"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક ગઝલ-મનસુખ વાઘેલા

 showletter1.jpg

” Kalyug  naa Balkrushna”

*******************************

કોઈ  કહો  કે  પાર્થને   પક્ષી  છે   આંધળું;
હમણાં  તો   આમતેમ    ભટકતું હું તીર છું.

ઊભા  છે   લઈ   હાથમાં  એ  કર્ણ-કુંડાળો,
પાછો  કરું સ્વીકાર ! ના,ના, હું  વીર છું.

પૂછે  કોઈ   તો કહી દઉં   કે નાશ  છે  બધે,
ખેંચાઈ  શાપ  તો જ  બતાવું    કે ધીર  છું.

એક ક્ષણ જશે તો આ સભાય નગ્ન થઈ જશે,
આવો  હે શ્યામ! દ્રોપદીનું    છેલ્લું  ચીર છું.

‘મનસુખ’ ના  કુરુક્ષેત્રમાં  બાકી હજી ગઝલ,
મારી  શકી તો  મારજે  હમણાં   તો  મીર છું.

-મનસુખ વાઘેલા(૦૩૦૦૩-૧૯૫૦)

મે 31, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

એક કવિતા-કિશોર શાહ

showletter3.jpg 

મેં છત્રીને પૂછ્યું
‘તારી નિયતિ શું ‘?
મલકાઈને એ બોલી
‘ખુલવું-બંધ થવું
પલળવું-સુંકાવું
અને માળિયાના કોઈક ખૂણે પડી રહેવું’.
મેં પૂછ્યું –
‘તને સંતોષ છે?’
 એણે શરમાતાં કહ્યું –
‘આકાશને ઝીલવાનો રોમાંચ
તમે પુરુષો ક્યારેય નહીં સમજી શકો.’

-કિશોર શાહ(૨૭-૧૨-૧૯૪૭) મૂળ કચ્છના બેરાજા ગામના.
જન્મ અને વસવાટ મુંબઈ. કેટલાક કવિઓના અવાજને કેસેટમાં કૈદ
કર્યા છે. કાવ્યાનુવાદની પ્રવૃતિ ગમેછે. કાવ્યસંગ્રહ’સૂર્ય’ રજનીશના
પુસ્તક ‘જળ પર હસ્તાક્ષર’નો અનુવાદ કર્યો
છે.

મે 31, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા, મને ગમતી કવિતા | 1 ટીકા

એક ગઝલ-શ્યામ સાધુ

 showletter2.jpg

ઉંદરને આવે કેવી
દૂધ પિવાની મજા!
બાળ તલસે દૂધ વિના,
આતો  કેવી  સજા !

*****************

 તારી  નજરમાં જ્યારે  અનાદર   બની   ગયો;
મંજિલ વગરનો  જાણે    મુસાફર    બની ગયો!

ફૂલોનું    સ્વપ્ન   આંખમાં    આંજ્યાના  કારણે,
હું    પાનખરમાં    કેટલો    સુંદર   બની  ગયો!

કયાં  જઈ  હવે એ  સ્મિતની   હળવાશ  માણશું?
હૈયાનો   બોજ   આંખની   ઝરમર  બની   ગયો!

મુક્તિ   મળે  છે     સાંભળ્યું    ચરણોનાં સ્પર્શથી,
રસ્તે   હું   એ   જ કારણે    પથ્થર    બની ગયો!

મારું   મરણ    ક્યાં  એકલું   મારું    મરણ   હતું?
સંસાર, આંખ   મીંચી    તો   નશ્વર  બની  ગયો!

મે 30, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

એક ગઝલ-‘બ્રેન્યાઝ ધ્રોલવી’

showletter2.gif 

 શબ્દ મક્કા , શબ્દ  કાશી છે  સમજ,
ધર્મની  ઊંચી   અગાસી   છે  સમજ.

આંસુંનું       મેવાડ  લૂછી    પોપચે,
એક     મીરાંની  ઉદાસી   છે  સમજ.

ગોમતીની     જેમ    ભટકી  કલ્પના,
એક   શાયરની  તલાશી  છે   સમજ.

આજ    ગંગાની  અદાલતમાં    ઉભા,
પાપને  ધોતા    પ્રવાસી  છે   સમજ.

‘બ્રેન્યાઝ ધ્રોલવી'(૦૬-૦૨-૧૯૪૭) મૂળ નામ અબ્દુલ કાઝી
‘સૂર્યનો દસ્તાવેજ’કાવ્ય સંગ્રહ.

મે 29, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

મૂંગામંતર થઈ જૂઓ

image0013.gif 

         Happy Memorial -Day

*********************

જ્યારે   સૂઝે  ના   કૈ અક્ષર,  મૂંગામંતર  થઈ   જૂઓ;
ભીતરથી   રણઝણશે  જંતર ,  મૂંગામંતર   થઈ  જૂઓ.

પુસ્તક  સઘળા   બંધ   કરી    દ્યો, આંખોને  મીંચી  દ્યો,
મેળે   મેળે    મળશે  ઉત્તર ,  મૂંગામંતર  થઈ   જૂઓ.

હોય ભલે  ના વાદળા, પણ   જો હોય તરસ ભીંજાવાની,
મનમાં  થાશે  ઝીણી ઝરમર , મૂંગામંતર   થઈ   જૂઓ.

દર્પણ   દર્પણ   ભટકો નહિ   ને  બિંબ  બધા ફોડી નાખો ,
ખૂદને  મળશો  ખૂદની  અંદર,   મૂંગામંતર થઈ જૂઓ.

જળતરંગ  માફક   ઊઠો   ને  ત્યાં  સૂધી  પ્હોંચો ‘સુધીર’
ખૂદ થઈ જાશો સુંદર સરવર ,  મૂંગામંતર  થઈ   જૂઓ.

સુધીર પટેલ( ૨૫–૦૯-૧૯૫૪) જન્મ લાઠી(અમરેલી) અમેરિકાના શાર્લોટમાં રહેછે.
‘નામ આવ્યું હોઠ પર એનું અને ‘… મૂગામંત્તર થેી જૂઓ’ એમના ગઝલસંગ્રહો.

