ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક નાનકડી વાર્તા- સુમંત દેસાઈ

hunt.jpg 

એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે પડતું નહોતું. ને થયું કે આ જીવનનો અંત લાવ્યેજ છુટકો. શહેરની વચ્ચેજ રેલવે પસાર થાય ત્યારે પાટા પર પડતું મૂકવાનું  તેણે  નક્કી કર્યું.

    પણ ઘરેથી  નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને  જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.

  …હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, એ જવા દઈએ. પણ એક સવાલ થાય છે..

     એ માણસ  ઘેરથી  નીકળ્યો પછી, રસ્તામાં  કદાચ તમેજ એને સામા મળ્યા હોત તો ?બોલો , એનું શું થાત ? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત ? જરા વિચારી  જોજો…

**********************************************************************************************************
જ્યાં પહોંચવાની ઝંખના
 વરસોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે
 એમ પણ બને……મનોજ ખંડેરીયા

March 29, 2008 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

ઈલોજી-હોળીકાની પ્રેમગાથા

holi2.jpg
લેખક પરીચય - ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા જનકસિંહ ઝાલા સાહિત્યમાં પણ ઉંડો રસ ધરાવે છે. તેઓ સમય મળ્યે પોતે પણ કંઈકને કંઈક લખતા રહે છે.આપણે લોકો હોળીકાને એક ખલનાયિકાના રૂપે જાણીએ છીએ પરંતુ હિમાચલ પ્રદેશમાં હોળીકાના પ્રેમની ગાંથા દરેક લોકોમાં પ્રચલિત છે. આ કથાને આધાર રાખીએ તો હોળીકા એમ લાચાર પ્રેમીકા તરીકે નજર આવે છે જેણે પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો.

હિરણ્યકશ્યપની બહેન હોળીકાના લગ્ન ઈલોજી સાથે પૂર્ણિમાંના રોજ નક્કી થયાં હતાં. આ બાજુ હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન હતો. અંતે તેની મહાત્વકાંક્ષાએ પુત્રની બલિનો પણ સ્વીકાર કરી લીધો.

બહેન હોળીકા સામે જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો હોળીકાએ ના પાડી હતી. પછી હિરણ્યકશ્યપે તેના લગ્નમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. અંતે લાચાર થઈને હોળીકાએ ભાઈની વાત માની અને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની નિર્ણય કર્યો. તે અગ્નિદેવતાની ભક્ત હતી અને અગ્નિથી તેને કોઈ હાની ન હતી.

આજ દિવસે હોળીકાના લગ્નની તિથિ પણ હતી. આ બધી વાતથી અજાણ ઈલોજી વરઘોડો લઈને આવી રહ્યાં હતાં અને હોળીકા પ્રહલાદને બાળવાના પ્રયત્નમાં સ્વયં ભસ્મ થઈ ગઈ. જ્યારે ઈલોજી વરઘોડો લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં હોળીકાનો દેહ બળીને ખાખ થઈ ચૂક્યો હતો.

ઈલોજી આ બધુ સહન ન કરી શક્યા અને તેમણે પણ હવનમાં કુદીને પોતાનો દેહ ત્યજવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં આગ ઠરી ગઈ હતી. પોતાનું માનસનું સંતુલન ગુમાવીને ઈલોજી રાખ અને અર્ધ બળેલા લાકડાઓ લોકો પર ફેંકવા લાગ્યાં.

બસ આ જ અવસ્થામાં તેમણે પોતાનું શેષ જીવન પસાર કર્યું. હોળીકા-ઈલોજીની આ પ્રેમગાથાને આજે પણ હિમાચલ પ્રદેશના લોકો યાદ કરે છે. .

- જનકસિંહ ઝાલા

March 21, 2008 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 4 Comments

સાદગી

lady_of_shalott.jpg 

ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીની મુસાફર ફાહિયાન  ભારતમાં આવ્યો હતો. ફરતાં ફરતાં તે મગધમાં જઈ ચડ્યો. મગધનું વ્યવસ્થિત  સામ્રારાજ્ય જોઈને તે આભો બની ગયો હતો.

          એને જ્યારે ખબર પડીકે  આનો નિર્માતા  ચાણક્ય છે  ત્યારે એ ચાણ્ક્યનો મહેલ શોધવા નિકળ્યો. એને એમ  હતું કે ચાણક્ય સંગે મરમરના મહેલમાં  રહેતો હોવે જોઈએ એણે  કોઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે ચાણક્ય કોઈ મહેલમાં રહેતો નથી પણ ગામની બહાર નાની ઝૂંપડીમાં રહે છે ત્યારે એક ક્ષણ માટેતો એ વાત ને  માનવા તૈયાર ન હતો. જે મગધના સૂખી સામ્રારાજ્યનો નિર્માતા હોય તે પોતે ઝૂંપડીમાં રહે? અશક્ય!!!
         બે-ત્રણ  સ્થાનેથી  ચોકક્સ નર્ણય થયા બાદ એ ચાણક્યની  ઝૂંપડી તરફ જવા રવાના થયો.આખા રસ્તામાં  એના મગજમાં  એક જ પ્રશ્ન  સાપની જેમ સળવળાતો હતો… આટલો મહાન માણસ ઝૂંપડીમાં શા માટે ? એણે  ચાણક્યને  પ્રશ્ન કર્યો ત્યારે ચાણાક્યે જે જવાબ  આપ્યો તે આજના દિલ્હીની ગાદી પર બેઠેલા સત્તાધારીઓએ  કાન ખોલીને સાંભળવા જેવો છે.

ચાણક્યે  કહ્યું..” જે દિવસે  અમાત્યો ( મંત્રીઓ) મહેલમાં રહેતા થશે તે દિવસે પ્રજાને ઝૂંપડીમાં રહેવાનું થશે. જે દિવસે મહાઆમાત્યો મહેલોની  લાલચ કરશે તે દિવસે આ સામ્રારાજ્ય તૂટી જશે.”

February 28, 2008 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 3 Comments

કાળી ચૌદશ(નરક-ચતૃરદર્શિ)

 diwaligreetings1.jpg

નર્કસૂરનામે એક  અસૂર રાજા(પ્રયાગ-જ્યોતિષપૂરહાલ જે હાલ નેપાળના દક્ષિણ ભાગમાંઆવેલ છે) થઈ ગયો. તેણે ઈન્દ્રસાથે લડાઈ કરી, ઈન્દ્રને પરાજીત કરી તેના કિંમતીમાં કિંમતી આદિત્ય કાન-કુંડાળ છીનવી લઈ, દેવલોકની દેવી-દેવતા સાથે સત્યભામા અને સોળ હજાર દેવતાની પુત્રીઓને કેદમાં પુરી દીધા અને ત્રાસ આપવા લાગ્યો.

