એક ગઝલ-‘કિસ્મત’ કુરેશી
ગર્વ હું કરતો નથી એ વાતે મગરૂર છું;
જાણતો નથી હું જ મુજને એટલો મશહૂર છું.
તારી પાસે પ્હોંચવાની વાત કોરાણે રહીં,
હું જ મારાથી હજી તો કેટલોયે દૂર છું.
આંખડીના તેજ મારાં સાવ છીનવાઈ ગયાં,
અંધ થઈને આથડું છું તોય તારું નૂર છું.
કાં તો હું તારી દઈશ ને કાં તો હું તાણી જઈશ,
દર્દનો દરિયો છું ને હું પ્રિત કેરું પૂર છું.
સાંભળી તું ના શકે તો વાંક છે તૂજ કાનનો,
બંધ હોઠે રાત-દિન ગૂંજી રહેલો સૂર છું.
હુ જ સૂફી-સંત, જલ્લાદ કાતિલ હું જ છું,
જેટલો હું છું દયાળું, એટલો હું ક્રુર છું.
હાથ મુજ લોખંડી કિસ્મત, આખરે હેઠા પડ્યા,
જેટલો મજબુત છું હું એટલો મજબુર છું.
–‘કિસ્મત’ કુરેશી(૨૦-૦૫-૧૯૨૧-૦૮-૦૧-૧૯૯૫), મૂળ નામ ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી. ‘આત્મગુંજન’,’સલીલ’,’અત્તર’,ઈકરાર,’અનામત’ જેવા ગઝલસંગ્રહો.
(તખ્તા પર નાટક છે “કિસ્મત”
સાચું જીવન છે પડદા પાછળ)
******************************************************