મે 28, 2007 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

અલી-સલમાની અમર પ્રેમ કથા

180px-taj_mahal_in_march_20041.jpg
– પરૂન શર્મા
લેખક પરીચય – ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા પરૂન શર્મા લેખન-વાંચનની સાથે ક્રિકેટનો ઉંડો રસ ધરાવે છે. રમતગમત પર લેખન એ તેમનો પ્રિય વિષય છે. પરંતુ તેઓ દરેક વિષયમાં સમય મળ્યે કંઈકને કંઈક લખતા રહે છે.                   *********************

પ્રેમ આ દુનિયાનો એક એવો અનુભવ છે જેના વિના મનુષ્ય જીવન કદાચ અધુરૂં છે. જે આ અનુભવમાંથી પસાર થયું છે, તે જ વ્યક્તિ તેને ખરી રીતે પ્રસ્તુત કરી શકે. પછી તે સોહની-માહિવાલની જોડી હોય, રોમીયો-જુલીયેટની જોડી હોય કે પછી હિર-રાંઝાની જોડી. આ બધી જોડીઓ પ્રેમના નામે ઈતિહાસમાં અમર થઈ ચુકી છે. તેમાં અલી-સલમાની જોડીનો પણ ઉલ્લેખ કરી શકાય.

રણમાં ગરમ હવાઓ ફુંકાઈ રહી હતી. તોફાની વાડાઝોડાને લીધે આકાશમાં ધૂળનું આવરણ ચઢી ચુક્યું હતું. તે સમયે એક યુવાન અલી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના માર્ગથી અજાણ હતો. વાવઝોડું એટલું જોરથી ફુંકાઈ રહ્યું હતું કે તેને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. આવી મુશ્કેલ સ્થિતિમાં પણ યુવાન ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. કારણ હતું તેનું લક્ષ્ય.

અચાનક જ યુવાનને એક મિનારો દેખાયો અને તેનામાં આશાનો સંચાર થયો. તેણે તેના ઘોડા સાથે મિનારામાં પ્રવેશ કર્યો. તે અંદર જઈ રહ્યો હતો તે વખતે જ તેને એક મીઠો મધુરો અવાજ સંભળાયો, ‘તમે મનુષ્ય છો કે પછી કોઈ હવાઈ શક્તિ ?’

અલીએ જવાબ આપ્યો, ‘હું મનુષ્ય જ છું અને તમે ?’ અલીએ જોયું કે તેની સામે એક ચંદ્ર જેવો આકર્ષક ચહેરો ધરાવતી અને ગુલાબની પાંખડીઓ જેવી નાજુક સુંદર યુવતી ઉભી હતી. અલી તેને જોતા જ બધું ભુલી ગયો. યુવતી બોલી, ‘હું પણ વાવાઝોડામાં ખોવાઈ ગઈ છું અને આશ્રયના ઈરાદે અહીં આવી છું.’
અલી થોડી વાર સુધી ચુપચાપ તેને જોતો રહ્યો અને પછી તેણે કહ્યું, ‘ન જાણે ક્યાર સુધી અહીં આશ્રય લેવો પડશે. તમારૂં નામ શું છે ?’

યુવતિએ સ્મિત આપતા કહ્યું, ‘તમે મારૂં નામ જાણીને શું કરશો ? હું તમારા જેવા અજાણ્યા મુસાફર સાથે શા માટે વાત કરૂં ?’ અલી યુવતિનું નામ જાણવા અધિરો થઈ રહ્યો હતો અને તેની સાથે વાત કરવાનું બહાનું શોધી રહ્યો હતો.

અલીએ મીનારાના દરવાજા બહારનો સંકેત કરતાં કહ્યું કે, ‘જુઓ હવામાં ચારેય તરફ રેતીના કણો વ્યાપેલા છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં રેતીના કણ ના દેખાઈ રહ્યા હોય.’ ‘હા, તમે સાચું કહી રહ્યા છો.’ યુવતિએ જવાબ આપ્યો.

‘તો પછી રેતીના એક કણે બીજા કણથી શા માટે ડરવું જોઈએ ? રેતીના કણ તો હવાને લીધે ઉડી રહ્યા છે. હું અને તમે તો બસ રેતીના કણ છિએ, જે હવામાં સાથે ઉડી રહ્યા છે. આપણે એક બીજાથી ડરવું ન જોઈએ અને ના એકબીજાથી બચવું જોઈએ. કારણ કે આપણા ભાગ્યમાં આ જ લખ્યું હતું.’ યુવતિએ વિચાર્યુ કે અલી સાચું કહી રહ્યો છે. તેણે શરમાતા શરમાતા કહ્યું, ‘મારૂં નામ સલમા છે અને મારા પિતાનું નામ હુસૈન છે.’

અલી અને સલમા દિવસભર વાતો કરતા રહ્યા. તેમને બહાર વાવાઝોડું આવી રહ્યું છે તે વાતનો ખ્યાલ જ ન રહ્યો. કલાકો વિતી ગયા, રાત પડી ગઈ અને અલી સુઈ ગયો. અલી જાગ્યો ત્યારે બહાર અંધારૂં થઈ ગયું હતું અને ત્યાં સલમા નહોતી. તે દરવાજા પર ગયો તો વાવાઝોડું શાંત થઈ ચુક્યું હતું. પરંતુ તેને સલમાના પગના નિશાન પણ ન દેખાયા.

સલમાને ગુમાવીને અલી દુઃખી થઈ ગયો. તેને સલમા ક્યાં ચાલી ગઈ તે વિષે ચિંતા થઈ રહી હતી. તેને સલમા સાથે ગાળેલો સમય યાદ આવી ગયો. તેણે વિચાર્યુ હું સલમાને હું કેવી રીતે શોધી શકીશ ? સલમાએ તેના પિતાનું નામ હુસૈન હોવાનું કહ્યું હતું. પરંતુ હુસૈન તો ન જાણે કેટલાય લોકોનું નામ હશે અને ન જાણે કેટલાય હુસૈનોએ તેમની દિકરીનું નામ સલમા પાડ્યું હશે. તેણે એ પણ ન કહ્યું કે તે ક્યાં રહે છે. સલમા અને અલીની મુલાકાત રેતીના બે કણો જેવી હતી, જે કણો વાવાઝોડામાં મળ્યા અને તેમાં જ ખોવાઈ ગયા. હવે તેઓ ફરી મળે એવી શક્યતા નહીંવત હતી.