                     સત્યભામા(કૃષ્ણની પત્ની)એ કૃષ્ણનું સ્મરણ કરી વિનંતી કરી ” હે પ્રભુ ! અમોને આ ત્રાસથી બચાવો અને મને એવી શક્તિ આપો કે આ નર્કસૂરનો વધ હું કરી શકું.કૃષ્ણએ  સત્યભામાને શક્તિ પ્રદાન કરી. નર્કાસૂરને એવો શ્રાપ હતો કે એનું મોત કોઈ સ્ત્રી થી  થશે કૃષ્ણએ એમની ચાતુર્ય યુક્તિથી નર્કાસૂર સાથે ચડાઈ કરી અને રણભૂમીમાં સત્યભામાએ નર્કાસૂરનું ડોકું કાપી વધ કર્યો. સૌ દેવી-દેવતા તેમજ સોળહજાર  દેવી પુત્રીઓ ને જેલમાંથી મુકત કરાવી.કૃષ્ણ એ સોળ-હજાર દેવી-પુત્રીઓ સાથે લગ્ન કર્યા તેમજ ઈન્દ્ર પાસેથી છીનવી લીધેલા કાન-કુંડળ પાછા મેળવ્યા.વિજયના સન્માન રૂપે પાછા ફરતા કૃષ્ણએ નર્કા-સૂરને વધકરી એનું લોહીનું કપાળ પર તિલક કરેલ અને વહેલી સવારે પાછા ફરેલ ત્યારે ગામની સૌ સ્ત્રીઓ એ સુગંધી તેલ,સુખડ પવિત્ર જળ વડે સ્નાન કરાવી લોહીનો ચાંદલો સાફ કરી કંકુનો ચાંદલો કરી એમનું સ્વાગત કરી ઉત્સવ મનાવ્યો. ત્યારથી આપણાં હિન્દુ સંસ્કૃતિમાં  તેમાંય ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌ આ દિવસે( કાળી ચૌદસ) સૂર્યોદય પહેલા ઊઠી વહેલી સવારે સ્નાનકરી,ઘર આંગણે સાથિયો પાડી, પ્રભુની પૂજા કરેછે.
                 નવાઈની વાતતો આ ઘટનામાં એ છે કે નર્કાસૂરની માતા ભૂદેવીએ નર્કાસૂરના વધ પછી તે દિવસે શૉક મનાવવાને બદલે ઉત્સવ મનાવી સૂર્યોદય પહેલા સ્નાન કરી,ઘર આંગણે કંકુના સાથિયા પાડી શુભ-દિન તરીખે જાહેર કરેલ!

              આજે પણ દક્ષિણ-ભારતમાં સૂર્યોદય પહેલાં ઊઠી   કંકુ-સુગંધી તેલ , તેમજ તરબુચને રાક્ષસનું માથું માની એને કચડી લાલ તિલ્લક કર્યા પછી સુખડ તેમજ સુગંધી પાણીમાં સ્નાન કરેછે.મહારાષ્ટમાં સુર્યોદય પહેલાં ચણાના લોટમાં સુગંધી પાવડર સાથે સ્નાન કરી દૂધ-પૌવા તેમજ સાકર-સેવ ખાઈ સૌ કુટુંબીઓ ઉત્સવ મનાવે છે.
              ગુજરાતમાં અને કાઠીયાવાડમાં  આ દિવસે ઘરમાંથી કંકાસ અને કકળાટ કાઢવા મગના વડા તેલમાં તળી શેરી કે પોળના નાંકે વડુ મુકી પાણીની ગોળ ધાર કરી આસુરી તત્વોને દૂર કરેછે..સૌ સાથે મળી ઘર આંગણે રાતે દીપમાળા  પ્રગટાવી આ દિવસને આનંદથી ઉજવણી કરેછે..

In  English

 Legends behind Chhoti Diwali
The story goes that the demon king Narakasur ruler of Pragjyotishpur (a province to the South of Nepal) after defeating Lord Indra had snatched away the magnificent earrings of Aditi, the Mother Goddess (the ruler of Suraloka and a relative of Satyabhama, Lord Krishna’s wife) and imprisoned sixteen thousand daughters of the gods and saints in his harem.

On coming to know about this, Satyabhama was enraged by Narakasura’s malevolence towards women, and she appealed to Krishna to give her the golden chance to destroy Narakasura. The legend also says that Narakasura was given a curse that he would be killed by a woman. Krishna granted Satyabhama a boon to fight with Narakasura. With Krishna as the charioteer, Satyabhama entered the battle field. During the war, Krishna swooned for a while, a preordained divinely act adopted to empower Satyabhama to kill the demon. After Narakasura was beheaded, the imprisoned women were released, and Krishna accepted to marry them.

So on the day previous to Narakachaturdashi, Lord Krishna’s divine intervention led to the killing of the demon, Narakasura and liberation of the imprisoned damsels as well as recovery of the precious earrings of Aditi. As a symbol of that victory Lord Krishna smeared his forehead with the demon king’s blood. Krishna returned home in the very early morning of the Narakachaturdashi day. The womenfolk massaged scented oil to his body and gave him a good bath to wash away the filth from his body. Since then the custom of taking bath before sunrise on this day has become a traditional practice specially in Maharashtra.

It is interesting to note that Bhudevi, mother of the slain Narakasura, declared that his death should not be a day of mourning but an occasion to celebrate and rejoice. Since then, Deepavali is being celebrated by people every year with joyous celebrations with lot of fun and frolic, and fire works.

In South India that victory of the divine over the mundane is celebrated in a very peculiar way. People wake up before sunrise prepare a paste by mixing Kumkum in oil, symbolizing blood and after breaking a bitter fruit that represents the head of the demon King that was smashed by Krishna, apply that mixture on their foreheads. Then they have an oil bath using sandalwood paste.

In Maharashtra also, traditional early baths with oil and “Uptan” (paste) of gram flour and fragrant powders are a `must’. All through the ritual of baths, deafening sounds of crackers and fireworks are there in order that the children enjoy bathing. Afterward steamed vermicelli with milk and sugar or puffed rice with curd is served.

