એ સોળ વરસની છોરી -પ્રિયકાન્ત મણિયાર
પ્રિયકાન્ત – ફૂલોમાં ફોરતા કવિ નો ટૂંકો પરિચય…(Priyakant Maniar (1927-1976)
સ્વાતંત્ર્યની હવામાં આપણે ત્યાં કવિતાના ક્ષેત્રે જે કેટલી કલમો પ્રફૂલ્લિત થઈ તેમાંની એક તે પ્રિયકાન્ત મણિયારની. પ્રિયકાન્તનો આભ્યાસ તો નવ ધોરણ સુધીનો, પણ આપબળે જીવનમાંતે કવનમાં પોતાને ઘડતા ગયા ને આગળ ધપતા ગયા.નિરંજન ભગત કહે છે તેમ, પ્રિયકાન્તમાં કવિનું સ્વયંસ્ફુરિત જ્ઞાન હતું; કવિની સ્વયંપ્રેરિત પ્રતિભા હતી. એમની કવિતાની વાંસળી એમની અંદરની કોઈ જાદુઈ ફૂંકે વાગતી હતી. કોલેજનું મોઢું વિદ્યાર્થીકાળે નહી જોઈ શકેલા આ કવિએ પુખ્ત વયે ” એ સોળ વરસની છોરી “જેવી એમની કવિતાને અનેક કોલેજોમાં રજૂ કરી યથાનામ, વિશાળ શ્રોતાવર્ગનાયે પ્રિય થઈ ને રહ્યાં
ગુજરાતી ગદ્યનેય સત્વસમ્રુધ્ધ કરવાની હોંશ રાખતા આ લાડલા કવિ પચાસમા વર્ષે આકાળે આવસાન પામતાં એ હોંશ તો ન પુરાઈ પણ ગુજરાતી કવિતાને સૌન્દર્ય-સમ્રુધ્ધ કરવામાં તો એમનું પ્રદાનની નોંધ લેવી પડે. ‘વાયુના શિલ્પી’ એવા પ્રિયકાન્ત તો ગીતને વાયરામાં વાવીને અણધાર્યા-ઉતાવળે ચાલી નિકળ્યા, પણ એમના ગીતના પડછંદ ગુજરાતના કાવ્યકાશમાં સતત સંભળાતા રહેશે એમ શ્રધ્ધાપૂર્વક કહી શકાય. એમણે એકવાર લખેલું
‘ એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતા રોપી દિધી એ ફૂલ લાવી બેસશે.’
પ્રિયકાન્ત મણિયારની ઉપર્યુક્ત કડીમાં વ્યક્ત થયેલી આત્મશ્રધ્ધા સાચી જ પડી.
-
- ચાલો મિત્રો આજ એમના પ્રિયગીતની મજા માણીએ..”એ સોળ વરસની છોરી,”
***************
- ચાલો મિત્રો આજ એમના પ્રિયગીતની મજા માણીએ..”એ સોળ વરસની છોરી,”
***************************************************************
એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી,
ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખા ગાલે ખંજન રાખે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી,
મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
એ સોળ વરસની છોરી,
એનાં પગલે પગલે પ્રકટે ધરતી-ધૂળમાં કંકુની શી રેલ,
એનાં શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બિડ્યા હોઠ મહીં તો આગ ભરેલા ફાગણ ગાતો હોરી;
એ સોળ વરસની છોરી,