છેડછાડ-’નાઝિર’દેખૈયા

બિન્દુ ઝાકળનાં , ન કરજો કંઈ સુમનની છેડછાડ;
આંસુઓ શીખી જશે કરતાં નયનની છેડછાડ.
ખૂબ કીધી’તી તમે એના જીવનની છેડછાડ;
લાશને ઢાંકો હવે છોડો કફનની છેડછાડ.
એ વીતેલા સહુ પ્રસંગોની મજા લેવા ફરી;
મારે ખુદ કરવી પડી મારા જ મનની છેડછાડ.
કંટકોએ વીફરી પાલવ ચીરી નાખ્યો તુરત;
મેં હજુ કીધી જરા એના સુમનની છેડછાડ.
એમની આદત મુજબ ઠોકર લગાવી કબ્રને;
હું તો સમજ્યો’તો કે છૂટી પ્રિયજનની છેડછાડ.
છે નજીવું કિન્તુ આકાંક્ષા તો ‘નાઝિર’જોઈલો ;
આજ રજકણ જાય છે કરવા ગગનની છેડછાડ.


