એનું નામ જિંદગી
હતી નજર હંમેશ આગળ ને એ હતી પાછળ ,
ના ક્દી એ હાથમાં આવી, એનું નામ જિંદગી.
સ્વાથૅ તારો ને મારો રમી ગયાં એટલી રમતો,
અંતે ખુદ થયાં બરબાદ, એનું નામ જિંદગી.
કોણ, કેવું ને એ કેટલામાં શું રમે છે.
પારખવું છે મુશ્કેલ , એનું નામ જિંદગી.
સજ્જન સાધુ થઈ એ આવ્યો હતો એના આંગણે,
ભરમાવી ને લઈ ગયો, એનું નામ જિંદગી.
લુંટી હતી આબરૂ ભલે એની જાહેર સભામાં,
વહારે આવ્યાં ક્રુષ્ણ-કાળા, એનું નામ જિંદગી.
બને રંક માંથી રાજા ને રાજા બની જાય રંક,
ભેદ કોઈ જાણે નહી , એનું નામ જિંદગી.
એ ઊગે ને આથમે સૌ જુવે એને નરી આંખે,
હકીકતમાં જાગતો નિરંતર, એનું નામ જિંદગી.
નિસ્વાથૅ જિંદગી જીવનારા છે માનવ અહીં ઘણાં,
કદર કોઈ એની ના કરે, એનું નામ જિંદગી.
ઝંઝાવટી જિંદગી જીવી એ થાકી ગયો ” દીપ “,
તોય ઝંપી કયાં બેસેછે ? એનું નામ જિંદગી .
શાયરી
બુદ બુદા રૂપે પ્રકટ થઈ ગઈ, ડુબનારાની વ્યથા ,
ઠેસ દિલને, બુધ્ધીને પૈંગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે આ સાગરના પાણી ?શું કહું ?
જીવતો ડુબી ગયો અને લાશ તરતી થઈ ગઈ !!