તને કૈં યાદ છે?
છેલ્લે બટન તેં કયારે ટાંકેલું તને કૈં યાદ છે?
સંબંધન કાપડને સાંધેલું તને કૈં યાદ છે?
જ્યારે ક્ષિતિજ પર હાંફતો સૂરજ ઢળી શમતો હતો,
મારા ખભે માથું તેં ઢાળેલું તને કૈં યાદ છે?
જ્યારે પત્રો છાતીથી તું અળગા કરીને વાંચતી,
કાજળને ગાલો પર તેં આંજેલું તને કૈં યાદ છે?
પીંછા તણી હળવાશથી જ્યારે મેં ખખડાવ્યું હતું,
સાંકળ વિના તેં દ્વાર વાંસેલું તને કૈં યાદ છે?
વ્હેલી સવારે ટ્રેન પર જ્યાં હું જરા મોડો પડ્યો,
ના ધારવાનું તેંય ધારેલું તને કૈં યાદ છે?
એ રાતના માદક નશાથી આજ પણ ચકચુર છું,
તેં ચાંદનીમાં મુખ ઝંબોળેલું તને કૈં યાદ છે?
આ એકધારી જિંદગીમાં રોજ સૂરજ આપશે,
એવું વચન પણ તેજ આપેલું તને કૈં યાદ છે?
-દત્તાત્રય ભટ્ટ્