અલી સલમાને શોધવા ગાંડાઓની માફક ભટકવા લાગ્યો. તે જ્યાં પણ જતો ત્યાં સલમા વિષે જ પૂછતો. સલમાના વિરહમાં તેની માનસિક સ્થિતિ વિચલિત થઈ ગઈ. લાંબા વાળ, લાંબી દાઢી અને ફાટેલા કપડા તેની ઓળખાણ બની ગયા. તે ગામેગામ સલમાની શોધમાં ભટકતો અને બધાને એક જ પ્રશ્ન પૂછતો, ‘શું અહીં હુસૈન રહે છે, જેમની દિકરીનું નામ સલમા છે?’ લોકો તેના પર હંસતા અને કહેતા કે, ‘આ માણસ ગાંડો થઈ ગયો છે, ન જાણે તે કયા હુસૈન અને સલમા વિષે પૂછી રહ્યો છે ?’

અલીનું બાકીનું જીવન સલમાની શોધમાં જ પસાર થયું. એક દિવસ મુશળાધાર વરસાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું. ભુખના લીધે તેના પેટમાં દુઃખાવો થવા લાગ્યો. તે બેભાન થઈ ગયો. પરંતુ અચાનક તેને લાગ્યું કે કોઈ યુવતિ તેની પાસે આવીને તેના પેટમાંથી પાણી કાઢી ગઈ અને તેના ઘોડાને પણ વરસાદમાંથી બચાવી લીધો.

અલીએ આંખો ખોલી ત્યારે તેના આશ્વર્યનો પાર ન રહ્યો. તેને બચાવનાર યુવતિ ખરેખર તેની પ્રેમિકા સલમા જ હતી. તે અલીના ચહેરાને નીહાળી રહી હતી. હંસતા હંસતા તેણે કહ્યું, ‘રેતીના બે કણ જ્યારે એકબીજાને મેળવી લે છે ત્યારે તેઓ હંમેશા એકબીજાના થઈ જાય છે.’

મે 27, 2007 Posted by | ટુંકીવાર્તા | 3 ટિપ્પણીઓ

તે કોણ છે ?

flyaway1.jpg 

 સ્તબ્ધ  આંખોથી  મને    જોયા કરે  તે  કોણ છે?
ને  પછી દ્રષ્ટિ   થકી પળમાં   સરે    તે કોણ છે?

સાવ   સુક્કું   વૃક્ષ   છે  ને  સાવ સુક્કી  ડાળ છે,
પર્ણ  જેવું  કંઈ  નથી   તોપણ  ખરે  તે  કોણ છે?

મેં   અચાનક   આંખ  ખોલી  ને ગગન જોઈઃ કહ્યું,
શવૅરીના    કેશમાં  મોતી    ભરે   તે    કોણ છે?

આમ    તો   ઝરણાં  હંમેશ       પર્વતોમાંથી સરે,
તે   છતાં આ રણ  મહીં   ઝરમર ઝરે  તે  કોણ છે?

જળ      મહીં  તરતાં   રહે    એ     મત્સ્ય, પણ
મત્સ્યની  આંખો   મહીં    જે તરવરે    તે  કોણ છે?

સહુ    મને    દફનાવવાને  આમ  તો આતુર, પણ
આ ક્ષણે  મુજ   શ્વાસમાં  આવી ઠરે      તે  કોણ છે?

-રમેશ પટેલ ‘ક્ષ”(૧૨-૦૯-૧૯૫૩), કાવ્યસંગહ- ક્ષમા( ૧૯૭૮)
અંગિત(૧૯૯૦)

મે 25, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

પ્રથમ પ્રણયાનુભૂતિની ગઝલ

15053qi93blasto1.gif 

 એમ    શાને   થાય   છે   તારા  વગર  રહેવાય   નૈ,
ને   વળી   આ    લાગણીને   પ્રેમ   પણ  કહેવાય નૈ.

ખૂબ     ઊંડેથી     તને    હું   સાદ  દઉં  છું ને  છતાં,
તું   મળે   પ્રત્યક્ષ   ત્યારે   ‘કેમ છે?’  પુછાય    નૈ.

રાહ   તારી   જોઉં   કે   નીરખું    કે  હું   ઝંખું    તને ,
ત્રણ   ઘટાનાઓથી  આગળ  આ  કથા કંઈ    જાય  નૈ.

હુંય    એ    જાણું   જ છું    કે   તું     બધું જાણે જ છે,
તુંય   એ   જાણે   જ   છે   કે    કંઈ  બધું   કહેવાય નૈ.

એટલી   નાજુક   છે    તારી    નિકટતા,   કે   તને-
એ તૂટી   જાવાના   ડરથી  સ્પર્શ  પણ    કંઈ  થાય નૈ.

એક    દી   તું     આ    નજરથી દૂર  થઈ  જાશે  અને
હું   કહી   પણ   ના શકીશ   કે   કંઈ  મને    દેખાય નૈ.

મ્ હેકતો   ગજરો   હશે    તારી   લટોમાં   ને      અહીં-
એ   સ્થિતિ   મારી    હશે    કે     શ્વાસ પણ  લેવાય નૈ.

આ   બધું    કેવી   રીતે   છે    આ    બધું  શા  કારણે ?
આ   બધું   કહેવાય નૈ ,  સહેવાય   નૈ, સમજાય  નૈ.

-રિષભ મહેતા(૧૬-૧૨-૧૯૪૯) જન્મસ્થળ વેડાછા, નવસારી
કાવ્યસંગ્રહ- ‘આશકા’, સંભવામિ ગઝલે ગઝલે’ ‘તિરાડ.
કોલેજમાં આચાર્ય…

 

મે 24, 2007 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

એક ગઝલ-સતીશ “નકાબ’

 19.jpg

 ખિસ્સાના   ઊભા   કાપમાં  ચિરાઈ   જાઉં છું;
રૂમાલ    જેમ    સાંજના   ચોળાઈ   જાઉં છું.

કડકડતી    ટાઢમાં  છે     તમાકુંનાં    ખેતરો,
હું   સે’જ   હૂંફ  લઉં તો     ધુમાડાઈ  જાઉં છું.

સ્ટ્રાઈકરમાં    હોઉં  છું તો  હું   એકાગ્ર હોઉં  છું,
પણ    કૂકરીઓમાં   સાવ   વિખરાઈ  જાઉં છું.

હું   સ્ટેજ પર નથી   છતાં નક્કી  છે મારો રોલ,
પડદો    પડે   છે    ત્યારે    ઉંચકાઈ  જાઉં છું.

આંખોની    આસપાસ   ઊડે     છે   પંતગિયાં,
પાંપણ   જો  પટપટાવું  તો   રંગાઈ   જાઉં છું.

