Happy Father’s Day !
એ લડતા,વઢતા થોડી ટપલી મારતા,
બીજા કાંઈ પણ કહે તો એમને એ લડતા,
બસ છોકરાને સીધો રસ્તો બતાવતા.
લડાતા-જગડતા, મા ને સતાવતા,
બાળ સહજ શેરીઓ ગજાવતા,
બસ આંખ કાઢી ઈશારે દબડાવતા.
મોડી રાત લગી ગણિત શિખવાડતા,
કક્કો-બારખડી નાનપણમાં ગોખાવતા,
વહેલી પરોઢે એ સૌથી પહેલાં જાગતાં.
કુટુંબનો બોઝ બસ એ એકલાં ઉપાડતાં,
મા ની સંભાળ,ખૂબ ખૂબ રાખતાં,
ભોળા ભગવાન એ હસતો ચહેરો રાખતા.
કર્મવીર,ધર્મવીર, સાદુ જવન જીવતાં,
ધર્મ બજાવી લીલી વાડી ગયા મૂકતા
પુરૂષાર્થ આપનો, દિકરા મીઠા ફળ ચાખતા.
ઋણાનું બંધન, દિકરા કેમ કરી ચુકવતા?
કદી ન કરી પરવા,નર્સિંગ-હોમ મુકતા.
આશિષ દેતા ગયા, છેલ્લો શ્વાસ છોડતા.
નમો હરદમ નમો, એ પ્યારા પિતા જીવતા,
શીખો કઈ શીખો,એમના જેવું જીવતા,
મર્યા પછીની ફોગટ પોક,ન કરો નનામી ઉઠાવતા.
મા!
બે બાળને મીઠા-મધૂરા સ્તન પાન કરાવતી આ મા પાસે ..શું સંપતી છે? અમૃતપાન કરતાં આ બાળાકોને આથી વિશેષ સંપતીની જરૂર છે ખરી?
**************************************************************************************************************
નવ, નવ મહિના રહ્યો બાળ મા તારી ગોદમાં
કેટલી સુંદર,સુરક્ષિત,,સુંવાળી હતી એ ગોદ મા!
પીડાથી પિડાઈ હશે,આંખ માંથી આંસુ સરક્યા હશે મા!
કેટલો આરામથી! બેફીકર પોઢ્યો હતો એ ગોદમાં!
રડ્યો,ચાંપી છાંતીએ,મીઠા સ્તનો મોંમાં ધર્યા મા !
આંખ ખોલી જરા ડર્યો,રમવા લાગ્યો તને જોઈ મા!
કોને ખબર? કેટલાં દુઃખના દરિયા પીધા હશે તે મા !
ઉજાગર કરી કરી આંખ નબળી તારી બની હશે મા!
ઝંઝાવટો જાપટી,સુંવાળી પથારી પાથરી હશે મા!
મૌન ભાવે ભગીરથ કાર્ય કરી તું ગઈ મા !
આશિષ આપતી રહે “મા “કહી હાથ જોડી નમું મા!
જગત હાથ જોડે,ઈશ્વર હાથ જોડી તને નમે મા!
સમયના રથને દોડવા દે!
સમયના રથને દોડવા દે!
થોડી મજા માણવા દે,
સમયના રથને..
સમય પારખી નીકળ્યો નગરમાં,
કોણ છે સ્વજન? દ્વાર એના ઠોકવા દે,
સમયના રથને..
બળીને રાખ થઈ જશે આકાશ-ગંગામાં,
એ સૂરજને અંજલી આપવા દે,
સમયના રથને..
એ અટવાતો રહ્યો છે કાળચક્રમાં !
રણનો સાગર છે તરવા દે,
સમયના રથને..
બ્રહ્માંડનો તાગ લેવા નીકળ્યો ભલે,
ભાન ભૂલેલો છે ભટકવા દે,
સમયના રથને..
ધૂણી ધખાવી યોગી બની બેઠો ભલે,
હિમાચલ ડગે, એને પણ ડગવા દે,
સમયના રથને..