November 6, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments

ધનતેરસનું મહત્વઃ

dhan-teras1.jpg
આપણાં દરેક તહેવારનું મહત્વ રહેલ છે, સાથે સાથ કોઈ ઘટના સાથે એનું અનુસંધાન સંકળાયેલે છે.દિવાળીના પાંચ શુભ-દિવસોમાંનો આ પહેલો દિવસ ગણવામાં આવે છે.
           મહારાજા હિમાના એકના એક પુત્રનું રાજ-જ્યોતિષે ભવિષ્ય ભાખેલ કે તેમનું મૃત્યું તેમનાં લગ્ન દિવસ પછી ચોથા દિવસે કાળિયાનાગથી થશે. લગ્નના ચોથા દિવસે તમની પત્નીએ પોતાના પતિ રાજકુમારને સુવા ના દીધા. પોતાના બધા સોનાના તેમજ હિરા-જડીત દાગીના , ચાંદી, સોનાના સિક્કા  બધુએ એક મોટા કોઠામાં ભરી ઓરડા પાછળ મૂકી દિધા. પોતાના સુવાની પથારીની આસ-પાસ જગ-મગતઆ હજારો દિવા પ્રગટાવ્યા, ચારે બાજુ બસ રોશની થી ઓરડો પ્રકાશિત કરી દિધો.. સાથો સાથ રાણી એ માંગળિક ગીતો ગાવા લાગી. યમરાજ  કાળોનાગ બની ઘર તરફ આવ્યાં.. ચારે બાજુ એટલો પ્રકાશ અને રોશની હતી કે એ અંજાય ગયા. ઓરડા પાસે જે ધનથી કોઠી હતી તેની પર ચડી ગયો અને આખી રાત મધૂર સંગીત અને રાણીના સુંદર ગીતો સાંભળતા રહ્યાં.. સવાર પડતાંની સાથેજ શાંતીથી બહાર જતા રહ્યાં.. રાજકુમાર બચી ગયો! આ દિવસ “યમદિપાદાન” તરિકે પણ જાણીતો છે.

બીજી માન્યતા મુજબ દેવ-દાનવો મળી દરીયોને વલોવી ઝે’ર. અમૃત ( ધનવંતરી દેવ) પ્રગટ થયા.આય્રુર્વેદમાં “ધનવંતરી”ની આદિવસે પૂજા થાય છે.

ધનતેરસને દિવસે ધન-લક્ષ્મીની પૂજા સાથે શુભ-સાથિયો અને દિપ પ્રકટાવી ઘરમાંથી ખરાબ તત્વોની વિદાય અને શુભ-વિચારો સાથે લક્ષ્મીને અહવાન!

   

November 5, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments

દિવાળીની વાર્તા..ચતૂર વહુ

 diwali11.gif

એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્  સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો  કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ  એક ઉપાઈ સુઝ્યો કે ચાલ  દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને  કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય  માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
           સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને   આવીને નાની વહુને કહ્યું કે આજે મેં  રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.

          એજ  ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા  ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ  ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર  ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો  હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!

        આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર  પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી  છાપરા પર મરેલો  સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું  ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે  દિવાળી રાતે  આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને  નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!

            દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ  સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં  ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને  ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર  એક નાના ઘરમાં  દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર  અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !

              આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું  ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને  સાથો સાથ આનંદ-મંગલની  આરતી થતી રહી!

October 30, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments

ભેદ- મીરા જૈન

people1.jpg
રીના તથા રમેશ પુન:ર્લગ્ન બાદ ફરી વાર જીવનનાં એક તાંતણે બંધાઈ ગયા. બંનેને વિધવા તથા વિધુરની જટિલતામાંથી મુક્તિ તો મળી પણ તેની સાથે સાથે રમેશની ચાર વર્ષની પુત્રી સ્નેહમયીને મા ની મમતા પણ મળી ગઈ. રમેશે લગ્નની પહેલી રાત્રે જ રીનાને સલાહ આપતા સાવચેત કરી કે, “જો રીના ! શ્રેણી (રમેશની પુત્રી) માં વગરની બાળકી છે. તેથી હું નથી ઈચ્છતો કે તેને કોઈ પણ પ્રકારનું દુ:ખ પડે. જ્યાં સુધી હું જીવીત છું ત્યાં સુધી હું તેને મારી આંખો સામેથી એક ક્ષણ માટે પણ ઓઝલ થવા દેવા માંગતો નથી, આ વાતનું હંમેશા ધ્યાન રાખજે.”

લગ્ન બાદ લગભગ છ-સાત મહીના બાદ રીનાની માં નો ફોન આવ્યો ‘ રીના ! મારી તબિયત ઠીક નથી, તુ અહીં આવીને વેણી (રીનાના પહેલા લગ્નથી થયેલી બાળકી) ને પોતાની સાથે લઈ જા, અહીં તેનો ઉછેર સારી રીતે નથી થઈ રહ્યો. તે ઉપરાંત તે તને યાદ કરીને રડ્યા કરે છે. મારાથી આ બધુ નથી જોઈ શકાતુ.

ફોન પર થયેલી વાતચીતથી રીનાની આંખોમાંથી આંસુ નિકળી આવ્યા, તેણે ડરતા ડરતા રમેશને પુછ્યું -

“તમે કહો તો હું વેણીને અહીં લઈ આવું?

રમેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું -

“લગ્ન પહેલા જ એક વાત નક્કી થઈ હતી કે, હું તારા પહેલા લગ્નથી થયેલી પુત્રીને નહીં સ્વિકારુ. તો પછી આ રોવા- ધોવાના આડંબર શા માટે કરે છે?

રીના એ પ્રત્યુતરમાં કહ્યું -

“અત્યારે મારી મમ્મીની તબિયત સારી નથી. તે જેવી જ સાજી થઈ જશે હું ફરી વેણીને તેની પાસે મુકી આવીશ.”

“તારી માં જીવનના અંતિમ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમની તબિયત હવે આવી રીતે નરમ - ગરમ થતી રહેશે, તેથી તારી માંને કહે કે, તેને કોઈ સારી હોસ્ટેલમાં મુકી દે.”

રમેશની આવી વાત સાંભળતા જ રીના કોઈ ગાઢ ઉંઘમાં જતી રહી હોય તેવું લાગ્યું. તે મનોમન વિચારવા લાગી - સમાજની આ કેવી રીત છે, એક બાળકીને લગ્નના માધ્યમથી માં-બાપ બંને મળી ગયા, જ્યારે બીજી આજ સ્થિતિને લઈને અનાથ થઈ ગઈ. તફાવત માત્ર એટલો હતો કે, પહેલી પુરૂષની પુત્રી હતી અને બીજી મહિલાની.

