કચરાજીનું મરશિયું *
છેલ કચરાજી, ચિયા મલકથી આયોં ઓચંતોં નૂતરો ?
હજી કૂકડોય ઊંઘમૉથી જાજ્યો ન’તો;
વળી ડણકો પણ ડેરીનો વાજ્યો ન’તો.
તમે પાછું વળી ન્ કાંય પૂશ્યું નંઈ;
કોઈ નયણે ફૂટેલ નીર લૂશ્યું નંઈ.
ક રોયૉ ખાયડોંજી, ખડ્ચીનોં ખૂબ રોયૉ કૂતરૉ..
ભૂંડા ભારથુજી, વળી આવી તે હોય શું ઊતાવળ્યો!
નાઠા અંડોળી શેઢા નૅં વાડ્યો બધીઃ
જૉણ્યે મહેફિલ અમારી નોં તમનૅ હદી.
ધોળૉ લૂગડૉંમોં અબધૂત અલગારી;
તમે ઊડતા ઘોડલિયાના અશવારી;
ભળ ભાંખળ્અ જી,
ખરા તાકડ્અજી,આજ ધોડો પલૉંણતો ના આવડ્યો!
ઓતરાદૉ આભલૉંથી કેનોં તે વાયક એ ઊતર્યો?
જરા હંભાળયોં હોત તો મન પણ વળ્અ;
થોડો અમનૅય મન્યખાનો મારગ જડ્અ.
થોડી વ્હેલેરી ઊંઘ ઊડ્અ તોય ચ્યોંથી ?
જરી ઝબકારો જાગ્અ અગન્નમૉથી!
ચોર જ્યમ સટ્ટક્યા જી,
એવા તમે ભડક્યા જી, જૉણ્યેં પારધીના પગલ્અ કબુતરોં…
છેલ કચ્ચરાજી…!
(* તા.૬ નવેમ્બરે વહેલી પરોઢવેળા અણધાર્યા હ્રદયરોગના
હુમલાથી ભોગ બની ગયેલા બાળગોઠીયાની સ્મ્રુતિમાં)
-ડૉ.કેશુભાઈ દેસાઈ
“ઉદ્દેશ”માંથી સાભાર્
શ્વાસ ઊનો હતો..
હું હતો , એ હતી શ્વાસ ઊનો હતો;
જિંદગીનો પ્રથમ વાર ગુનો હતો.
મયકદાની મઝા બેવડી થઈ હતી,
ત્યાં સુરાહી નવી, જામ જૂનો હતો.
શાંત પાણી મળ્યાં, હાશકારો થયો,
ક્યાં ખબર, અધવચાળ એક ધૂનો હતો!
શાહના પણ સગાં ભીખ માગે અહી,
કુદરતી ન્યાયનો એ નમૂનો હતો.
જિંદગીની સવારો ઊગી એકલી,
પાછલી રાતનો માર્ગ સૂનો હતો.
-અશ્વિન ચંદારાણા