વાતાવરણામાં   રહું  છું તો   વાતાવરણની જેમ,
એક્ઝોસ્ટ-ફેનમાંથી     હું      ફેંકાઈ     જાઉં છું.

સ્મરણો    ફર્યા કરે   છે   ઉઘાડા   પગે   નકાબ,
જોડાની   લેસથી   જ      હું   બંધાઈ   જાઉં છું.

-સતીશ ‘નકાબ'(૧૭-૦૯-૧૯૪૮) મુંબઈમાં રહે એ. ગઝલસંગ્રહ ‘ગુંજન'(૧૯૬૯)
 ‘સાંનિધ્ય'(૧૯૮૮)

મે 23, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

તરસ – શિવજી રૂખડા ‘દર્દ”

 ph521.jpg                                    

    ખોબાનાં નીર થયાં ખાલી
સૈયર,   હું  તો  પાણી  ભરવાને  પછી   હાલી.

પાણીના    સેરડે     પાણી   દેખાઈ નંઈ   કાળજે    તરસુંના     કાપા,
પાણીના   પગરવની     પાછળ   છે  તરસના    સિન્દુરિયા     થાપા,
                                                                  કોઈ ગાગર લઈ ઠાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને  પછી  હાલી.

કાળઝાળ  ગરમીના    ઝાળઝાળ   વાયરાઓ   ચારે   દિશાઓથી  વાય,
ભીંનાશે લીધો  છે     ભેજવટો  ને      ઓલ્યા  વીરડામાં  રેતી    છલકાય,
                                                               ઝાંઝવાની આંગળી મેં ઝાલી.

સૈયર,   હું તો પાણી ભરવાને પછી હાલી.

સવારે   સૂરજની   સાખે હું   નીકળું   આથમે    છે    આંખોયે   વાટમાં,
આ તરસનું નામ કોણે પાડ્યું મારી બઈ ! પાછું લમણે લખ્યું છે લલાટામાં

                                                                                નજરું ચડી ગઈ ખાલી.

સૈયર , હું તો પાણી ભરવાને પછી હાલી.

-શિવજી રૂખડા’ દર્દ’ (૨૦-૦૫-૧૮૪૪) બગસરામાં રહે છે.
  કાવ્યસંગ્રહ ‘ફૂલનો પર્યાય ‘

મે 22, 2007 Posted by | ગીત, મને ગમતી કવિતા | 4 ટિપ્પણીઓ

એક ગઝલ-ઈકબાલ મોતીવાલા

ldrh0101.gif 

 મૌલવીના ગામ  વચ્ચે  મય પીવાનું મન  થયું,
આ  તમારા  પૂણ્યને   પડકારવાનું  મન   થયું.

સાવ   ચિંથરેહાલ   આખી  જિંદગી ભટક્યા કર્યું,
આખરી    ક્ષણને  હવે શણગારવાનું   મન થયું.

ચાંદ-સૂરજનું    ગ્રહણ   થાતું   રહે   છે  એટલે,
તારલાની   જેમ  અમને   જીવવાનું   મન થયું.

જોખમી   દાવો   લગાવ્યા    કાળના   જુગારમાં,
ને   હવે  જીતેલ  બાજી    હારવાનું   મન   થયું.

આયનામાં ખુદને   મળવાની  ઘણી   ઈચ્છા હતી,
લ્યો   મળ્યા   તો કેમ  આંસુ સારવાનું મન  થયું.

મે 21, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

પુત્રીઓનો પ્રશ્ન ?

 35900742781.jpg
– ડો. પ્રભુ
લેખક પરીચય – હિંદીના પ્રમુખ લેખક. નઈ દુનિયામાં નિયમિત રૂપે તેમની વાર્તાઓ વગેરે પ્રકાશિત થતી રહે છે, સાથે જ વિવિધ પત્ર-પત્રિકાઓમાં પણ રચનાઓ પ્રકાશિત થાય છે.*************************************

બે દિકરીઓના લગ્ન કરીને પિતા દેવામાં ડૂબી ગયાં હતાં. હવે ત્રીજી દિકરીના લગ્નની મુશ્કેલી તેમને દિવસ-રાત સતાવી રહી હતી. યોગ્ય મુરતિયાની તપાસ કરવા પાછળ જે થોડા ઘણા વાસણો અને ધરેણાઓ વધ્યાં હતાં તે પણ વેચી દેવા પડ્યાં. પિતા પોતાના દુ:ખને વ્યક્ત કરી શકતા ન હતાં. પરંતુ ચૂપચાપ બેઠેલી દિકરીએ વૃદ્ધ બાપની મનોવેદના મનોમન જાણી લીધી.

છેલ્લે એક દિવસ અજાણ બનીને તેણે બુંદેલીની આ કહેવત –
બિન બ્યાહી બેટીયા મરે, ઠાઁડી ઈખ બિકાય. બિન મારે બૈરી મરે, જે સુખ કહે ન જાએ. (અર્થાત દિકરીના લગ્ન થાય તે પહેલા જ તેનું મૃત્યું થઈ જાય, ખેતરમાં ઉભી શેરડી વેચાઈ જાય અને શત્રુ માર્યા વિના જ મરી જાય, આ ત્રણથી જે સુખ પ્રાપ્ત થાય તે સુખ અવર્ણનીય હોય છે.) પિતાને વાચવાં આપી અને પોતાની અંતરવ્યથાને દબાવતા પ્રશ્ન કર્યો કે -‘પપ્પા, જો હું વિવાહ કર્યા વિના જ મરી જાઉ તો શું તમને આવા સુખનો અનુભવ થશે ?’

દિકરીનો આ પ્રશ્ન તિક્ષ્ણ તીરની માફક પિતાના હ્રદયમાં ઉતરી ગયો, અને દિકરી વિચારતી રહી કે આવી કહેવતો શા માટે રચાતી હશે.

(

મે 20, 2007 Posted by | ટુંકીવાર્તા | 2 ટિપ્પણીઓ

છે માર્ગમાં નદી તો..

showletter1.gif 

 આ    ધારદારતાનું   સતત   ભાન   રાખીએ,
તલવાર   રાખીએ  ભલે  પણ  મ્યાન રાખીએ .

બે-ચાર   સ્વપ્ન  જેટલો    સામાન  રાખીએ,
ઊંઘી   જવાનું  ક્યાંક   પણ  આસન રાખીએ.

આ    શુષ્કતાનું  લીલવું   સંધાન    રાખીએ,
પુસ્તકનાં   પૃષ્ઠ   વચ્ચે   કોઈ પાન  રાખીએ.