August 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

ગરાસણી- ઝવેરચંદ મેઘાણી

 zaverchand-meghani.jpg

લેખક પરીચય - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં થયો હતો. તેમની મુખ્ય રચનાઓમાં નવલકથા સૌરાષ્ટ્રની રસધાર, યુગવંદના, રવીન્દ્રવીણા, તુલસી ક્યારો ઉપરાંત લોકગીતો અને સોરઠી સંતવાણીનો સમાવેશ થાય છે. 9 માર્ચ 1947ના રોજ તેમનું નિધન થયું.

******************************************************************

ગેમાભાઈ ! આ દિકરીને આજ એને સાસરે મૂકવા જાવાં છે. તમે સાથે જશો ને ?”
“ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જોખમ ન હોય ત્યાં મારૂં વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજાં સપારડાં ઘણાં છે.”
ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ચાલીસ-પચાસ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરામાં સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારી જબ્બર હતો. જે ગાડાની સાથે ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.
એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાને તેડું આવ્યું. ખુમાણસિંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાનાં હતાં. એક વેલડું, બે છોડીઓ, ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધાં હેબતપર ગામે બાને તેડવા ચાલ્યાં.
હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબું ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને બે છોકરીઓ બેઠાં. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે વાર્ત્યો હતો.
ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યુ. ઘોર અંધારામાં એનાં નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : ” ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવા જેવું નથી, હો બાપા ! હોશિયાર રે’જો.”
ગેમાએ જવાબ દીધો : “એલા, ઓળખછ તું આ ગેમાને ? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ.”
ગેમો નસકોરાં ગજાવવા લાગ્યો. નસકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : “ગેમાભાઈ, બાપા અટાણે સુવાય નહિ હો !”
ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો : ” હું કોણ ? હું ગેમો !”

આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડાખેડુએ નજર કરી તો આઘેથી તળાવડીમાં આગના તણખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : “ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી, હો !”
ગેમાનો તો એક જ જવાબ હતો : “મને ઓળખછ ? હું કોણ ? હું ગેમો!”
ગાડાં તળાવડી નજીક પહોંચ્યાં એટલે ગાડાખેડુને દસ-બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ કોણ ? એ તો ગેમો !
જોતજોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : “મને ઓળખો છો ? હું કોણ ? હું ગેમો !” ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.
એક જણે કહ્યું : “એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો.”

લૂંટારાઓએ એને બેસાડીને એના હાથપગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી. એક ધક્કો દઈ ગડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને ‘રણગોળીટો’ કર્યો કહેવાય છે. રણગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.
“કોણ છે, વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ફટ !” લૂંટારાઓએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.
બદમાશો બોલ્યા કે “ડિલ ઉપરથી ઘરેણું ઉતાર.”
બાઈએ બધા ઘરેણાં ઉતાર્યા; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં.
“કડલાં સોત ઉતાર.” બદમાશોએ બૂમ પાડી.
બાઈ વીનવવા લાગ્યાં કે “ભાઈ, આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી, હું ભર્યે પેટે છું. મારથી નહિ ઊઘડે; માટે આટલેથી ખમૈયા કરો ને , માર વીરા!”
“સફાઈ કર મા ને ઝટ કાઢી દે!”
“ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો,” એમ કહી રૂપાળીબાએ વેલડીમાં બેઠાં બેઠાં પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.
રૂપાળીબાએ ત્રાંસી નજર નાંખી બીજું કોઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાનાં આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.
રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો ગરાસણીને શૂરાતન ચડી ગયું, આડું લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠણભર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા - ચંડીરૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા - જેના પર પડે છે તેને ફરી વાર ઊઠવા નથી આપતો.
અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જ દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદમ્બાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા.
ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું કે “છોડી નાખો એ બાયલાને.”
છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.
જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એનાં અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી ! વનનાં ઝાડવાં જોઈ રહ્યાં હતાં.
ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય. રણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ. રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતાં ચાલી નીકળ્યાં.
સવાર પડ્યું ત્યાં મોણપરનું પાર આવ્યું. એ એમના મામા દાદાભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે.
કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા ન દેખાય માટે કસુંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે, “બેટા, આંહી રોકાઈ જાઓ.”
“ના, મામા, મારે જલદી ઘરે પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે.”
બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યાં હતાં કે કોઈ એનાં વખાણ ન કરશો. ઊલટું, એને પાછી પાડવા જેવાં વેણ કહેજો, નહિ તો બહેનને ચમક ઊપડશે.
ચમક ઊપડે એટલે માણસ મરી જાય.
લોહીએ નીતરતાં બહેન આવ્યાં. બહેનને ઢોલિયામાં સુવાડ્યાં, બધાંય ઠપકો દેવા લાગ્યાં કે “બેટા ! બહુ અઘટિત કર્યુ. પાંચ હજારનાં ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત !”
એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો; પણ એનો ઈતિહાસ હજુ સુધી નથી ગયો..

June 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

અલી-સલમાની અમર પ્રેમ કથા

180px-taj_mahal_in_march_20041.jpg
- પરૂન શર્મા
લેખક પરીચય - ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા પરૂન શર્મા લેખન-વાંચનની સાથે ક્રિકેટનો ઉંડો રસ ધરાવે છે. રમતગમત પર લેખન એ તેમનો પ્રિય વિષય છે. પરંતુ તેઓ દરેક વિષયમાં સમય મળ્યે કંઈકને કંઈક લખતા રહે છે.                   *********************

પ્રેમ આ દુનિયાનો એક એવો અનુભવ છે જેના વિના મનુષ્ય જીવન કદાચ અધુરૂં છે. જે આ અનુભવમાંથી પસાર થયું છે, તે જ વ્યક્તિ તેને ખરી રીતે પ્રસ્તુત કરી શકે. પછી તે સોહની-માહિવાલની જોડી હોય, રોમીયો-જુલીયેટની જોડી હોય કે પછી હિર-રાંઝાની જોડી. આ બધી જોડીઓ પ્રેમના નામે ઈતિહાસમાં અમર થઈ ચુકી છે. તેમાં અલી-સલમાની જોડીનો પણ ઉલ્લેખ કરી શકાય.

રણમાં ગરમ હવાઓ ફુંકાઈ રહી હતી. તોફાની વાડાઝોડાને લીધે આકાશમાં ધૂળનું આવરણ ચઢી ચુક્યું હતું. તે સમયે એક યુવાન અલી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે પોતાના માર્ગથી અજાણ હતો. વાવઝોડું એટલું જોરથી ફુંકાઈ રહ્યું હતું કે તેને કંઈ જ સમજાઈ રહ્યું નહોતું. આવી મુશ્કેલ સ્થિતિમાં પણ યુવાન ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. કારણ હતું તેનું લક્ષ્ય.