સમય ક્યાં રહ્યો છે ‘દીપ’ બુઝવામાં!
છેલ્લે ચાર કાંધીયાને મળવા દે,
સમયના રથને..
પ્રિય સખીને..Happy Valentine’s Day
હાથમાં હાથ, આંખમાં આંખ મિલાવી,
જિંદગીનો રસ્તો સાથ , સાથ કાપતા રહ્યાં પ્રિયે !
અખિલ બહ્માંડનું તેજ છે તારી મુઠ્ઠીમાં,
એના સહારે, સહારે અંધકાર કાપતા રહ્યાં પ્રિયે !
સુખ-દુઃખના સંમદર સાથ-સાથ ઘોળનારા,
અમરતનો આનંદ પણ સાથ સાથ માણાતાં રહ્યાં પ્રિયે!
પ્રણાય-કુંજમાં સ્નેહનું સિંચન સદા કરતાં રહ્યાં,
આજ સુખદ પરિવારનું ફળ ચાખતા રહ્યાં પ્રિયે !
વિતી ગયા વર્ષો ઘણાં સાથ ચાલતા ચાલતા,
આવેલી સંધ્યાના વધામણાં સાથ સાથ કરતાં રહ્યાં પ્રિયે!
કોઈ તો કહેશે કદી કે “આ જગતના પ્રેમી પંખી,
દીપ-રેખાએ કેવો સુંદર માળો બાંધતા ગયા પ્રિયે !
**************************************************
ઘણાં મિત્રો કહેતાં ફરે છે કે ..અમારે તો દરરોજ” વેલેન્ટાન્સ-ડે” “મધર-ડે”,” ફાધર-ડે,” વર્ષમાં એકજ વખત તહેવાર મનાવવાથી પ્રેમ કઈ વધી જતો નથી. હા.. પ્રેમ અવિરત હોય! પણ વરસમાં એક વખત ખૂશાલી મનાવવાથી મન,હૃદય પ્રફુલ્લિત થાય છે..જેવી રીતે આપણે કોઈ પણની વ્યક્તિનો જન્મ-દિવસ મનાવવીએ છીયે કે કોઈ પણ તહેવાર .. જેમ કે રામનવમી,જન્માષ્ટમી,કે ક્રિસમસ ને ધામ-ધૂમથી મનાવવીએ છીએ..તો ત્યારે ઈશ્વર પ્રત્યે તેજ દિવસે આપણો પ્રેમ શું વધી જાય છે? દરરોજ પ્રેમ તો એવો ને એવોજ રાખીએ પણ તહેવાર મનાવી એ દિવસ ,આનંદમાં વધારો કરી તહેવારને કે વ્યક્તિને માન આપી..ખુશ કરીએ તો આપણને પણ કઈક કર્યાનો સંતોષ થાય.. જીવનમાં આનંદ મનાવવા માટે પણ જગતમાં જુદા, જુદા તહેવારો માનવ સર્જિત છે અને આવી જ રીતે ખૂશી વ્યક્ત કરી માનવ જીવનને આનંદમય બનાવવાની આમા ભાવના રહેલી છે.
પ્રજાસત્તાક-દિન !ક્યાં કોઈ સત્તા અમારી?
કયાં કોઈ સત્તા અમારી ?
માટલા ને ખાટલા વચ્ચે ધજા ફરકાવતા,
અમો તો બાળ-નાના ખુશ થઈ મજા માણતા.
ગરીબી ક્યાં હટી છે?સ્વપ્નમાં મોજ માણતા,
ધરતી પર પથારી, આભની ચાદર ઓઢતા,
ક્યાં કોઈ સાંભળે? આંખ આડા કાન સૌ રાખતા.
કોણે ક્યું કે પ્રજાની છે સત્તા અહીં?
“જીસકે હાથમેં લકડી,ઉસીકી હુઈ ભેંસ!”
ચુપ ચાપ રહી દરીદ્ર-દેવમાં માનતા.