લો,કાય   નહીં  તો  પાય ઝબોળીને  ચાલીએ,
છે   માર્ગમાં   નદી  તો  જરી   માન  રાખીએ.

પીળા    પરણની  જેમ    ટહુકા    ખરી   જશે,
તોરણ   મહીં જો  આંખ   અને    કાન  રાખીએ.

-કરશનદાસ  લુહાર( ૧૨૦૦૮-૧૯૪૨) કાવ્ય-સંગ્રહ ‘જળકફન’

મે 19, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

સુંદર સ્મરણોની યાદી સાથે..આદિલ સાહેબ, જન્મ-દિન મુબારક !

project4.png

હ્યુસ્ટનને આંગણે !! સપ્ટેમ્બર-૨૦૦૨-અમેરિકામાં કદાચ પ્રથમવાર વેબ પર મુકાયેલ સાત સાત કાવ્ય-સંગ્રહોના હ્યુસ્ટન નિવાસી કવિઓ- ઊભેલા ડાબેથી શ્રી વિજય શાહ, હિંમત શાહ, વિશ્વદિપ બારડ, ગિરિશ દેસાઈ, રસિક મેઘાણિ, મનોજ હ્યુસ્ટનવી , ચિમન પટેલ અને બેઠેલા
 આદિલ મન્સૂરી અને અદંમ ટંકારવી

***************************************************************

આપના શુભ જન્મદિને  અમારી ભાવ-ભીંની શુભેચ્છા-

આયુના સુંદર સ્વસ્તિકો , રચાય  આજ આંગણે,
ઉત્સવાના   તોરણો  , લ્હેરાય    આજ  આંગણે,
ગઝલ સમ્રાટ   આદિલ,સજી છે સૃષ્ટી   ગઝલની,
આશિષ આપતા રહેજો,ભાવિ   કવિઓના આંગણે.

***************************************

હ્યુસ્ટનનું આંગણ આપની ભવ્ય-યાદોથી ભરેલું છે..

આપ હ્યુસ્ટનનાં આંગણે  ઘણી વખત પધારી, હ્યુસ્ટનની સાહિત્ય-પ્રેમી પ્રજાને ગઝલમાં તરબોળ્ કરી, આનંદ-વિભોર કરી દીધા છે. આવા અનેક પ્રસંગો આપની હાજરીથી ભવ્ય બન્યાં છે,આ માના એક બે પ્રસંગ  અહીં ઉલ્લેખ કરતાં મને ઘણોજ આનંદ થાય છે.

સપ્ટેમ્બર, ૨૫,૨૬ -૨૦૦૨ -“હ્યુસ્ટનના સાહિત્ય રસિકોએ યોજેલ સાહિય સર્જન શિબિર પર્વ” આ ભવ્ય ઉત્સવમાં ૪૦૦થી ઉપરાંત શ્રોતાઓ એ હાજરી આપેલ અને આ કાર્યક્રમ સતત પાંચથી છ કલાક ચાલેલ.
બે દિવસ દરમ્યાન મૉક-કોર્ટ, કવિ-સંમેલન,પુસ્તક વિમોચન,સર્જન-શિબિર, પાદ્પૂર્તિ અને અનૌપચારિક કાવ્ય-પઠન કાર્યક્રમોનો સ્તર ખૂબ ઊંચો રહ્યો અને ઉપસ્થિત હતા તે સૌ રસતરબોળ થયા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન શ્રી આદિલ મન્સૂરીને હસ્તે હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સાત કવિઓના કાવ્યસંગ્રહોનું વિમોચન થયેલ. અદિલ મન્સૂરીએ એમના શેરોનાં ઉદાહર આપી ને પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરી  હતી હ્યુસ્ટનના કવિમિત્રો માટે આ દિશાસૂચન બની રહ્યું હતું.
                મારા કાવ્યસંગ્રહ “કાવ્ય  સુંદરીની સાથે સાથે”માં એમણે કરેલી નોંધ  ” વિશ્વદીપ બારડ એક યાત્રામાં જોડાયા છે. કવિતાની યાત્રામાં પંથ ઘણો લાંબો છે. વિકટ છે, કપરો છે, કંટકોભર્યોં પણ છે અને કવિએ આ પંથ પર શું કરવાનું છે તે વિશ્વદીપ પાસેથી જ જાણીએ.
         છે જીવન પંથે હજાર કંટકો
              કંટકોમાં ફૂલ ભરતો જાઉં છું
શ્રી વિશ્વદીપ બારડનું આ વિરલ એવા કાવ્ય પંથે ઉષ્માભર્યું સ્વાગત છે. -આદિલ મન્સૂરી(૨૧મી સપ્ટેમબર,૨૦૦૨). ગઝલ સમ્રાટ , ગુજરાતી સાહિત્યના આધુનિક પ્રણેતા શ્રી આદિલ મન્સૂરીનો આભાર વ્યક્ત કરવા મારા શબ્દભંડોળમા શ્બ્દો ઓછા પડે છે.

બીજો યાદગાર પ્રસંગ- એપ્રિલ-૨૦૦૩ ..ડલાસનું  સાહિત્ય મંડળનું ભાવભીંનુ આમત્રણ હતું. અમો હ્યુસ્ટનના તેર સાહિત્ય પ્રેમી , શ્રી આદિલ સાહેબ તેમજ અદમ ટંકારવી સાથે ડલાસને માંડવે રસભીની સૌરભને વેરી હ્યુસ્ટન  પાછા ફરતા હતા.  વેનમાં ચૌદ સાહિત્યકારો એક પછી-એક સ્વરચિત રચના( શિઘ્ર રચના) રજૂ કરવાની:

 વિશ્વદીપ મલકાયા
‘વિચારોનાં વમળ ઘેરી વળ્યા છે  વેનમાં,
વર્ષા ત્યાં વરસી ગઈ મન મૂકી ડલાસમાં…

 અદમભાઈનો જવાબઃ 
વર્ષા પાણી માંગે ને
વિશ્વદીપ બુઝાઈ ગયા.

આદિલ સાહેબ રણકી  ઉઠ્યા..

“વાદળાઓમાં સંતાયેલો સૂરજ
એના રથને રેઢો મૂકી
ક્ષિતિજ પારનાં મેદાનોમાં
લીલેરી ભીંનાશ ચરવા ઊતરી પડેલા  અશ્વોને શોધે છે..”