અચાનક જ યુવાનને એક મિનારો દેખાયો અને તેનામાં આશાનો સંચાર થયો. તેણે તેના ઘોડા સાથે મિનારામાં પ્રવેશ કર્યો. તે અંદર જઈ રહ્યો હતો તે વખતે જ તેને એક મીઠો મધુરો અવાજ સંભળાયો, ‘તમે મનુષ્ય છો કે પછી કોઈ હવાઈ શક્તિ ?’

અલીએ જવાબ આપ્યો, ‘હું મનુષ્ય જ છું અને તમે ?’ અલીએ જોયું કે તેની સામે એક ચંદ્ર જેવો આકર્ષક ચહેરો ધરાવતી અને ગુલાબની પાંખડીઓ જેવી નાજુક સુંદર યુવતી ઉભી હતી. અલી તેને જોતા જ બધું ભુલી ગયો. યુવતી બોલી, ‘હું પણ વાવાઝોડામાં ખોવાઈ ગઈ છું અને આશ્રયના ઈરાદે અહીં આવી છું.’
અલી થોડી વાર સુધી ચુપચાપ તેને જોતો રહ્યો અને પછી તેણે કહ્યું, ‘ન જાણે ક્યાર સુધી અહીં આશ્રય લેવો પડશે. તમારૂં નામ શું છે ?’

યુવતિએ સ્મિત આપતા કહ્યું, ‘તમે મારૂં નામ જાણીને શું કરશો ? હું તમારા જેવા અજાણ્યા મુસાફર સાથે શા માટે વાત કરૂં ?’ અલી યુવતિનું નામ જાણવા અધિરો થઈ રહ્યો હતો અને તેની સાથે વાત કરવાનું બહાનું શોધી રહ્યો હતો.

અલીએ મીનારાના દરવાજા બહારનો સંકેત કરતાં કહ્યું કે, ‘જુઓ હવામાં ચારેય તરફ રેતીના કણો વ્યાપેલા છે. કોઈ જગ્યા એવી નથી જ્યાં રેતીના કણ ના દેખાઈ રહ્યા હોય.’ ‘હા, તમે સાચું કહી રહ્યા છો.’ યુવતિએ જવાબ આપ્યો.

‘તો પછી રેતીના એક કણે બીજા કણથી શા માટે ડરવું જોઈએ ? રેતીના કણ તો હવાને લીધે ઉડી રહ્યા છે. હું અને તમે તો બસ રેતીના કણ છિએ, જે હવામાં સાથે ઉડી રહ્યા છે. આપણે એક બીજાથી ડરવું ન જોઈએ અને ના એકબીજાથી બચવું જોઈએ. કારણ કે આપણા ભાગ્યમાં આ જ લખ્યું હતું.’ યુવતિએ વિચાર્યુ કે અલી સાચું કહી રહ્યો છે. તેણે શરમાતા શરમાતા કહ્યું, ‘મારૂં નામ સલમા છે અને મારા પિતાનું નામ હુસૈન છે.’

અલી અને સલમા દિવસભર વાતો કરતા રહ્યા. તેમને બહાર વાવાઝોડું આવી રહ્યું છે તે વાતનો ખ્યાલ જ ન રહ્યો. કલાકો વિતી ગયા, રાત પડી ગઈ અને અલી સુઈ ગયો. અલી જાગ્યો ત્યારે બહાર અંધારૂં થઈ ગયું હતું અને ત્યાં સલમા નહોતી. તે દરવાજા પર ગયો તો વાવાઝોડું શાંત થઈ ચુક્યું હતું. પરંતુ તેને સલમાના પગના નિશાન પણ ન દેખાયા.

સલમાને ગુમાવીને અલી દુઃખી થઈ ગયો. તેને સલમા ક્યાં ચાલી ગઈ તે વિષે ચિંતા થઈ રહી હતી. તેને સલમા સાથે ગાળેલો સમય યાદ આવી ગયો. તેણે વિચાર્યુ હું સલમાને હું કેવી રીતે શોધી શકીશ ? સલમાએ તેના પિતાનું નામ હુસૈન હોવાનું કહ્યું હતું. પરંતુ હુસૈન તો ન જાણે કેટલાય લોકોનું નામ હશે અને ન જાણે કેટલાય હુસૈનોએ તેમની દિકરીનું નામ સલમા પાડ્યું હશે. તેણે એ પણ ન કહ્યું કે તે ક્યાં રહે છે. સલમા અને અલીની મુલાકાત રેતીના બે કણો જેવી હતી, જે કણો વાવાઝોડામાં મળ્યા અને તેમાં જ ખોવાઈ ગયા. હવે તેઓ ફરી મળે એવી શક્યતા નહીંવત હતી.

અલી સલમાને શોધવા ગાંડાઓની માફક ભટકવા લાગ્યો. તે જ્યાં પણ જતો ત્યાં સલમા વિષે જ પૂછતો. સલમાના વિરહમાં તેની માનસિક સ્થિતિ વિચલિત થઈ ગઈ. લાંબા વાળ, લાંબી દાઢી અને ફાટેલા કપડા તેની ઓળખાણ બની ગયા. તે ગામેગામ સલમાની શોધમાં ભટકતો અને બધાને એક જ પ્રશ્ન પૂછતો, ‘શું અહીં હુસૈન રહે છે, જેમની દિકરીનું નામ સલમા છે?’ લોકો તેના પર હંસતા અને કહેતા કે, ‘આ માણસ ગાંડો થઈ ગયો છે, ન જાણે તે કયા હુસૈન અને સલમા વિષે પૂછી રહ્યો છે ?’

અલીનું બાકીનું જીવન સલમાની શોધમાં જ પસાર થયું. એક દિવસ મુશળાધાર વરસાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું. ભુખના લીધે તેના પેટમાં દુઃખાવો થવા લાગ્યો. તે બેભાન થઈ ગયો. પરંતુ અચાનક તેને લાગ્યું કે કોઈ યુવતિ તેની પાસે આવીને તેના પેટમાંથી પાણી કાઢી ગઈ અને તેના ઘોડાને પણ વરસાદમાંથી બચાવી લીધો.

