જિગર જોષી”પ્રેમ”
પહાડોએ કદી લૂંટ્યો, કદી પડ્ઘાએ લૂંટ્યો છે,
કદી ઈચ્છા ગઈ લુંટી, કદી શમણાએ લૂંટ્યો છે.
અનોખી ભેટ આપી છે તમે આ રાહ ચીંધીને,
દિશાઓએ કદી લૂંટ્યો, કદી નકશાએ લુંટ્યો છે.
નથી અક્બંધ હું જીવ્યો, સલામત હોઉં હું ક્યાથી?
કદી તૃષા ગઈ લૂંટી, કદી ઝરણાએ લૂંટ્યો છે.
કરમ છે બેઉના સરખા, દુઆ બન્નેની સરખી છે,
કદી પાયલ ગઈ લૂંટી, કદી પગલાએ લુંટ્યો છે.
ફકીરી હાલ આ કંઈ ‘પ્રેમ’ના અમથા નથી યારો,
કદી મંઝીલ ગઈ લૂંટી , કદી રસ્તાએ લૂંટ્યો છે.
રંજીદા પતિ યાને Ten commandments
કામ કંઈ જાતે કરી લો, ના મને વહેલી જગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
ચોતરફ કચરા પડ્યા છે, હાથમાં ઝાડું ઉપાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથ શું ભાંગી ગયા છે? આમ કાં વાસણ પછાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
બાબલો રોયા કરે છે, ચોપડા મૂકો રમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથમાં ન આવે રમકડાં, તો પછી થાળી વગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
વાંક દેખુ માત્ર છો? જાતે કશું રાંધી બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
દોસ્ત છે તો શું થયું, જઈ લોજમાં એને જમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ સાચું બોલજો, કાં આટલું અત્તર લગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ બહેરા થઈ ગયા છો, કોઈ ડૉકટર ને બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
છે ખબર ? પેઘે પડ્યો છે તુર્ત ’આશિત’ ભગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
- આશિત હૈદરાબાદી
ફેંકીએ-ભગવતીકુમાર શર્મા
પહેલાં તો ખુદની જાતને પડકાર ફેંકીએ,
શત્રુની સામે તે પછી તલવાર ફેંકીએ .
એ પ્રેમનું નગર હો કે ઈશ્વરનું ધામ હો,
ત્યાં પહોંચતા પહેલાં અહંકાર ફેંકીએ.
જીતી જવું હો સત્યની સામે તો દોસ્તો!
જૂઠાણાં ભર અદાલતે દસ-બાર ફેંકીએ.
વેચોં , ખરીદો, ગિરવે મૂકો શક્ય છે બધું,
માણસની સામે રોકડા કલદાર ફેંકીએ.
આખી મનુષ્યજાતને ભ્રમણામાં રાખવા,
આકાશમાંથી બે નવા અવતાર ફેંકીએ.
સુંદર શે’ર–’આસિમ’ રાંદેરી
કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?
સહેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.
મુજને દુનિયાય તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખનો ઈશારો તો નથી?
લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘અસિમ!
મારી’લીલા’ મારી તાપીનો કિનારો તો નથી!
પ્રશંસામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.
અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી હોતી.
ગઝલ એવીએ વાંચી છે અમે ‘લીલા’ની આંખમાં,
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.
અનુભવ એ ય ‘આસિમ’મેં કરી જોયો જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
એક ગઝલ-”નયન” ગાંધી
તને આખું ચમન છોને જુએ છે ખૂબ ધારીને,
તને હું બાગમાં લાવ્યો નઝર એની ઉતારીને.
દવા સામે નથી મારી કદી શિકાયત પણ,
ભલા તું એક વેળા તો તપાસી લે, બિમારીને.
મિલનમાં પણ વિરહની વેદનાઓ યાદ આવે છે,
ફરી કંપે બદન, એના વિશે પાછું વિચારીને.
ખબર છે કે કદીયે જાન મારો તું નહીં માગે,
કરું છું એટલે વાતો મહોબતની વધારીને.
મને એની ખબર ક્યાંથી પડે કે શું લખું છું હું,
‘નયન’ તું ગોઠવીને વાંચજે કાગળ સુધારીને.
સાંપડે…
યક્ષ વિરહીને ય કોઈ દૂત વાંદળ સાંપડે,
એમ મરિયમનો મને આ રિકત કાગળ સાંપડે.રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડા,
ફૂલપાંદડીએ પરોઢે સ્હેજ ઝાંકળ સાંપડે.આભઊંચા કો’ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયના મ્હેલની તો બંધ સાંકળ સાંપડે.ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે.સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ કાશ અંજળ સાંપડે.એકસરીખું દ્ર્શ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં-
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે.-હાર્દિક વ્યાસ
કબર બાંધો નહીં….
આશ એની ઉમ્રભર બાંધો નહીં,
રેતના રણ માંહે ઘર બાંધો નહી.
આપ શણગારો અમારી જિંદગાની,
નિત નોખાં નગર બાંધો નહીં.
લાજ લૂટો મા! તમે એકાંતની.
મુજ ક્બર પાસે કબર બાંધો નહીં.
ત્યાંય સળગાવી છે એણે એ દોઝકો,
આપ મરવા પર કમર બાંધો નહીં.
અમને છોડી દો અમારા હાલ પર,
આપ આવીને નજર બાંધો નહીં.
ક્યાંક સૂરજને કમોતે મારશો,
ઓ ‘જલન’ છોડો સહર બાંધો નહી.
-જલન માતરી
એકલાં લૂંટાઈ જઈએ!
કોને કહી શકીએ જો એકલાં લૂંટાઈ જઈએ?
