર મારવો’તો
ઓલ્યાં સારવાં નાનકડા સોરાં, અરજણિયા.
ફડ દઈને ભાળ્યું, ડાંગ મારીઈ તો
ડોબાંય હાલે ઝટ;
ઈ ડાંગ આગળ સોકરાંના દેન હું,
ઈ તો હાલે હીધા હટ રે, અરજણિયા.
વેપારી માહતર ને ખેડુય માહતર
ને માહતર ભાણો ભુવો;
કાઢી મૂકેલ ઓલ્યો ટભલો ટપાલી-
ઈ યે માહતર થઈ ને મૂઓ, અરજણિયા.
હરાદ હરાવશું નેં સોડીયું પરણાવશુ
ને વાસશું હતનારણની કથા;
(આ) પેટનો ગુંજારો એમ કાઢશું,
આપણે બીજી હું તથ્યા,અરજણિયા.
મોટા ગામથી ઓલ્યો શાબ્ય આવે,
એને હારું હારું ખાધાના હેવા;
એના મોઢામાં લાડવા ઠાંહશું
ઈ તો રાજી રાજી થઈ જાય એવા, અરજણિયા.
હાલતી નિહાળે સોરે બેહશું
ને વાતુંમાં કાઢશું દનિયાં,
મોટા ગામમાં જો બદલી કરશે
રાખશું રે ઠુંહણિયા,અરજણિયા.
(એક ભરવાડનો મનોરથ)
કેવળ નિદૉષ વિનોદ છે. કોઈને માટે દંશ નથી.
-હરીહર ભટ્ટ (૦૧-૦૫-૧૮૯૫-૧૦-૦૩-૧૯૭૮)