અલીએ આંખો ખોલી ત્યારે તેના આશ્વર્યનો પાર ન રહ્યો. તેને બચાવનાર યુવતિ ખરેખર તેની પ્રેમિકા સલમા જ હતી. તે અલીના ચહેરાને નીહાળી રહી હતી. હંસતા હંસતા તેણે કહ્યું, ‘રેતીના બે કણ જ્યારે એકબીજાને મેળવી લે છે ત્યારે તેઓ હંમેશા એકબીજાના થઈ જાય છે.’

May 27, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 1 Comment

પુત્રીઓનો પ્રશ્ન ?

 35900742781.jpg
- ડો. પ્રભુ
લેખક પરીચય - હિંદીના પ્રમુખ લેખક. નઈ દુનિયામાં નિયમિત રૂપે તેમની વાર્તાઓ વગેરે પ્રકાશિત થતી રહે છે, સાથે જ વિવિધ પત્ર-પત્રિકાઓમાં પણ રચનાઓ પ્રકાશિત થાય છે.*************************************

બે દિકરીઓના લગ્ન કરીને પિતા દેવામાં ડૂબી ગયાં હતાં. હવે ત્રીજી દિકરીના લગ્નની મુશ્કેલી તેમને દિવસ-રાત સતાવી રહી હતી. યોગ્ય મુરતિયાની તપાસ કરવા પાછળ જે થોડા ઘણા વાસણો અને ધરેણાઓ વધ્યાં હતાં તે પણ વેચી દેવા પડ્યાં. પિતા પોતાના દુ:ખને વ્યક્ત કરી શકતા ન હતાં. પરંતુ ચૂપચાપ બેઠેલી દિકરીએ વૃદ્ધ બાપની મનોવેદના મનોમન જાણી લીધી.

છેલ્લે એક દિવસ અજાણ બનીને તેણે બુંદેલીની આ કહેવત -
બિન બ્યાહી બેટીયા મરે, ઠાઁડી ઈખ બિકાય. બિન મારે બૈરી મરે, જે સુખ કહે ન જાએ. (અર્થાત દિકરીના લગ્ન થાય તે પહેલા જ તેનું મૃત્યું થઈ જાય, ખેતરમાં ઉભી શેરડી વેચાઈ જાય અને શત્રુ માર્યા વિના જ મરી જાય, આ ત્રણથી જે સુખ પ્રાપ્ત થાય તે સુખ અવર્ણનીય હોય છે.) પિતાને વાચવાં આપી અને પોતાની અંતરવ્યથાને દબાવતા પ્રશ્ન કર્યો કે -’પપ્પા, જો હું વિવાહ કર્યા વિના જ મરી જાઉ તો શું તમને આવા સુખનો અનુભવ થશે ?’

દિકરીનો આ પ્રશ્ન તિક્ષ્ણ તીરની માફક પિતાના હ્રદયમાં ઉતરી ગયો, અને દિકરી વિચારતી રહી કે આવી કહેવતો શા માટે રચાતી હશે.

(

May 20, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

દિકરીઓ

 imagescalru6zc.jpg
- લલિતા ખાનવલકર
લેખક પરીચય - હિંદીના પ્રમુખ લેખિકા. નઈ દુનિયામાં નિયમિત રૂપે તેમની વાર્તાઓ વગેરે પ્રકાશિત થતી રહે છે, સાથે જ વિવિધ પત્ર-પત્રિકાઓમાં પણ રચનાઓ પ્રકાશિત થાય છે.

*******************

વિમાતાના સતત દુર્વ્યવહારથી કંટીળી હોવા છતાં સૌમ્યાનો વ્યવહાર તેમના પ્રત્યે અલગ જ પ્રકારની મીઠાશથી ભરેલો રહેતો હતો. જાણે દરિયાના ખારા પાણીની બાષ્પને ગ્રહણ કરીને પણ વાદળ મીઠા પાણીનો વરસાદ ન કરતો હોય.

બહુ નાની ઉંમરમાં જ તેની પોતાની માઁનો પ્રેમ ગુમાવી દીધો હતો, પરંતુ પોતાના નામને સાર્થક કરવાનો આત્મબોધ નાનપણમાં જ કેવી રીતે મેળવી લીધો હતો એ તો ભગવાન જ જાણે ! વિમાતાની પુત્રી ગ્રામ્યા પર પણ તે અખંડ સ્નેહ ધરાવતી હતી, અને તેના વાકબાણ, તિરસ્કાર, અપમાન સહર્ષ સહન કરી લેતી હતી. વિમાતાનાં રંગમાં રંગાયેલા પિતાના કડવા વચનોને પણ આંખ આડા કાન કરી સહન કરે જતી હતી.

સમય વિતતો ગયો. ધીમે-ધીમે બન્ને દિકરીઓ બાળપણમાંથી યુવાન થઈ લગ્ન સંસારમાં પગલા માડી લીધા છે. સૌમ્યાની સાસરું પડોશમાં જ હતું એટલે તેને વિદા કરી તેમ કહી પણ ન શકાય. ઘર કી મુર્ગી…. ગ્રામ્યાના ઘર-વર દૂર હતા, વાગતે-ગાજતે, ભોજન સમારંભ યોજવામાં આવ્યા અને અઢળક દાન-દહેજ આપી તેને વિદાય કરવામાં આવી.

હવે માઁ-બાપના આયુષ્ય ખૂટી રહેવા આવ્યાં હતાં ગમે ત્યારે કંઈને કઈ શારિરીક મુશ્કેલીઓ રહ્યા કરે છે. સાવકી દિકરી પાડોશમાં જ હતી, સહજ રીતે જ તેમની સેવાની જવાબદારી તેણે ઉપાડી લીધી. પ્રેમ અને કોઈ પણ સ્વાર્થની આશા રાખ્યા વિના તેમની સેવા કરતી હતી. દૂર રહેતી દિકરી ક્યારેક ખબર અંતર પૂછવા માટે આવતી હતી. થોડી વાતચીતથી જ માઁ-બાપ તેમને ધન્ય સમજી લેતા હતા. નાની દિકરી દૂરથી ચાર દિવસો માટે રહેવા માટે આવી છે તો તેને આરામ મળે તેવી અપેક્ષા સૌમ્યા પાસે પણ રખાતી હતી.

અચાનક એક દિવસ માઁનું અવસાન થઈ ગયું. મોટી દિકરી એક પળવાર પણ માઁ પાસેથી પ્રેમ પામી નહોતી છતાં ખૂબ દુ:ખી થઈ ગઈ. આસુંઓના સાગર છલકાવા લાગ્યાં હતા. નાની દિકરીને આ સમાચાર મોકલાવામાં આવ્યાં હતા., તેના આવવાની રાહમાં પાર્થીવ દેહને ઘરમાં રાખવામાં આવ્યો હતો. જેવી નાની દિકરી આવી કે તરત જ દુ:ખથી વિહવળ બનેલી સૌમ્યા તેને ભેટી પડી અને રડતા રડતા કહેવા લાગી, ‘ગ્રામ્યા, આપણી માઁ આપણને મૂકી ચાલી ગઈ… હવે આપણે કોને માઁ કહીને બોલાવીશું ?