કોઈની જાળમાં કદાચ ઓ ફસાઈ જઈએ!
ક્યાંથી નભે વિરોધ, રોષ એક છાંયડામાં?
મનાવે કોણ કોણ ફરી જો રિસાઈ જઈએ?
હવાલો થઈ ગયા પછી હૈયાની આરઝુને,
શાને પરાઈ નિંદમાં નાહક તણાઈ જઈએ?
પોતાનો હક તણો અમૂલ્ય લાભ ખાટી લેતાં,
કેવું ખરાબ લાગે જો અમથાં ચિઢાઈ જઈએ?
પ્રભૂ આશરે મળેલ સાથીદારને તજીને,
બીજાને ખોળીને વધારે શું કમાઈ જઈએ?
નિજ યોગ્ય સૌમ્યના પતીલ બાહુપાશમાં રહે,
ખોવાઈ ન જઈ એ તો બેવડાં ઠગાઈ જઈએ.
-પતીલ
સિકદંર લાગું..
આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું મોતી લૂંટાવીને સમદંર લાગું.
ફૂલ હોવાની ખૂમારી છે મજાની મિત્રો,
દિન ખૂદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખૂલ્લા હાથોને ધખારો કે સિકદંર લાગું.
ઓશ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું , ઈશ્ક નથી ઈશ્વર લાગું.
-શૂન્ય પાલનપૂરી
જોયા કરું…
ભવનો તરસ્યો હું ઠગારાં વાદળાં જોયા કરું,
આંખડી લ્હોયા કરું ને ઝાંઝવાં જોયા કરું.
આવશે તો એકદિ’ એની નજરમાં આ દશા,
આંધળો વિશ્વાસ એની આંખમાં જોયા કરું.
કોણ જાણે ચિરપરિચિત હોય જખ્મો એ બધા,
હું સિતારાઓ ગણીને આસમાં જોયા કરું.
જિંદગીમાં દર્દનો આવો નશો કાયમ રહે,
જે મળે છે ભાનમાં બેભાનમાં જોયા કરું.
દુર્દશા તો થાય છે બન્ને જણાંની શું કરે?
એ, મને જુએ અને હું ખ્વાબમાં જોયા કરું.
રાહ મારી આપ સામા તટ ઉપર જોતાં હશે,
એ ખયાલોમાં તમોને ક્યારના જોયા કરું.
શાપ પણ કૈં કેટલી વેળા બને અશીર્વચન,
આપના જુલ્મોમહીં હું તો વફા જોયા કરું.
મુજને તો એની દશાનો ખ્યાલ છે ‘મેહુલ’ ઘણો,
એટલે દિનરાત એને ધ્યાનમાં જોયા કરું.
-સુરેન ઠાકર -મેહુલ’
અમને દોડાવ્યા…
ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.
અમે ક્યાં જઈ રહ્યાં. ક્યાં પહોચશું, એની ખબર ક્યાં છે;
અમારી ફરતું કાયમી આવરણ દઈ અમને દોડાવ્યા.
દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથમાં રહેનારું;
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.
અહિ આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ્;
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.
બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશા ઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.
ખબર જો હોત કે આવું રૂપાળું છે ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.
ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તે-
થયું સારું કવિતા ચરણ દઈ અમને અમને દોડાવ્યા.
-મનોજ ખંડેરીયા
મન ભાવક શે’ર-’રાઝ’ નવસારવી
આવ્યા છો મારી પાસ તમે એ નવાઈ છે,
નહિતર નદી જતી નથી નાના ઝરણ સુધી.
આભાસ થાય છે ને અનુભવ થતો નથી,
જીવું છું એવી રીતે કે જાણે છું ખ્વાબમાં.
બેઠાં બેઠાં જ્યાં ઉદાસ આંખે ગગન જોતો રહું,
છત વિનાનું એક એવું ઘર હશે તો ચાલશે.
એકલતા દૂર કરવા બહાનું તો જોઈએ,
શોધી રહ્યો છું ચાંદ સિતારા મકાનમાં.
હું જાણું છું કે તારા ઘર સુધી લંબાય છે રસ્તો,
ખબર કોઈને ક્યાં છે તે પછી ક્યાં જાય છે રસ્તો.
તારા વિશેનો પ્રશ્ન અનાદીથી એક છે,
કિન્તું મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
શંકા થઈ રહી છે મને મારા દુઃખ વિશે,
જેને મળું છું , મારા બધા મહેરબાન છે.
કારણ વિના આ લોકો તો ટોળે વળે નહીં,
ઘટના બની છે કંઈક તો મુજ ઘરની આસપાસ.
એક સુંદર ગઝલ-ડૉ.રશીદ મીર
ઘરેથી નીકળો તો રાખજો સરનામું ખિસ્સામાં,
મળે છે કોણ જાણે કેવા ઝંઝાવત રસ્તામાં.
ગમે તે રીતે એનું મૂલ્ય ચુકવવું પડ્યું અંતે,
અનુભવ ક્યાં મળે છે કોઈને ક્યારેય સસ્તામાં.
અગર બેસી રહો ઘરમાં તો એનો થાક લાગે છે,
અને ચાલો તો ઘરની યાદ તડાપાવે છે રસ્તામાં.
હતો મારો ય હક્ક સહિયારા ઉપવનમાં બરાબરનો,
મગર કાંટા જ કાંટા એકલા આવ્યા છે હિસ્સામાં.
રહ્યો ના ‘મીર’ કોઈ સાર હું નીકળી ગયો જ્યાંથી,
હતી મારા જ કારણ તો બધી ઘટાનાઓ કિસ્સામાં.
-રશીદ મીર ( ૧૬-૧૧-૧૯૯૭)
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.
