દરેક પોતાની સ્વરચિત રચનાઓ ઊમંગથી  રજૂ કરી રહ્યા હતાં..પાંચ કલાક નો રસ્તોઅ હતો..સમયનો સાથ, સાથે સાહિત્યનો સથવારો સોનામાં સુગંધ !
થોડ આદિલ સાહેબ ના શે’ર .. જે અમોને વેન માં સાંભળવા મળેલ તે અહી રજૂ કરું છું..

પૈડા ફર્યા કરે એ…
અવકાશમાં ઈચ્છાઓના ઉપગ્રહો તર્યા કરે છે.
એકલા એકલા આયના એક બીજાથી ડર્યા કરેછે.”

“રહેવા દો , ભાઈ રહેવા દો !
થ્રીજેલ સ્મ્રુતિઓની સઘળી નદીઓને વહેવા દો..

આપ સૌને ખ્યાલ હશેજ કે તેમના પત્ની બિસ્મિલ બેન  પણ કવિતા-ગઝલ  સુંદર લખે છે.. તે પણ આજ વેનમાં અમારી સંગાથે હતા.. એ પણ મલ્ક્યા”
કાયનાત કે હર ઝરેમેં
કાલી ઘટા કે હર બાદલમેં
સૂરજ કી હર સરસર મેં
યહ કિસકા અક્સ ચમક ઊઠા
તેરા હી જલવા સર અસર હૈ”

આદિલઃ” મૌનના તળિયામાં શ્ર્ધ્ધા રાખો
           ઉર્મિના આવેગતણામાં મર્યાદાની લાલબત્તી..

“મ્રુગજળ તમને ડુબાડી પણ દે
 બે હાથોમાં  હલેસા રાખો “

આવી  સરસ, સુંદર  મનપ્રિય  શીઘ્ર  રચનાનો લાભ જે અમોને ડલાસ થી આવતા મળ્યો છે  એ લાભ ફરી મળશે કે કેમ ? એટલા નજીક રહી , આદિલ સાહેબ પાસે થી હું  એટ્લું જરૂર શિખ્યો છું કે ગમે તેટલા મહાન બની એ પણ નમ્રતા, વિવેક, કોઈ જાતની મોટાઈ નહી.. સહજ મિત્ર તરીકે સાથે રહી..આનંદની પળો માણીયે..  આદિલ સાહેબ ધન્ય છે  આપનું જીવન! બસ અમો સૌ ને આપની સદા પ્રરણા મળતી રહે એજ શુભેચ્છા સાથે  ઈશ્વરને પ્રાર્થના” આપનું જીવન સદાબહાર રહે.

વિશ્વદીપ બારડ ( મે-૧૮-૨૦૦૭)
 

મે 18, 2007 Posted by | નિબંધ | 1 ટીકા

એક ગઝલ-ધૂની માંડલિયા

 image0281.jpg

  નિર્દોષ પ્રેમ !! ના કોઈ નાત-જાતનો ભેદ..સત્યમ્ ! શિવમ્ ! સુંદરમ્  !

******************************************************************

છે   શબ્દ તો  એ   શબ્દનેય   હાથ-પગ  હશે;
એનેય   રકત,રંગ , અસ્થિ, માથું, ધડ હશે.

નહીં   તો બધાંય સંપથી ના   મૌનમય  બનત,
પ્રત્યેક   શબ્દની    વચાળ   મોટી   તડ   હશે.

આંખોના    અર્થમાં     સજીવ    પ્રાણવાયું  છે,
હોઠો   ઉપરના   શબ્દ તો    આજન્મ  જડ    હશે.

જીવ્યો   છું   શબ્દમાં , મર્યો  છું માત્ર  મૌનમાં,
મારી    કબર   ઉપર   ફરકતું      લીલું  ખડ  હશે.

જીવ્યો    છું  શબ્દમાં    સમયને     સાંકડો  કરી,
વાવ્યો   છે શબ્દ   ત્યાં    કદી   ઘેઘુર  વડ  હશે.

-‘ધૂનીમાંડલિયા(૧૨-૧૧-૧૯૪૨) મૂળ નામ અરવિંદ શાહ. પત્રકાર.
કાવ્ય-સંગ્રહ ‘માછલી સાથે દરિયો નિકળ્યો’. અમદાવાદમાં રહે છે.
 

મે 17, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

એ ગઝલ-મેઘજી ડોડેચા”મેઘબિંદુ’

 grace1.gif

 ભુલી  જવી જે  જોઈ  એ  વાત  યાદ   આવે છે,
બસ   એટલે  તો   આપણી   વચ્ચે   વિવાદ છે.

ધાર્યું   થયું  ના  એટલે     વિવશ   બની  ગયો,
દ્રષ્ટિ  કરું   છું   જ્યાં   હવે   ઘેરો     વિષાદ છે.

શ્રધ્ધા    રહીના  એટલે     શંકા    વધી    ગઈ,
મંજિલ મળે    કયાંથી  હવે    પ્રયત્ને  પ્રમાદ છે.

એથી     તમારા   દ્વાર    પર  આવ્યો  નહીં કદી,
સમજી    ગયો’તો    આપની    મેલી   મુરાદ છે.

છું    એકલો   ને   આસપાસે     રણની  રિકતતા,
અથડાય   છે   જે કાન   પર  એ   કોને   સાદ છે.

*************************

( ‘ઓથ   પશ્ર્યાતાપની   છે    એટલે
   માનવી અહીં  પાપ   કરતો હોય છે.’)

-મેઘજી ડોડેચા (૧૦-૧૨-૧૯૪૧) જન્મસ્થળ કરાંચી. મુલુન્ડમાં રહે છે.
‘સંબંધતો આકાશ’ એમનો ગીત ગઝલ સગ્રહ

મે 16, 2007 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

દિકરીઓ

 imagescalru6zc.jpg
– લલિતા ખાનવલકર
લેખક પરીચય – હિંદીના પ્રમુખ લેખિકા. નઈ દુનિયામાં નિયમિત રૂપે તેમની વાર્તાઓ વગેરે પ્રકાશિત થતી રહે છે, સાથે જ વિવિધ પત્ર-પત્રિકાઓમાં પણ રચનાઓ પ્રકાશિત થાય છે.

*******************

વિમાતાના સતત દુર્વ્યવહારથી કંટીળી હોવા છતાં સૌમ્યાનો વ્યવહાર તેમના પ્રત્યે અલગ જ પ્રકારની મીઠાશથી ભરેલો રહેતો હતો. જાણે દરિયાના ખારા પાણીની બાષ્પને ગ્રહણ કરીને પણ વાદળ મીઠા પાણીનો વરસાદ ન કરતો હોય.

