શંકર નહી આવે-જલન માતરી
દુઃખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહી આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે ક્યામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પિવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’નહીંતર,
લખીને રાખજે અંજામ તુંજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે.
**********************************************
(જલન માતરી- “ગઝલ માટે એવું માનવું છે કે It should be communicated before it is understood. ગઝલોનો શે’ર પૂરેપૂરો સમજાય, એનું અથૅવિશ્વ અશેષ હાથવગું થાય, એ પહેલા સાંભળ્નારના મોંમાથી ‘વાહ’ નિકળી જવી જોઈ એ. આવા ઘણા શે’ર જલનશાહેબની ગઝલોમાંથી મળી આવે છે.
જલનસાહેબની તમામ ગઝલો પરંપરાપ્રિય વિષય અને ભાષા સાથે પનારો પાડે છે. સદ્ય પ્રત્યાનક્ષમતા એ એમની ગઝલનું, આથી વિલક્ષણ તત્વ બની રહે છે. એમની ગઝલની ભાષાપરંપરા સાથે જોડાયેલી છે છતાં એમના વિચારો પરંપરાને તોડનારા છે. જડ, બુઠ્ઠા, ક્રુર, અસમાનતાવાળા આ સમાજની રચના અને એના રચયિતા બેઉ સામે એમનો આક્રોશ સ્પષ્ટ છે.”-ચિનુ મોદી))