સૌમ્યાના દુ:ખને નકારી કાઢતી ગ્રામ્યાએ તોછડાઈથી કહ્યું, ‘તારી માઁ તો ક્યારનીય મૃત્યું પામી છે. આજે તો મારી માઁનું મૃત્યું થયું છે.

May 15, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 4 Comments

બાપના આંસુ !!

sundari_gujarati_cb71.jpg 

બાપની ગમે તેવી કઠણ છાતી હોય પણ દિકરીનો  પ્રેમ એને બરફની જેમ પિગળાવી દે છે.બાપ-દિકરીનો પ્રેમ દુનિયામાં એક અનોખો પ્રેમ છે જેને  કોઈ પ્રેમની કક્ષામાં મુકી ન શકાય.આવા અદભુત પ્રેમની અહીં  વાત છે.ઘટના કરુણ છે! હ્રદયને સ્પશૅ કરતી બાપની આ વાત છે!

                   ચૌદ વરસની દિકરીનું અચાનક અવસાન થાય છે, બાપની લાડલી,એકની એક સંતાન, પરી જેવી દિકરીની  અચાનક વિદાય! એ ઘા ઘરમાં કોઈ ને કેમ સહન થાય !. જે દિકરી, પાણી માંગે તો દૂધ આપે, કદી કોઈ વાતની  ખોટ નહીં પડવા  દિધેલ એવી વ્હાલસોય દિકરીની આવી અચાનક વિદાયે બાપને ગાંડા જેવો બનાવી  દીધો!  કશું ખાવા-પીવાનું ભાવે નહીં, કામમાં મન લાગે નહીં! બસ દિકરીને યાદ કરી રડ્યાં કરે! આંખમાંથી આંસુ બંધજ ન થાય ! એજ બાપને એ દિવસ સ્વપ્ન આવ્યું ! ગરબાના દિવસો હતાં.સૌ નવા-નવા ઘાઘરા-ચોળી ને નવ-રંગી ચુંદડી પહેરી, હાથમાં દિવડો લઈ  ગરબા લેતા હતાં. એની ચૌદ વરસની દિકરી પણ એની બેન-પણી સાથે ગરબામાં ઘૂમતી હતી. બાપ ખૂશ થઈ તેણીને નિહાળી રહ્યો હતો ! બાપની નજરમાં એક વસ્તું જોઈ કે પોતાની દિકરીનો દિવડો વારં વાર ઓલવાઈ જતો હતો..અને દિકરી  આને લીધે  થોડી મુંઝવણમાં હતી..બાપે દિકરીને પોતાની પાસે બોલાવી, કહ્યું..”દિકરી તારો દિવડો વારં-વાર કેમ ઓલવાઈ જાય છે !” દિકરી એનો જવાબ આપે છે..
 ” બાપુ ! તમારા આ આંસુ   દિવડાને ઓલવી દે છે!! તમારા આંસુ બંધ થાય તો આ દિવડો પ્રકટે ને?

                ત્યાંજ અચાનક બાપની આંખ ખુલી જાય છે!      આંખના આંસુ લુછી નાંખે છે…. 
(સાંભળેલી  ઘટના )..

April 13, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 6 Comments

શ્રેષ્ઠદાન

thumbnail8.jpg 

  પાછલી રાત હતી. પરોઢ થવાને વાર હતી. આખા નગરમાં શુનકાર વ્યાપી રહ્યો હતો. આખા શહેરમાં શાંતી પથરાઈ હતી.શહેરમાં નાના-મોટા સૌ ભર નિંદ્રામાં હતા.
                એજ સમયે નગરના રસ્તા પર  કોઈ એ સાદ પાડ્યોઃ ” નગરનાં નર-નારી ઓ જાગો છો કોઈ ? ભગાવાન બુધ્ધ નામે ભિક્ષા માંગુ છું, કોઈ આપશો ?”
                 એમ બોલતો બોલતો તે  ભિખ્ખુ ચાલ્યો જતો હતો.બુધ્ધ ભગાવાનનો શિષ્ય મહાભિખ્ખુનો સાદ સાંભળી નગરના બધા નર-નારી ઊઠી ગયાં. ઉંચી, ઉંચી અટારી , ઉંચા ઉંચા મહેંલ માંથી કોઈ એ કિંમતી રત્નો, આભુષણો, સોનાના દાગીના , તો કોઈ સ્ત્રીઓ એ પોતાના ગળા માંથી કિંમતી હિરા-મોતીના હાર! લક્ષ્મીનો વરસાદ વરસવા લાગ્યો ! વસ્ત્રો, આભુષણોથી આખો રાજ્યમાર્ગ છવાઈ ગયો.આ બધી વસ્તું ની અવગણના કરી ભિખ્ખુ તો આગળ વધ્યો. અને બોલ્યે જતો  હતોઃ “બુધ્ધપ્રભુને નામે કોઈ ભિક્ષા આપશો ?” આ બધી કિંમતી લક્ષ્મી હોવા છતાં તેનું  ભિક્ષા-પાત્ર ખાલી  હતું.
                આખું  નગર વિચારવા લાગ્યું કે આ ભિખ્ખુ ને જોઈ એ છે શું ? એ શું માગે છે ? કોઈ   ચીજ-વસ્તું ને અડકતો નથી !! શેરીએ શેરીએ ફરતો જાય છે. સૌને નવાઈ
લાગે છે કે એ કેમ કશી વસ્તુંનો  સ્વીકાર કરતો નથી !
ભિક્ષા માંગતા, માંગતા સવાર  થઈ ગઈ..બપોર થઈ ! છતાં પાત્ર ખાલીજ  હતું! આગળ જતા એક વેરાન   અને ઉજ્જ્ડ જગ્યા એ એક સ્ત્રી એ એમનો સાદ સાંભળ્યો, એ સ્ત્રી સાવ ગરીબ હતી, શરીર પર માત્ર એક ફાંટેલું વસ્ત્ર હતું એ બોલી..” ભિખ્ખુ જરા થોભો, આ બાજુ આવો, મારા ગરીબનું કાંઈક આટલું લેતા જાઓ” એમ કહી ઝાડ પરથી એક ઝોળી ઉતારી એમાંથી એક ફાટેલું વસ્ત્ર ઉતારી ને પેલા ભિખ્ખુની ઝોળીમાં મૂકી દીધું..ભિખ્ખુ ને જે પ્રકારનું દાન જોઈતું હતું તે મળી ગયું..તે ફાટેલા વસ્ત્રને માથે ધરી, ભગવાન બુધ્ધને ખોળે ધરવા ભિક્ષુ ચાલ્યો હયો.

