સત્તર વરસની છોકરીનું ગીત
કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું,
ને ટૂંકી પડેછે તને કસ.
તારે સત્તરમું ભારે છે બસ.
ડાહ્યલીનો જંતરિયો ભૂવો તો કે’છે કે,
છુટ્ટા તે વાળ તારા રાખ નઈ.
મંતરેલું લીંબુ હું આલુ તને
તું એમનેમ આંબલીઓ ચાખ નઈ.
જંતરિયો ભૂવાનો દોરો બાંધી ને તારે
કરવાના જાપ રોજ દસ
તારે સત્તરમું ભારે છે બસ.
ઉંમરને સોંસરવી વીંધીને કોઈ મારા,
કમખે ગાગર જેમ બેઠું.
હેમખેમ સત્તરમું પુરું કરવાને હું,
કેટલા વરસ દુઃખ બેઠું.
ગામના જુવાનિયા કહેછે કે તારી તે
વાતમાં પડે છે બહુ રસ.
તારે સત્તરમું ભારે છે બસ.
-જતીન બારોટ