બાપના આંસુ !!
બાપની ગમે તેવી કઠણ છાતી હોય પણ દિકરીનો પ્રેમ એને બરફની જેમ પિગળાવી દે છે.બાપ-દિકરીનો પ્રેમ દુનિયામાં એક અનોખો પ્રેમ છે જેને કોઈ પ્રેમની કક્ષામાં મુકી ન શકાય.આવા અદભુત પ્રેમની અહીં વાત છે.ઘટના કરુણ છે! હ્રદયને સ્પશૅ કરતી બાપની આ વાત છે!
ચૌદ વરસની દિકરીનું અચાનક અવસાન થાય છે, બાપની લાડલી,એકની એક સંતાન, પરી જેવી દિકરીની અચાનક વિદાય! એ ઘા ઘરમાં કોઈ ને કેમ સહન થાય !. જે દિકરી, પાણી માંગે તો દૂધ આપે, કદી કોઈ વાતની ખોટ નહીં પડવા દિધેલ એવી વ્હાલસોય દિકરીની આવી અચાનક વિદાયે બાપને ગાંડા જેવો બનાવી દીધો! કશું ખાવા-પીવાનું ભાવે નહીં, કામમાં મન લાગે નહીં! બસ દિકરીને યાદ કરી રડ્યાં કરે! આંખમાંથી આંસુ બંધજ ન થાય ! એજ બાપને એ દિવસ સ્વપ્ન આવ્યું ! ગરબાના દિવસો હતાં.સૌ નવા-નવા ઘાઘરા-ચોળી ને નવ-રંગી ચુંદડી પહેરી, હાથમાં દિવડો લઈ ગરબા લેતા હતાં. એની ચૌદ વરસની દિકરી પણ એની બેન-પણી સાથે ગરબામાં ઘૂમતી હતી. બાપ ખૂશ થઈ તેણીને નિહાળી રહ્યો હતો ! બાપની નજરમાં એક વસ્તું જોઈ કે પોતાની દિકરીનો દિવડો વારં વાર ઓલવાઈ જતો હતો..અને દિકરી આને લીધે થોડી મુંઝવણમાં હતી..બાપે દિકરીને પોતાની પાસે બોલાવી, કહ્યું..”દિકરી તારો દિવડો વારં-વાર કેમ ઓલવાઈ જાય છે !” દિકરી એનો જવાબ આપે છે..
” બાપુ ! તમારા આ આંસુ દિવડાને ઓલવી દે છે!! તમારા આંસુ બંધ થાય તો આ દિવડો પ્રકટે ને?
ત્યાંજ અચાનક બાપની આંખ ખુલી જાય છે! આંખના આંસુ લુછી નાંખે છે….
(સાંભળેલી ઘટના )..