“ભારત મા કી જય!”
આવા નારા જોર-શોરથી લગાવી
આજની ભૂખ ભાઈ અમો ભાગતા..
દિવાળી આવી છે..
દિવાળી આવી છે, ચાલો સૌ,
અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
ગામના ઊકરડે મૂકી દઈએ ..
પ્રેમના પ્યાલામાં સ્નેહની સાકર ભરી,
પડોશી પોતાના માની ,
સ્નેહી-સગા સૌને પીવા આપીએ..
નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત કરીએ.
અણગમાનો જૂનો વેષ , દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.
તારી-મારી વાતોનું વહેમ વડુ,
ચાલો સૌ એને દૂર, દૂર કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..
ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો સૌનું શુભ-આગમન કરી એ.
દિવાળી આવી છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.
જમૈકા ગોકુળ જેવું લાગે
મારા મનને જમૈકા ગોકુળ જેવું લાગે,
આંખ ખોલું તો દ્વારકા-બેટ લાગે.
ભલે રહ્યાં શ્યામ લોક આ બેટ પર,
ભલા ભટુકડા ગરીબડા લાગે.
ચોતરફ દિવાલ સાગરની આવરી લેતી,
મધ્યે આ ખંડ શેષનાગ લાગે.
તોફાની સાગરે કર્યુ છે નૃત્ય ત્રાંડવી અહીં,
હસતા નગરજન નિડર લાગે.
મને બસ આ રુપાળું જમૈકા સુંદર લાગે,
દુનિયાનું રમતું નગર લાગે.
**********************************
મિત્રો,
ઘણાં મિત્રોને જમૈકા-ટાપુ વિશે ખ્યાલ હશેજ. આ ટાપુ અમેરિકા, ટેક્ષાસ સ્ટેટથી પ્લેનમાં ૩-૧/૨ કલાકનો સમય થાય,લગભગ ટેક્ષાસ(હ્યુટન) થી અંદાજે ૨૦૦૦ માઈલે આ ટાપુ આવેલ છે.ક્યુબાથી ૩૦૦ માઈલ્સ દૂર. આ સુંદર ટાપુ પહેલા બ્રિટિશ-કોલોનીમાં ગણાતું, અત્યારે લોકશાહીથી ચાલતો આ દેશમાં ગરીબાઈ તો જરૂર જોવા મળે, અમે જે ઘર (વેકેશન હાઊસ) ભાડે રાખેલ છે તેમાં ચાર વ્યકતીઓ છે , જેમાં એક રસોઈ બનાવે ,એક ઘરનું કામ-કાજ,ત્રીજી વ્યક્તિ,ખાવા-પીવા તેમજ અન્ય વ્યવ્સ્થા કરે અને રાત્રે સિક્યોરિટી -ગાર્ડ એમ ચાર-ચાર વ્યક્તિને રોટી-રોજી મળે અને એ લોકોને રહેવા સરવન્ટ્સ-ક્વાર્ટ્સ( જે રૂમ બહુજ નાના હોય).
એ લોકો આપણાં ફેમિલીને પુરેપુરા ખુશ કરવા પ્રયત્ન કરે.દયા આવે! સ્વર્ગ જેવો ટાપુ ! ઈશ્વરે
મન્ મૂકી સુંદરતા વેરી છે મૂલાકાતીઓ પર મોટા ભાગના વ્યક્તી નિર્ભર છે.આ ટાપુ પર દરરોજ
દરિયા-કિનારે વસેલ ઘર પરથી જે સૌદર્ય નિહાળ્યું તેના પર થી આ સુંદર કાવ્ય લખાય ગયું.
સહેલા નથી
આસુંના તોરણો બાંધવા સહેલા નથી,
હ્ર્દયના તોફાનો રોકવા સહેલા નથી.
ધર્મ, કર્મનો મર્મ કોણ જાણે અહીં?
માનવ મંદીર બાંધવા સહેલા નથી.
