રખડવા નીકળ્યો છું

રખડવા નીકળ્યો છું.
તરસ ને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.
વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.
ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ;
એકાદ બે બટકાં લેઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.
શી છે કમી ? જહાંગીર છું,
-ને જહાંનું નૂર આ સામે ખડું!
-પ્રહલાદ પારેખ (૧૨-૧૦-૧૯૧૨-૦૨-૦૧-૧૯૬૨)




Very nice Gazal