આંસુ
આંખડીમાં હસતી ગુલાબકળી આંસુ
ને સ્પંદનની મ્હેકતી આ ધૂપસળી આંસુ!
અણદીઠા દરિયાનું મોતી એક આસું
ને વાદળાની વીજઆંખ રોતી એજ આંસું!
પાનખરે છેલ્લું ઝરે પાન એ જ આંસું
ને કોકિલનું વણગાયું ગાન એજ આંસું!
ઝાકળનું ક્ષણજીવી બુંદ એક આંસુ
ને ચિરજીવ વેદનાનું વૃંદ એ જ આંસુ!
વાંસળીનો વિખૂટો સૂર એક આંસુ
ને ગોપીનું સૂનું સૂનું ઉર એ જ આંસુ !
કાળજામાં કોરાયા કૂપ એ જ આંસુ
તમે મારો મેણા ને ઓઠ ચૂપ એ જ આંસુ !
- સુરેશ દલાલ