ભલે પરિભ્રમણ કરતો બ્રહ્માંડમાં તું,
અનંતના રસ્તા શોધવા સહેલા નથી.
મોતને મળીશું એકવાર જરુર અહીં,
લાશ સઘરવાના રસ્તા સહેલા નથી.
‘દીપ’, કોણ કરશે યાદ ગયાં પછી?
અમર થવાના ખ્યાલ સહેલા નથી.
મતલાના હલેશાથી વધતી કૃતિ-રાધેશ્યામ શર્મા
એક પળ- શ્રીરાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪
જુલાઈ-2007માં -’તાદથ્યૅ’ મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નીકળ્યાં” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય જરૂર આપશો.
********************************************
ગઝલનો આસ્વાદ
નભના નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના શ્વાસ રુંધાયા, શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ક્યાં હતું મારું અહી કોઈ ઠેકાણું આ શહેરમાં,
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?
સગા- સંબંધીની ખુશામત અહી જિંદગી-ભર કરી,
કાંધો આપવા એ ઘેરથી બહું મોડા નીકળ્યાં.
ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન-ભુલી ને,
મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.
-વિશ્વદીપ બારડ
શીષૅકશૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક મિસરો જરી ઝીણી નજરે જોઈ તો સંવેદનાનો વ્યાપ આવે.
અહી તો મતલો જ અધિક ધ્યાનાહૅ છે-’નભના નગર નિકળ્યા’…
ગુજરાતી કાવ્યસાહિત્યમાં નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વણૅવાયું મળે કદી, પણ આહીં તો કવિએ નભના નગરને નીકળતાં વણૅવ્યાં છે.સિટી ઑવ સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાધૅ કડી એનું શમન કરેછે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યૅકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ઉધ્વૅ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ રુંધામણ પછીનું રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું ને શ્વાનોનું ભસવું સહજ છે.
કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીણૅ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.
બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારાઆનિકેતનાનો અંદાજ આપેછે-’ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં ?’ બીજી તૂક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ ; પ્રયોગથી નભ તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.
મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટાલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
‘કાંધો આપવા એ ઘેરથી બહુ મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની પ્રસ્તુતિ ગઝલીઅતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…
‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)
ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-’મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)
પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદપાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.
-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદથ્યૅ’ મેગેઝીન, ગુજરાત
આવો આજ આઝાદીનો ઉત્સવ મનાવીએ…
આવો આજ આઝાદીનો ઉત્સવ મનાવીએ ,સાઠ ,સાઠ દિવડાની આરતી ઉતારીએ,
આવો આજ હરખના તોરણ બંધાવીએ, ત્રિરંગી ઝંડ્ડો આંગણે ફરકાવીએ.
આવો આજ…
હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, સર્વ ધર્મ ભળી, આ મા-ભોમની શાન વધારીએ,
પ્રાંત,પ્રાંતની ભલે ભાષા જુદી, સૌ સાથ મળી હિન્દ-માતનું ગૌરવ વધારીએ.
આવો આજ…
વિશ્વ-વિભૂતી ગાંધી ગૌરવ,ઘર,ઘર જઈ શાંતીનો બસ આજ દીપ પ્રગટાવીએ,
સત્ય-અહિંસા , વાણી વર્તન સદા રહે, ભષ્ટાચાર ને આજ સૌ દેશ-વટો આપીએ.
આવો આજ…
દુનિયાભરમાં શાન વધે, જન્મભૂમી છે મારી એને આજ અમો વંદન કરીએ,
દેશ મારો સ્વર્ગ બને, મહા-ભારત ,પૃથ્વીનું શ્રેષ્ટ-સ્થાન બને એ પ્રાર્થના કરીએ.
આવો આજ…
-વિશ્વદીપ બારડ
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“ન રાખું આશા કદી કોઈ પાસ
પછી કરે કોણ મને નિરાશ ?”-રમણલાલ સોની
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે “ મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
















