પ્રાથૅના/બંદગી
બાબર નામે એક બાદશાહ હતો.તે દિલ્હીમાં રાજ્ય કરતો હતો.તેને ચાર દિકરા હતા. તેમાં મોટો
હુમાયુ હતો. બાબરને બધા દિકરા વહાલા હતા. પણ હુમાયુ ઉપર તેનું હેત વધારે હતું.
એક વખત હુમાયુ સખત માંદો પડ્યો.બાબર બાદશાહ હોવાથી દવા દારૂ માટે પૈસાની ખોટ ન હતી.સારા સારા વૈદો અને હકીમોની દવા કરી પણ હુમાયુ ને કોઈ દવાથી આરામ થયો નહિ. માંદગી દિવસે દિવસે વધતી ગઈ.તાવ ઓછો થાય અને હુમાયુ ને આરામ થાય એમ માની
બાબરે ધમૅદાન કર્યા, ગરીબોને અન્ન-વસ્ત્રો આપ્યા, પણ હુમાયુ ને કશો ફેર પડ્યો નહિ.
હુમાયુની માંદગી ઘણીજ વધી ગઈ અને તે એક બે દિવસનો મહેમાન છે એવું સૌ ને લાગ્યું.
બાબર હુમાયુના બિછાના પાસેથી જરા પણ ખસતો નહિ.તેની ભુખ તરસ ઊડી ગઈ હતી.શું કરવાથી હુમાયુની જિંદગી બચે તેની રાત દિવસ ચિંતા કરતો હતો.
એવામાં એક ફકીર આવ્યો. તેણે હુમાયુને જોઈ બાબરને કહ્યું, “હે બાબર, તું તારી પાસેની સૌથી મુલ્યવાન વસ્તુ ખુદાને નામે દાન આપે, તો તારો પુત્ર સાજો થાય.હીરાનો એકાદ હાર આપી દે.”
બાબરે કહ્યું” હીરા કરતાતો મારો જાન વધારે કિંમતી છે. તેજ ખુદાને અપૅણ કરું” એમ કહીં ખુદાનું ધ્યાન ધરી ને બોલ્યો,”હે ખુદા, મારા હુમાયુને સારો કર. અને તેનું બધું દુઃખ મને આપી દે, હું મારો પ્રાણ તને અપૅણ કરું છું”
ખુદાએ બાબરની બંદગી(પ્રાથૅના) સાંભળી હોય તેમ તેજ દિવસથી હુમાયુ ને આરામ થવા માંડ્યો. છેવટે હુમાયુ તદ્દન સાજો થઈ ગયો, પણ બાબર તે વખતથી માંદો પડ્યો અને આખરે ગુજરી ગયો..
************************
“પ્રાથૅના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ” સ્વામી રામતીથૅ
…
કોણ હતી ?
પ્રથમ દિન કોલેજનો હતો
ને એક સંગાથી મને મળી,
કૈ જાણથી ને કૈ અજાણથી
પ્રેમ અમારો થઈ ગયો,
લાલ -પીળી ને ભભકતી,
સુંદર સાડી હંમેશ પહેરતી,
બીજી પ્રાંતી ભાષા બોલતી,
હું એ શાનથી સમજતો.
ભલી ક્યાંની રહેવાસી હતી,
મેં કદી પૂછ્યું નહીં,
નિયત સ્થળે એ આવતી,
સંગાથે સદા સાથે જતી,
નાજુક શા અંગના ભાગ પર,
કૈ વાર બાજુ ઢાળ તો,
ખેર? રજાઓ કોલેજમાં પડી,
હું ગયો મારા દેશ ભણી,
કહ્યું કોઈ એ ,” એ તો નિયત સ્થળે આવતી,
મને ન જોઈ ચાલી જતી,”
મિત્રો સાથે મળી પૂછે” એ કોણ હતી ?”
ભાઈ એ તો માત્ર ” બસ” હતી.
( નોંધ.. ૧૯૬૮માં કોલેજકાળમાં રમુજમાં લખેલ હસ્ય-કાવ્ય અમદાવાદની લાલદરવાજાની
બસમાં બેઠી, કરેલી મુસાફરી માંથી સ્ફુરેલું રમુજ કાવ્ય)