-પ્રહલાદ પારેખની કવિતા” શ્રેષ્ઠદાન ” પરથી

March 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

પ્રાથૅના/બંદગી

4k9dcaob35cmcan20pumcao1758pcaiexoq3cayvgaa9caqu1wozca6dsc63ca63i2excam44vbvca75dkzkca6fmjdqca7959ogca7iy7cxcajgemtbcawt1y9zcarxh9ewcaraiwdmcapy6viwcap35p28.jpg

બાબર નામે એક બાદશાહ હતો.તે દિલ્હીમાં રાજ્ય કરતો હતો.તેને ચાર દિકરા હતા. તેમાં  મોટો
હુમાયુ હતો. બાબરને બધા દિકરા વહાલા હતા. પણ હુમાયુ ઉપર તેનું હેત વધારે હતું.
       એક વખત હુમાયુ સખત માંદો પડ્યો.બાબર બાદશાહ હોવાથી દવા દારૂ માટે પૈસાની ખોટ ન હતી.સારા સારા વૈદો અને હકીમોની દવા કરી પણ હુમાયુ ને કોઈ દવાથી આરામ  થયો નહિ. માંદગી દિવસે દિવસે વધતી ગઈ.તાવ ઓછો થાય અને હુમાયુ ને આરામ થાય એમ માની
બાબરે ધમૅદાન કર્યા, ગરીબોને અન્ન-વસ્ત્રો આપ્યા, પણ હુમાયુ ને કશો ફેર પડ્યો  નહિ.
     હુમાયુની માંદગી ઘણીજ વધી ગઈ અને તે એક બે દિવસનો મહેમાન છે એવું સૌ ને લાગ્યું.
બાબર હુમાયુના બિછાના  પાસેથી જરા પણ ખસતો નહિ.તેની ભુખ તરસ ઊડી ગઈ હતી.શું કરવાથી હુમાયુની જિંદગી બચે તેની રાત દિવસ ચિંતા કરતો હતો.
    એવામાં એક ફકીર આવ્યો.  તેણે હુમાયુને જોઈ બાબરને કહ્યું, “હે બાબર, તું તારી પાસેની સૌથી મુલ્યવાન વસ્તુ ખુદાને નામે દાન આપે, તો તારો પુત્ર સાજો થાય.હીરાનો એકાદ હાર આપી દે.”
    બાબરે કહ્યું” હીરા કરતાતો મારો જાન વધારે કિંમતી છે. તેજ ખુદાને અપૅણ કરું” એમ કહીં ખુદાનું ધ્યાન ધરી ને બોલ્યો,”હે ખુદા, મારા હુમાયુને સારો કર. અને તેનું બધું દુઃખ મને આપી દે, હું મારો પ્રાણ તને અપૅણ કરું છું”
   ખુદાએ બાબરની બંદગી(પ્રાથૅના) સાંભળી હોય તેમ તેજ દિવસથી હુમાયુ ને આરામ થવા માંડ્યો. છેવટે હુમાયુ તદ્દન સાજો થઈ ગયો, પણ બાબર તે વખતથી માંદો પડ્યો અને આખરે ગુજરી ગયો..

************************

“પ્રાથૅના એટલે પરમાત્મા સાથે ગોઠડી, પરમાત્માનું ચિંતન અને અનુભવ” સ્વામી રામતીથૅ

February 28, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments

મોતનો ભય

imagesca8ouehl.jpgimagescah7c7do.jpg 

એક ભયંકર જંગલ હતુ. એ જંગલમાં થઈને એક વિકરાળ રસ્તો જતો હતો.એક વાર એક  મસ્તરામ સાધુ પુરૂષ એ રસ્તે આવી ચડ્યા. પ્રભુના ગુણાનુવાદ ગાતાં ગાતાં નિશ્વિત મનથી એ તો આગળ બધી રહ્યા હતા.ત્યાં એક નવાઈ ની વાત બની. એક વિચિત્ર પ્રકારની બિહામણી આક્રુતી તેમની નજરે પડી.કાચો પોચો માણસ તો ઉભો ને ઉભોજ ફાટી પડે. એવી બિહામણી એ આક્રુતી હતી. પરતું જેને પ્રભુ પર  પુણૅ ભરોસો હોય તેને વળી ભય કેવો ? એટલે સહજ પણ ગભરાયા વિના, તેમણે  પેલી આક્રુતીને પૂછ્યું.. “તું કોણ છે?” સામે થી જવાબ મળ્યો ;”હું મરકી છું. સામે ના શહેરમાં  જા ઉંછું “. “ત્યાં જઈને શું કરીશ  તું “? “મળેલા આદેશ મુજબ લગભગ પાંચેક હજાર માણસોનો મારે જાન લેવાનો છે.” પહેલો માણસ કઈ કહે તે પહેલાં તો  પેલી આક્રુતી અદ્રશ્ય થઈ ગઈ ને આક્રુતી ક્યાં ગઈ કશો ખ્યાલ ના રહ્યો.

     થોડા દિવસ બાદ , એજ રસ્તે , એજ માણસને  પેલી ભેદી આક્રુતી નો ફરીથી ભેટો થઈ ગયો. પેલા માણસે તેને રોકી ને ફરીથી પૂછ્યું ;” આલ્યા , તું તો ભારે જુઠો માણસ નીકળ્યો . તે દિવસે તું મને આબાદ છેતરી ગયો.”- ” જુઠું બોલવાનું કામ તો તમારી દુનિયાના લોકોને સોપ્યું છે.અમે તો સાવ સાચું બોલવાના સોગંદ લીધા છે.”
   “તો પછી તું એક વાત નો ખુલાસો કર . તે દિવસે પાંચ હજાર ને બદલે પચાસ હજાર માણસો નો જાન  કેમ લીધો હતો ?”

 ” તમને  કહ્યાં મુજબ મેં તો માત્ર પાંચ હજારનાજ જાન લીધા હતા. બાકીના માણસો તો મરકીના ભયથી જ મરી ગયાં  હતા. ભયમાં મરે એમાં મારો શો દોષ ? ” ****સંત- “પુનિત”    

February 14, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | 2 Comments