બહુ નાની ઉંમરમાં જ તેની પોતાની માઁનો પ્રેમ ગુમાવી દીધો હતો, પરંતુ પોતાના નામને સાર્થક કરવાનો આત્મબોધ નાનપણમાં જ કેવી રીતે મેળવી લીધો હતો એ તો ભગવાન જ જાણે ! વિમાતાની પુત્રી ગ્રામ્યા પર પણ તે અખંડ સ્નેહ ધરાવતી હતી, અને તેના વાકબાણ, તિરસ્કાર, અપમાન સહર્ષ સહન કરી લેતી હતી. વિમાતાનાં રંગમાં રંગાયેલા પિતાના કડવા વચનોને પણ આંખ આડા કાન કરી સહન કરે જતી હતી.

સમય વિતતો ગયો. ધીમે-ધીમે બન્ને દિકરીઓ બાળપણમાંથી યુવાન થઈ લગ્ન સંસારમાં પગલા માડી લીધા છે. સૌમ્યાની સાસરું પડોશમાં જ હતું એટલે તેને વિદા કરી તેમ કહી પણ ન શકાય. ઘર કી મુર્ગી…. ગ્રામ્યાના ઘર-વર દૂર હતા, વાગતે-ગાજતે, ભોજન સમારંભ યોજવામાં આવ્યા અને અઢળક દાન-દહેજ આપી તેને વિદાય કરવામાં આવી.

હવે માઁ-બાપના આયુષ્ય ખૂટી રહેવા આવ્યાં હતાં ગમે ત્યારે કંઈને કઈ શારિરીક મુશ્કેલીઓ રહ્યા કરે છે. સાવકી દિકરી પાડોશમાં જ હતી, સહજ રીતે જ તેમની સેવાની જવાબદારી તેણે ઉપાડી લીધી. પ્રેમ અને કોઈ પણ સ્વાર્થની આશા રાખ્યા વિના તેમની સેવા કરતી હતી. દૂર રહેતી દિકરી ક્યારેક ખબર અંતર પૂછવા માટે આવતી હતી. થોડી વાતચીતથી જ માઁ-બાપ તેમને ધન્ય સમજી લેતા હતા. નાની દિકરી દૂરથી ચાર દિવસો માટે રહેવા માટે આવી છે તો તેને આરામ મળે તેવી અપેક્ષા સૌમ્યા પાસે પણ રખાતી હતી.

અચાનક એક દિવસ માઁનું અવસાન થઈ ગયું. મોટી દિકરી એક પળવાર પણ માઁ પાસેથી પ્રેમ પામી નહોતી છતાં ખૂબ દુ:ખી થઈ ગઈ. આસુંઓના સાગર છલકાવા લાગ્યાં હતા. નાની દિકરીને આ સમાચાર મોકલાવામાં આવ્યાં હતા., તેના આવવાની રાહમાં પાર્થીવ દેહને ઘરમાં રાખવામાં આવ્યો હતો. જેવી નાની દિકરી આવી કે તરત જ દુ:ખથી વિહવળ બનેલી સૌમ્યા તેને ભેટી પડી અને રડતા રડતા કહેવા લાગી, ‘ગ્રામ્યા, આપણી માઁ આપણને મૂકી ચાલી ગઈ… હવે આપણે કોને માઁ કહીને બોલાવીશું ?

સૌમ્યાના દુ:ખને નકારી કાઢતી ગ્રામ્યાએ તોછડાઈથી કહ્યું, ‘તારી માઁ તો ક્યારનીય મૃત્યું પામી છે. આજે તો મારી માઁનું મૃત્યું થયું છે.

મે 15, 2007 Posted by | ટુંકીવાર્તા | 4 ટિપ્પણીઓ

એક કાવ્ય- કિશોર મોદી

 fairyfortune6221.jpg

 એઈ વીહલા હાંભળ મારી વાત.
ગામનો મંગલો ભૂવો જ્યારે ડાકલી વગાડીને ધૂણતો ઓઈ ત્યારે
તેના ચાળા ની પાડતો..
ભેંહનાં હિંગડા ભેંહને ભારી એ મારે તને કંઈ કે’વાનું નીં ઓઈ.

દિવાહાના દા’ડે  ઢીંગલા-ઢીગલીનાં લગન વખતે
પેલો કીકુ બામણ ઉંધા મંગળફેરા ફરવાનું કે’ઈ ત્યારે
જાન માંડવે આવે ને કન્યા અઘવાનું થાય એવું
બા’નું નીં બતાવતો એ મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

ગોકુલઅષ્ટમીની   રાતે કૃષ્ણનો જનમસમય વીતી જાય ત્યારે
‘સંભવામિ યુગે યુગે’નો શ્લોક ટાંકીને સિઝિરિયન કરવાની
વણમાગી સલાહ નીં આપતો.
લોકોને ઉજાગરા થાય તેમાં આપણા બાપનું હું  જાય.
એતો કામળ ભીની થહે તેમ ભારી લાગહે એ મારે
તને કંઈ કે’વાનું નીં ઓઈ.

નવરાતના દા’ડામા લઠ્ઠો પીવાથી કોઈને માતા આવે
કે કોઈને હાપ કરડે ને ભાથીદાદાની હાજરીથી ઊતરે
ત્યારે રખે કંઈ બોલતો.
ઉંકરડામાં હાંઢ મૂતરે તો કેટલી અસર થાય એ
મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

ગામમાં કોઈનાં છૈયા-છોકરાને રતવા થાય
ને રામલીલા રમાડવાની બાધા રખાય ત્યારે નકામો વિરોધ ની કરી બેહતો.
‘કુંવરબાઈનું મામેરું’નો ખેલ ભજવાય ને નરસી મે’તો
આથમાં પખાલ લઈ, રાગ મલ્લાર ગાવાની તિયારીમાં
ઓઈ, ને કોઈ બુધિયો  ઝાડ પરથી પાણીના દોરિયા સાથે
નીચે પડી જાય ત્યારે વી.આઈ.પીની ચૅરમાં બેઠો બેઠો  અહતો  નઈં.

નઈંતર પેલા ગુલબા ફક્કડને ખોટું લાગહે.
રામલીલા તો આવી જ ઓઈ. છાણાના દેવને ચનોઠીની જ
આંખ  ઓઈ…વાલનીએ નંઈ એ મારે તને કંઈ કે’વાનું  નીં ઓઈ.

