મેં એક શાહજાદી જોઈ હતી…
શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી,
મેં એક શાહજાદી જોઈ હતી.
એના હાથની મેંદી હસતી’તી
એના આંખનું કાજળ હસતું’તું;
એક નાનું સરખું ઉપવન જાણે
મૌસમ જોઈ વિકસતું’તું.
એના સ્મિતમાં સો સો ગીત હતા
એની ચુપકીદી સંગીત હતી;
એને પડછાયાની હતી લગન
એની પગરવ સાથે પ્રિત હતી.
એણે યાદના આસોપાલવથી
એક સ્વપ્ન-મહેલ શણગાર્યો’તો;
જરા નજરને નીચી રાખીને
એણે સમયને રોકી રાખ્યો’તો.
એ મોજાં જેમ ઊછળતી’તી;
ને પવનની જેમ લહેરાતી’તી
કોઈ હસીને સામે આવે તો
બહુ પ્યારભર્યુ શરમાતી’તી.
એને યૌવનની આશિષ હતી
એની સર્વ બલાઓ દૂર હતી;
એના પ્રેમમાં ભાગીદાર થવા
ખુદ કૂદરત પણ આતુર હતી.
–સૈફ પાલનપુરી(૩૦-૦૮-૧૯૨૩-૦૭-૦૫-૧૯૮૦) સૈફુદીન ખારાવાલા.સૈફની ગઝલ વિવેચનની મોહતાજ નથી. એ પ્રત્યક્ષ અને સ્વયંસ્પષ્ટ છે. ગઝલના સ્વરૂપની સ્વમાનભેર આબરૂ જાળવનાર આ શાયરની શાયરીનો મિજાજ પણ જાણવા, માણવા અને પ્રમાણવા જેવો છે. દુબારા કે ઈર્શાદની વચ્ચે એમની ગઝલ ગૂંગળાઈ જતી નથી. પણ આપમેળે એ ખીલે છે અને ખૂલે છે. એમના કાવ્યસંગ્રહ’ઝરૂખો’ અને હીચકો.