વળી ગામમાં તો આવુંજ ચાઈલા કરે.
હરપંચ બોલે ને હવ્વા વીહ ને બે પાણ
રામજી મંદિરના ઓટલે મૂકેલી ધરમાદા પેટીના પૈયામાંથી
હરપંચનો છનિયો ડાંડ ધોળી બીડીના ધૂમાડા કાડે
ને હરપંચને મન મારો પોઈરો યુધિષ્ઠર ને બીજાના   દુર્યોધન.
ત્યારે તને કદાચે એમ થાય કે વરની મા છિન્નાર તો જાન્નડીને હું કે’વું?
પણ આપણે તો ગામમાં  રે’વાનું છે,
 એટલે બૂઈડા તો બે વાંહ વધારે, હમજ્યો..એ મારે તને
કંઈ કે’વાનું  નીં ઓઈ.

-કિશોર મોદી(૨૩-૧૦-૧૯૪૦) કાવ્ય-સંગ્રહ – ‘જલજ’ ‘મધુમાલિકા’
 

મે 14, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા | 4 ટિપ્પણીઓ

એક જ દે ચિનગારી

copy-of-project3.png

(૦૧-૦૫-૧૮૯૫ – ૧૦-૦૩-૧૯૭૮)

  રાગ-ભૈરવી

એક  જ દે   ચિનગારી, મહાનલ !
         એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું   ઘસતાં   ઘસતાં
               ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો,
         ન ફળી મહેનત મારી,
મહાનલ,એક જ દે ચિનગારી.

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
        સળગી આભ- અટારી;
ના સળગી એક શગડી મારી-
         વાત વિપતની ભારી,
મહાનલ! એક જ દે ચિનગારી.

ઠંડીમાં  મુજ  કાયા  થથરે,
          ખૂટી   ધીરજ  મારી;
વિશ્વાનલ! હું અધિક ન માગું-
          માગું એક ચિનગારી,
મહાનલ! એકજ દે ચિનગારી.

*********************
‘એક જ દે ચિનગારી’ ગીત અમારી પેઢીએ પ્રાર્થનારૂપે ગાયું છે. કવિએ સુખસંપત્તિનો લોભ નથી દાખવ્યો.કશી મોટી આકાંક્ષા વ્યકત નથી કરી, માત્ર એક પ્રકાશકણ માગ્યો છે. જ્ઞાનની આ અભીપ્સા ગીતાના અનાસક્ત કર્મ સાથે સંવાદિતા ધરાવે છે. લોકભાષાની લઢણનો  ઉપયોગ કરી લખાયેલ ગેય રચના ‘ગામઠી-ગીતા’ હળવી શૈલીએ લખાયેલી રચના લાગશે પણ એની લોકપ્રિયતાના મૂળમાં વિનોદ નથી, ગીતાનો મર્મ અને બોલચાલની ગુજરાતી ભાષા કવિને આત્મસાત થવાનું  પ્રમાણા છે.’ -રઘુવીર ચૌધરી

હું પોતે સ્કુલમાં હતો ત્યારે મારી બે પ્રિય પ્રાર્થના ‘ મંગળ મંદિર ખોલો” અને’ એક જ દે ચિનગારી’..આજે નિવૃત થયો તો પણ આ મારી બે પ્રિય પ્રાર્થના રહી છે. હું ત્યાં સુધી કહું કે કવિશ્રી હરિહર ભટ્ટે   આ એક જ કાવ્ય લખ્યું હોત તો પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે-  તેમજ લોક-જીભે , સદાને માટે   અમર બની રહેત.સરળ સાદી  ભાષામાં બાળકથી માંડી પૌઢ ઉંમરની
વ્યક્તિના ટેરવે  રહેતી પ્રાર્થના  એટલે.. ‘એક જ દે ચિનગારી’. -વિશ્વદીપ

મે 12, 2007 Posted by | મને ગમતી કવિતા | 10 ટિપ્પણીઓ

અમદાવાદ -મણિલાલ દેસાઈ

796px-teen-darwaza1.jpg

કરુણા તો અમદાવાદના ઊંટની આંખોમાં છે. માણસોને તો આંખોજ નથી.ડામરની સડકો પર ચાલતાં ચાલતાં એમની બુધ્ધિ પર હવે મોતિયો બાઝી ગયો છે. તે હું પણ અમદાવાદ માં રહું છું. મારી આસપાસ પણ એક ઝાંખું પડ બાઝવા માંડ્યું છે. નિરોઝ-ક્વોલિટીનું  ઍરકંડિશન ભઠિયાર ગલીનો શ્વાસ લેવાનો પ્રયત્નો કરે છે. અને ભઠિયાર ગલી તો મણિનગરની વેશ્યાઓના પડછાયા પાડે છે. સાબરમતીની  રેતી  અહીંના રસ્તે રસ્તે પથરાઈ ચૂકી છે. અને રસ્તા રાહ જોઈને બેઠા છે ગાંડા ઘોડાપૂરની. સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઈકલ-રિક્ષા ચલાવનાર અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઈન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર નથી આવતું. કાલે -સરખેજ કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતી કાલે -આદમ મારે બારણે ટકોરો મારી પૂછશે કે, ‘ મેં આપેલી લાગણીઓનું શું ?’ ત્યારે હું , લાલ દરવાજે  એક પૈસામાં ‘બૂટપૉલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ……

-મણિલાલ દેસાઈ(૧૯-૦૭-૧૯૩૯-૦૪-૦૫-૧૯૬૬).. વલસાડ જિલ્લાના ગોરગામમાં જન્મ્યા.  અમદાવાદમાં  નાની ઉંમરે મરણ. મણિલાલ, અંધકારના રંગ, લય અને ગતિના કવિ. મણિલાલની કવિતામાં ડી.એચ.લોરેન્સશાહી પ્રિમિટિવ ફોર્સ છે. આ અદિમતા એનું લક્ષણ છે. ગીત, ગઝલ, ક્યારેક સોનેટ અને અછાંદ કાવ્યો એમણે આપ્યા છે. એમની કવિતામાં તળપદો સ્વાદ પણ છે. જયંત પારેખે એમના મરણોત્તર કાવ્ય-સંગ્રહ ‘રાનેરી’નું સંપાદન કર્યું છે.

મે 11, 2007 Posted by | ગદ્ય્-પદ્ય કવિતા | 3 ટિપ્પણીઓ

%d bloggers like this: