"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભગવાન…

10

ભગવાન
રિપલાઈ પોસ્ટકાર્ડ લખી
ક્યાં પૂછે છે
તારે જન્મવું છે?
તારે ક્યાં અને ક્યારે મરવું છે?
પોસ્ટ ઑફીસ ક્યાં આવી
તેની
ભગવાનને
કદાચ ખબર નહિ હોય…
***************
ભગવાન
પાગલ છે , એની પાગલતા
સમસ્ત બ્રહ્માંડમાં
વિસ્તરી છે
બ્રહ્માંડ હવે બ્રહ્માંડ નથી
એક પાગલખાનું છે.
***********
ભગવાન
હજાર નામ ધરાવે છે
પણ
એ બિચારાની
એક પણ અટક નથી
નામ: ૧૦૦૦
અટક:૦
**************
ભગવાને
પોતાની આંખોમાં
મરચાં ભભરાવ્યા છે,
સંતો ચીસો પાડી રહ્યાં છે
ભગવાન બાધેર છે…
એ કાંઈ સાંભળવા પણ નથી
માંગતો….

-શેખ આદમ આબુવાળા

February 28, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

અમેરિકાના બાળસાહિત્યકાર રાષ્ટ્ર્પતિ..બરાક ઓબામા

obamamos0202_468x365 

     બરાક ઓબામાએ નવો ઈતિહાસ રચ્યો છે. એક શ્યામવર્ણ પિતાના સંતાને વિરાટ રાષ્ટ્ર અમેરિકામા સર્વસત્તાધારી રાજકીય પદ મેળવ્યું છે.ઓબામાની આ પ્રગતિમાં એમનાં પુસ્તકોનો ફાળો મોટો છે. ૧૯૯૫માં એમનું પુસ્તક ‘ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર’(મારા પિતા તરફથી સાંપડેલ સ્વપ્ન) પ્રગટ થયું.ખૂબ વખણાયું.ઓબામાને એણે પ્રતિષ્ઠા અપાવી.સેનેટપદ અપાવ્યું.સમજદારોને લાગ્યું કે આ માણસ હજુ વધારે મોટો માણસ થવાનો છે. એટલે ૨૦૦૪માં એક પ્રકાશકે એમની સાથે ત્રણ વિશેષ પુસ્તકો માટે કોન્ટ્ર્કટ કર્યો.એમાંથી પ્રથમ પુસ્તક ‘ધી ઑડેસિટ ઓફ  હોપ’(ધૃષ્ટતા આશાવાદની)૨૦૦૬ના ઓકટોબરમાં પ્રગટ થયું. હજુ આજે પણ એ બેસ્ટ સેલર રહ્યું છે.  પુસ્તકે ઓબામાને રાષ્ટ્ર્પતિ પદે  ચૂંટાવામાં ઘ્ણી મદદ કરી.

 હવે ખરી મજાની વાત આવે છે, ઓબામાએ બીજા પુસ્તક તરીકે બાળસાહિત્યનું એક પુસ્તક આપવાનું વચન આપ્યું છે. સહલેખિકા એમની પત્નિ મીશેલ રહેશે. પુસ્તકમાં શું હશે એની કોઈને ખબર નથી! પરંતુ હવે આખી દુનિયા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્ર્ના વહીવટી વડાના બાળસાહિત્યની રાહ જોશે.

સૌજન્ય: ઉદ્દેશ

February 27, 2009 Posted by | ગમતી વાતો | 2 Comments

નારી! તું તારિણી

pic12

સ્ત્રીની પારેવારિક ભૂમિકા…


 જીવન કદીય એકલાં જીવી શકાતું નથી. ડગલે ને પગલે જીવને બીજા લોકોની જરૂર પડે છે. જીવને ગર્ભસ્થ થવા માટે મા-બાપ જોઈ એ, ગર્ભાશય જોઈ એ.સંબંધ એ જીવનનો સરવાળો છે.
     ઘર અને પરિવાર નારી જાવનનાં મહત્વનાં ઘટક ગણાય છે. ક્યારેક તો પરિવાર એ સ્ત્રીઓનું એકમાત્ર ક્ષેત્ર ગણાયું છે.એ ક્ષેત્રમાં સ્ત્રીની કેવી વિવિધ છબીઓ નિખરે છે તે જોઈ એ!સાથો સાથ સ્ત્રીની પારિવારિક સમસ્યાઓ પણ્.
      ગર્ભસ્થ જીવ છોકરો છે કે છોકરી એ જાણી શકાય તેમ છે, ત્યારથી ગર્ભસ્થિત નારી જીવન પર એક ભંયકર આફત ઊતરી આવી છે. ગર્ભની જાતી જાણી લીધા પછી પથરારૂપ દીકરીની ગર્ભહત્યા આજે સામન્ય બની રહી છે.મારી દ્રષ્ટિએ ભૃણહત્યાની આ ઘટના વિશ્વયુદ્ધથી નાની ઘટના નથી. આ યુદ્ધની ભૂમી છે-ગર્ભગાર.ગર્ભહત્યાને કારણે ગર્ભાગારની દીવાલોને ઠેકીને પેલે પાર કોઈ યંત્ર પર અંકાઈ જતી બાળ-ગર્ભની ચીસ કોઈને સંભળાતી નથી.
      અગાઉ તો નારી જીવનનો સત્કારસભર આવકાર નહોતો,પણ અહીં તો નારી ને જન્મવાની જ મનાઈ! સાવ અસ્વિકાર !! પછી પૃથ્વી પર નારી સહજ માધુર્ય, પ્રેમ , વાત્સલ્ય અને સમર્પણ ગંગા કેમ કરીને વહેતી રહેશે એનો જવાબ ક્યા સમાજશાસ્ત્રી પાસે છે?
      દીકરીનો જન્મ આટલો બધો અવાંછનીય કેમ? કારણ દીકરી પાણો છે. ભારરૂપ છે. એ માથાનો બોજ છે. સમાજના ધારધોરણમાં, ઉપયોગિતામાં દીકરી લેવાનો નહીં, દેવાનો સંબંધ છે. દીકરી દેણિયાત નથી, લેણિયાત છે. જમાઈ તો જાણે ભવ તારવનારો ભવનાથ! એના પગ તો ધોવા જ  રહ્યાં ! અનંત ઉપકાર એના કે એણે કન્યાદાન સ્વીકાર્યું, આખી જિંદગી એના ઓશિયાળા.
     માનસ ઘડ્વાની બીજી પ્રક્રિયા: ‘તારે ત પરણીને બીજે ઘેર જવાનું છે. ઘર તારુ નથી. તું તો પરાયું ધન છે’! સતત સાવધાન રખાય છે! દીકરી એ  ‘દાદાના આંગણમાં રોપો હોય શકે ,’ વૃક્ષ ‘ તો હરગીઝ  નહીં.
     ‘ડોસો’ કુંવારો સાંભળ્યો , પણ ‘ડોસી’ કદી કુંવારી ભાળી? આમ નારી જીવનમાં ‘અખંડ કૌમાર્ય’ ‘બ્રહ્મચર્ય’ની સંભાવનાની કૂંપળો જ ઊગે નહીં તેવી પરિસ્થિતિ સર્જાઈ.વૈદિક કાળમાં એવું નહોતું, એ કાળમાં એવી ઋષિકન્યાઓ નીકળી છે જે આજીવન બ્રહ્મચર્ય રહી છે.મધ્યયુગમાં તો નારીજીવનમાંથી ‘બ્રહ્મચર્ય’નો સૂરજ આથમી ગયો. તેમ છતાંય માનવમાં પડેલી અફાટ શક્તિ કરોડોને તોડીનેપણ ફૂટી નીકળવાનું જાણે છે એટલે મીરાંબાઈ,આંડાળ,મુકતાબાઈ,લલ્લાદેવી જેવી સ્ત્રીઓએ પોતાના જીવનમાં પરમની સાધનાને પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ તેમાંય જોઈશું કે માનસમાં’વિવાહ’ અને ‘પતિ’ એવા દ્રઢ આંકિત થઈ ગયાં છે કે મીરાંએ સંન્યાસનો માર્ગ અપનાવ્યો તો પણ ‘પ્રભુ’ને પતિરૂપે સ્થાપ્યા. ‘પતિ પુરુષની સંકલ્પનાનો આધાર એ છોડી ન શકી, કૃષ્ણ એનો ‘સાવરિયો’ પરમ્-પુરષ ‘મેરો પતિ સોહે’ બન્યો. આવું જ આંડાળનું છે એ ‘વિષ્ણુપ્રિયા’ બનીને જોગણ બની.

   જેવું આ લગ્નનું તેવું જ ‘માતૃત્વનું . ‘માતૃત્વ’નું  અપાર ગૌરવ છે, તેમાં તો કોઈ પ્રશ્ન જ નથી..નારી જાવનની સાર્થકતા માટે માતૃત્વ અનિવાર્ય ગણાય અને માતૃત્વ એ જ નારી જીવનું પૂર્ણ વિરામ બની શકે એ વધુ પડતું છે. માતૃત્વ એ નારી જાવનનું અલ્પવિરામ હોઈ શકે , પૂર્ણવિરામ તો કદાપિ નહીં

-મીરા ભટ્ટ (ભાવનગર)
( મારા મોટાબેન )

February 23, 2009 Posted by | ગમતી વાતો | 1 Comment

હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતાની સભા.

100_3700

(હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ..)

હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતાની સભા-૦૨/૨૧/૨૦૦૯


                  હ્યુસ્ટન  એક  રંગીલું  શહેર છે, જ્યાં ભાત-ભાતનાં, જાત જાતનાં સુંદર કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. આપણી ભારતિય સંસ્કૃતીના દર્શન આ શહેરમાં જોવા મળે. ગુજરાતીઓની પણ એક અનોખો રંગ છે.પરદેશ આવી આપણી માતૃભાષાનું જતન , ગુજરાતી સાહિત્યને આદર અને સન્માન કરતા ગૌરવ લે છે..હ્યુસ્ટન-ગુજરાતી સાહિત્ય સરિતા સંસ્થા આપણી માતૃભાષા,આપણી ગુજરાતી સંસ્કૃતીને જીવંત રાખવા મહત્વના ભાગ રૂપ છે.
           ગુજરાતી સાહિત્ય સરિતાની માસિક બેઠક ફેબ્રુઆરી,૨૧મી ને શનીવારે હ્યુસ્ટનના માનિતા સમાજ-સેવક શ્રી દિનેશભાઈ શાહના નિવાસ્થાને યોજવામાં આવેલ, જેમાં આ શહેરનાં ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપેલ.સભાનો દોર કવિયત્રી દેવિકાબેન ધૃવે સંભાળેલ,સમયને  સાથમાં લઈ કાર્યક્રમ રાબેતા મુજબ બપોરે બે વાગે ,ગુજરાતી સાહિત્ય સરિતાના સંચાલક જયંત પટેલે સૌને આવકારી આજની સભાનું સંચાલન દેવિકાબેનને આપી સભાની શરુયાત ન્યુજર્શીથી પધારેલ સુષ્માબેન શાહના સુંદર પ્રાર્થનાથી થયેલ.ગુજરાતી સાહિત્યના જાણીતા-માનીતા પ્રૌઢ કવિ-લેખક
શ્રી ધીરૂભાઈ શાહ જે હમણાંજ અકસ્માતની માંદગીમાંથી પસાર થઈ રહ્યા છે  તેમની સરળ શૈલીભરી કવિતા એમની પૂત્રવધૂ હેમંતી શાહે વાંચી સંભળાવેલ.જેના શબ્દો …’શબ્દ સુખ,શબ્દ દુ:ખ,શબ્દ આશા-નિરાશા આપે.’ જે આજનો મૂખ્ય વિષય હતો .”શબ્દ”. સાથે સાથ “ગાંધી તારો જય થશે’સુંદર કવિતા રજૂ કરી ગાંધીને શ્રદ્ધાજંલી અર્પી.

        રેખા બારડે  શ્રી ધીરુભાઈની જીવનની ઝરમરને વધાવતી વિશ્વદીપ રચિત કવિતા’મ્હેંકતા ફૂલ’ ગાઈ, કવિશ્રી હિમંતભાઈ શાહે પણ ધીરૂભાઈના કાર્ય અને સુંદર મિજાજ ને દાદ આપતી કવિતા..”આપની સરળતા  કપાળે ચાંદલો કરી જાય…ચંદ્રમાંથી સહજ શીતળતા ઝરે..રજૂ કરી ધીરુભાઈના  સુંદર સ્વભાવ, કાર્યને બિરદાવ્યા.

        ન્યુજર્શીથી પધારેલ ‘ગુજરાત ટાઈમ્સ” સંચાલક શ્રી રમેશભાઇ જાદવ આજની સભાના મૂખ્ય મહેમાન, જેમણે “શબ્દ” વિશે ઘણીજ વિગતવાર વાતો અને સમજ આપેલ..શબ્દની ઉત્પતી પહેલા ધ્વનીની ઉત્પતી..જે બાળક જન્મે તેની સાથે તેને આ દુનિયામાં શ્વાસ લેવા એની પીઠ થાબવડવામાં આવે..બાળકનો પહેલો ધ્વની..”ઊવા..ઊવા’  વાહ! સુંદર દાખલા આપી “શબ્દ”જ્ઞાન
નો ઊંડો ખ્યાલ આપેલ. હ્યસ્ટ્ન-સાહિત્યપ્રેમી પ્રજા અવિરત શાંતીથી સાહિત્યની મજા માણી રહી હતી..એક પછી એક કવિઓ સ્વરચીત કવિતા રજૂ કરી રહ્યાં હતાં એમાં  ઑસ્ટીનથી પધારેલ સરયૂબેન પરીખે  “સંતોષ_ વિશે મુકતક ,  ઉપરાંત આ શહેરના ખ્યાતનામ શાયર રસિક મેઘાણી એ..ઓ મારા  હ્ર્દય ક્યાં થાકી ગયો..બે ચાર પ્રલયની રાતોમાં’.વિરેન્દ્ર બેંકરે સુંદર વાંસળીના સુરે સૌ શ્રોતાજનોને મુગ્ધ કર્યા,નવિન બેંકરે રાજેન્દ્ર શુક્લની શબ્દ વિશે..”મનને સમજાવો નહી”, શૈલા મુનશા, નરૂદીન દેડીયા,મનોજ મહેતા, વિજય શાહ, અશોક પટેલ, વિશાલ મોનપરા અને વિશ્વદીપ  બારડની ભાવવિભોર કૃતીએ સૌને આનંદ-વિભોર કરી દીધા.

     વિજય શાહે એ હ્યુસ્ટન સાહિત્ય સરિતાની દિન-પ્રતિદીન વધતી પ્રગતીને વધુ આગળ ધપાવવા હ્યુસ્ટ્નના સ્થાનિક કવિઓને પોત્તાના સ્વરચિત કાવ્યો-વાર્તાનું પ્રકાશન થાય તેના માટે સૌને પ્રોતસાહિત કરેલ..હ્યુસ્ટન એ   અમેરિકામાં ગુજરાતી સાહિત્યનું એક  અગત્યનું કેન્દ્ર છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ શહેરમાં આગામી  મહિનાઓમાં એક સ્થાનિક કવિઓનો મોટો કાર્યક્રમ કરવો એવી પ્રસ્તાવના શ્રી દીપકે ભટ્ટે કરી એ આવકાર્ય હતી.તેજાણી,વરાલી સાહેબે જુદા જુદા સંપ્રદાય તેમજ આતકવાદના સુંદર ઉદાહણો આપ્યાં.નિરાલીબેને..’શબ્દ”ના અર્થ-ધટન, સુરેશ બક્ષીએ “સમન્વય” જેવી એક બુકનું પ્રકાશન સ્થાનિક કવિઓનું થવું જરૂરી છે એવી દરખાસ્ત મૂકી.
    આ આખી સભાનું સુંદર આયોજનનો યશ-જશ..સમયની સાચવણી સાથે , ‘શબ્દ” વિશે અવાર-નવાર ઊંડી સમજ આપનાર “શબ્દને પાલવડે”ના સર્જનહાર કવિયત્રી દેવિકા ધ્રુવને જાયછે.
સભા રાબેતા મુજબ સમયસર સમાપ્તિ,અને શ્રી દિનેશભાઈ શાહના લાગણી સભર ..હ્યુસ્ટ્ન-સાહિત્ય સરિતાનો આભાર સાથે તેમના ધર્મપત્ની હેમંતીબેને  સ્વાદિષ્ટ અલ્પાહારનું આયોજન અને ભોજનના સુમેળ સાથે સૌ  સાંજે પાંચ વાગે સભાનું વિસર્જન થયું.

 અહેવાલ: વિશ્વદીપ બારડ

February 22, 2009 Posted by | સ્વરચિત રચના | 2 Comments

રખડવા નીકળ્યો છું

 200782521161768338_vjchpt7ivagz

રખડવા નીકળ્યો છું.
તરસ ને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
       આજે આ ભટકવા નીકળ્યો છું.
વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
           કોઈ રંગીલું ગળું,
  આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ;
    એકાદ બે બટકાં લેઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
              ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
-ને જહાંનું નૂર આ સામે ખડું!

-પ્રહલાદ પારેખ (૧૨-૧૦-૧૯૧૨-૦૨-૦૧-૧૯૬૨)

February 20, 2009 Posted by | વાચકને ગમતું | 1 Comment

કૂવાકાંઠે…

211700904_378260e8bc_o1

સોળ સીંચણ બાર બેડલાં રે
      કૂવાકાંઠે   વહુવારુ  કરે વાત,
કિયે ઘડૂલે ઉગ્યો ચાંદલો ને
      કિયે ભમ્મર કાળી કાળી રાત;

બોલે ગોરાંદે બોલે સૈયરું રે
      કાંઈ  બોલે   પાડોશણ  નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
      કોણે લીધા ઉજાગરાના  ભાર;

કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે
    પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નીરખે રે
         હેલ્ય મોતીડે અભરે ભરાય;

ભારી જોબન ભારે ઝાટકા રે
       સરે  બેવડ  મશરૂનાં   ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
      અજાણયાં અદીઠાં વાગે તીર;

આઘી શેરી ને આઘી ઓસરી રે,
    આઘે આઘે બુઝારે બેઠા મોર,
ક્યારે ઉઠીને કયારે આવેશે  રે
     મારે   સગી નીંદર કેરો ચોર ?

-વિનોદ જોશી

February 19, 2009 Posted by | મને ગમતી કવિતા | 4 Comments

જન્મ દિવસે ઉદભવેલી વિચારમાળા.

  myspace-happy-birthday-comments-7
                         અઠ્ઠાવન વર્ષે નિવૃતી લીધી..શું ધ્યેય હતું ? મોડા ઉઠીશું..મોડા સુધી TV જોઈશું? ખાઈ-પી બસ મજા કરીશું! ના, નિવૃતીની પણ પ્રવૃતી ના હોય તો પછી રોગોને આમંત્રણ બહું જ સહેલાયથી આપી શકાય.મારું તો મૂખ્ય ધ્યેય એક ગુજરાતી સાઈટ , ગુજરાતીને જીવંત રાખવાની દરેક પ્રવૃતીમાં સક્રીય રહી..આ પવિત્ર ગુજરાતી સાહિત્ય સરિતાનો પ્રવાહ
અવિરત વહેતો રહે..સાથો સાથ બની શકે તો ..થોડી માનવ-સેવા! સાથે સાથ પ્રવાસ અને યોગાના  સહવાસ સાથે શરીરને તંદુરસ્ત રાખી જીવનના આ પ્રવાહને નિર્મળ્ રાખી એ..
                          ઉંમર વધવી એતો એક ઘટમાળ છે!  પ્રવાહને કદી રોકી ન શકાય..એક પછી એક જન્મ્ દિવસ્ આવ્યા કરે અને લાગે કે આપણાં જીવનનો એક દિવસ્ ઓછો થયો! ના, ના!!જે  દિવસો જતાં રહ્યાં એનો ક્ષોભ શું !!એને આનંદથી માણીયે. ભુતકાળના સ્મરણો યાદ કરી આનંદ-વિભાર બનીએ..એટલે કે જન્મ્-દિવસની ઉજવણી! ઉંમર સાથે થોડી મર્યાદા આવે એ હસતાં હસતાં સ્વીકારી  આગળ ધપવું, એનું નામ જિંદગી! કોઈ પણ sports-man હોય એ પછી Base-ball , Foot-ball કે  અન્ય રમત-ગમતમાં પ્રવૃત હોય તેની ઉંમર પ્રમાણે
૩૫-૪૦ થતા એને શરીર મર્યાદા આપે અને.. વીસ-વર્ષે જે સૌથી ચપળ-ચાલાક અને કાર્યશીલ હતો તેઓ   ચાલીશ વરસ બાદ ન રહે  તો એ શરીરની મર્યાદા એમણે સ્વીકારવાની રહે અને ચાલીશ વર્ષે નિવૃતી સ્વાકરવાની રહે..એ ખોટું પગલું નથી..પણ ચાલીશ વર્ષબાદ પ્રવૃતી બંધ કરી દે ..એ એમનાં હીતમાં નથી.ભલે એ આર્થિક દ્રષ્ટીએ સધ્ધર હોય! આજ પણ હજું યુવાની છું, મારી મર્યાદા એ મારી નબળાઈ નથી..શરીરનુ ઘસાઈ જવું..એ ક્રમ છે!એ નબળાઈ તો નથી જ..બસ માનસીક રીતે યુવાન રહી..અને ‘Be possitive all the time no matter what!” જીવન જે રહ્યુ છે એને હજું પણ લીલા તોરણથી, ગુલાબી રંગથી સજાવી આગળ ધપીએ..

                                          સાંઠ, પાસઠ કે એંસી…અવિરત આ  ઉંમરના પ્રવાહ સાથે આનંદીત રહી જે પણ પરિસ્થિતી આવે એને વધાવી શેષ જીવનને ઉજ્જળીત બનાવી આ માનવ-દેહ મળ્યો છે એ હીતકારી , યશદાયી, ફળદાયી છે, સાર્થક છે એ સંદેશ સૌને આપીએ.
                             
                                              
Traffic  jams

give me time

to do more

affirmations.

“આજનો જન્મદિવસ..એટલે મારા ભવ્ય ભૂતકાળની ઉજવણી”

February 18, 2009 Posted by | સ્વરચિત રચના | 7 Comments

કોઈ તારું નથી

godshands

સાવ  જુઠું   જગત      કોઈ  તારું  નથી,
મૂક સઘળી મમત     કોઈ  તારું નથી.

કોણ કોનું? અને એય પણ ક્યાં  લગી?
છે   બધું   મનઘડત    કોઈ તારું નથી. 

જે     પળે   જાણશે     સોંસરો સળગશે,
આ    બધી  છે  રમત  કોઈ તારું નથી.

કોઈ   ઉંબર   સુધી કોઈ  પાદર સુધી,
છેક    સુધી સતત,  કોઈ તારું નથી.

કઈ રીતે હું મનાવું  તને  બોલ મન,
બોલ, લાગી શરત  કોઈ તારું નથી.

કોઈ એકાદ જણ, એય બેચાર  પળ,
કે  અહીં   હરવખત  કોઈ તારું નથી.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

February 17, 2009 Posted by | ગમતી ગઝલ | 4 Comments

દુહા-સુભાષિત-મુકતક

the_royalist_2

અમારી ભૂલો ને તમારી ભૂલો વિધિની ભૂલો ફરી ગણું શું ?
નૌકા  ડૂબી ગયા   પછી હવે સફરની વાતો  ફરી કરું શું ?
-દલપતરામ

કરી છે  ભૂલ કંઈ  એવી  મહોબતનાં  તરંગોમાં
હસી   પણ  નથી શકતો   ખુશી કેરા પ્રસંગોમાં
ફક્ત પલવાર બેઠો’તો  કોઈની ઝૂલ્ફની   છાંયે
સદાની  લાય લાગી ગઈ જવાનીના ઉમંગોમાં.
-કલાપી

           (સફળ દાંપત્યજીવન)
કાંચનવરણી   કામિની  અને કામણગારો  કંથ,
એને પિયરનો પંથ વહમો(વસમો)લાગે વિઠ્ઠલા.

      (નિષ્ફળ દાંપત્યજીવન)
સામે   ઉભી શંખણી   વહમાં(વસમાં) બોલે વેણ,
નત્યનાં ચડેલ નેણ, એથી તો વાંઢા ભલા વિઠ્ઠલા.

દર્દ  એવું છે ને લાપરવાહી પણ એવી છે;
હાસ્યથી  મારા હું મહેફીલને રડાવી જાઉં છું.
-હરીન્દ્ર દવે

February 16, 2009 Posted by | મને ગમતી કવિતા | Leave a Comment

Happy Valentines Day

glitter graphics
   ચાંદની ઝરૂખે  આવી, નિહાળી બોલી..
    પ્રણયકુંજમાં કોણ મધુરગીત ગાય  છે આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

ગગન  ઝુકી, ઝુકી   કહે  છે,
   નવરંગ ચુંદડી ઓઢી નીસર્યુ છે કોણ આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

સરિતા સહજ કિનારાને પુછતી રહી,
   કોણ  હૈયાના હિડોળે હિચકે છે આજ ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

સંધ્યા સલોણી, વિદાય લેતા બોલી.
  કોણ હજુ હુંફના દીપ જલાવે છે આજ?
પ્રિયે! એ તુજ છે..એ તુજ છે.

February 14, 2009 Posted by | સ્વરચિત રચના | 3 Comments

ચક્ષુહીન કહે..

"Healing the Blind Man"

"Healing the Blind Man"

આંખની અંધતા નડતી નથી હવે.
અમે  અંધારને  સહારે જીવવાના,

લાકડી બની સદા અમારો સહારો,
એની સાથે દોસ્તી કરી જીવવાના.

કોઈ હાથ પકડી રસ્તો કરાવે પાર,
ઋણી બની સૌની સાથ જીવવાના.

ઠોકર ખાઈને ,અમે ઉભા થવાના,
મુશ્કેલીનો સામનો કરી જીવવાના.

એક અંગ ખોટું  પડ્યું તો  શું થયું?
હજારહાથનો સંગ રાખી જીવવાના.

રોશની ભલે  અમારાથી રુઠી ગઈ!
અંતરમાં ઉજાશ  રાખી જીવવાના.

February 13, 2009 Posted by | સ્વરચિત રચના | 3 Comments

મહેંકતા મુક્તક!

1427712-1-an-old-love-letter-shrees-fantastic-faces

કોણ કહે છે , જીવવા  જેવું   નથી,
ફૂલ  સરખું  ખીલવા   જેવું    નથી;
ઝળહળી જો,અન્ય કાજે એક પળ-
લાગશે    કે બૂઝવા     જેવું   નથી.

કંઈ કેટલાયે જણને હિસાબ આપવાના,
ત્યારે  જ લોક નાનો ખિતાબઆપવાના,
ભીતર  કવિપણાને મંજૂર  ક્યાં કશું છે?
મિત્રો ગણગણીને  ગુલાબ  આપવાના !

જિંદગી પણ સાવ ઝાકળ  હોય છે,
ફૂલ પરનો  ભાર  આખર હોય   છે,
અણ બનાવો  કે  બનાવો    રોજના
કોઈ  કડવા   કોઈ સાકર    હોય  છે.

કેવો   છે   આસપાસનો     આકાર,    પાનખર   હશે,
વિચાર  પણ    ખરી     પડે નિતાંત, પાનખર    હશે,
લગાર એક પણ લીલવું સપનું અડ્યું જો આંખને-
કહે   છે    કે    ઝેર    આંખનું    ઉતાર,  પાનખર  હશે!

‘બારમાસી’-ગુણવંત ઉપાધ્યાય

February 12, 2009 Posted by | મને ગમતી કવિતા | 1 Comment

શું કરું ?

3004819448_0993a445c5

જિંદગીનો સરવાળો કે બાદબાકી શું કરું ?
                   ગમો-અણગમો લખી  શું કરું ?

કેટલાંએ પાસા   ફરી   ગયા     જિંદગીના!
                  હવે એને ઉલટા કરી  શું  કરું ?

રણ  અને ઘર વચ્ચે    તરસ્યો   રહ્યો  હું,
                    ખાલી  ફાફા મારી શું કરું ?

ન   મળી  મંઝીલ   કે      કોઈ હમસફર,
                         હવે  સાર કાઢી  શું કરું ?

દિન-રાત  જોતો    રહ્યો     એની    રાહ,
                       હવે ના મળે તો શું કરું ?

કબર    ને    ઘર    વચ્ચે    ભુલો   પડ્યો,
                   ના મળે કોઈ રસ્તો શું કરું?

February 11, 2009 Posted by | સ્વરચિત રચના | 4 Comments

રવીન્દ્રનાથનાં મૌક્તિકો..

gods_rain_and_sun

વનમાં સૂતેલી કળીઓ
સુરજદેવને  અરદાસ  કરે છે કે
હે પ્રભુ, અમારી પહેલી પાંપણોને ખોલી દેજો.

I HEAR THE PRAYER TO THE SUN
FROM THE MYRIAD BUDS IN THE FOREST
‘OPEN OUR EYES.’

ભગવાને મારા વિદ્રોહી મિજાજનો
મુકાબલો કરી ને મને સન્માન્યો હતો;
મારો જુસ્સો ઝંખવાયો ત્યારે તેણે મારી ઉપેક્ષા કરી છે.

GOD HONOURED ME WITH HIS FIGHT
   WHEN I WAS REBELLIOUS,
HE IGNORED ME WHEN I WAS LANGUID.

કિનારાઓ દરિયાને કહે છે :
‘હે સાગરરાણા, આ તારાં નિત્ય ગરજંતાં મોજાં
શી વાત માંડે છે એ તો લખી મોકલ !
દરિયો ફીણાળી લિપિમાં ઉત્તરો લખીલખીને નિસાસા
સાથે ભૂંસી નાખે છે.

THE SHORE WHISPERS TO THE SEA:
‘WRITE TO ME WHAT YOUR WAVES STRUGLE TO SAY’
THE SEA WRITES IN FOAM AGAIN AND AGAIN AND
WIPES OFF THE LINES IN
A BOISTEROUS DESPAIR.

કેટલાક લોકો તારા રહ્સ્યને તાગવા વિચારભૂમિમાં
વિહર્યા અને મહાન બન્યા. હું તારી લીલાના
સંગીતને પામવા મથ્યો છું; ખુશ છું.

SOME HAVE THOUGHT DEEPLY AND EXPLORES THE
MEANING OF THY TRUTH AND
THEY ARE GREAT; I HAVE LISTENED TO CATCH THE MUSIC
  OF THY PLAY. AND I MA GLAD.

February 10, 2009 Posted by | ગમતી વાતો | Leave a Comment

વસંત આવી..

"Spring is always young, even though we aren't...."

"Spring is always young, even though we aren't...."

વસંત આવી,
કાલી, કાળી  કોયલ,
મધુર , મધુર ગીત  લાવી.

છોડ પર ધાવણ  ધાવતી કળી,
ટપકતા  લાળની લાલી લાવી.

ઝરણનો કલકલાહટ સાંભળી,
   પનિહારી હેલ ભરવા આવી.

કળીઓ મહેંકી ઉઠી છે બાગમાં,
   જાણી,ભમરની સવારી આવી.

તોતા,પોપટ,સાથમાં મેના,
    નવરંગ વિંહગની બારાત આવી.

સોળ શણગાર સજી નિકળી આ વસંત,
  એના પાલવ ભીંજવતી હવા આવી.

‘દીપ’કેટલો ખુશ-ખુશાલ છે આજ!
  વસંત પર વારી જવાની ઋત આવી.

February 9, 2009 Posted by | સ્વરચિત રચના | 1 Comment

જિંદગી એવા રસ્તે આવી ઉભી રહે !

flowing_river_opportunities.gif

 જિંદગી એવા રસ્તે આવી ઉભી રહે !

કાગડો કો કો કરતો રહે,

કાબર કરે  કલકલાહટ !

ગીધડ   કહે ‘કોણ  આજ ?’

ઘરને છાપરે  ઘુવંડ ઘૂ…ઘૂ  કરે!

નનામી વેચનારો બોલે..’કોઈ એક તો ઘરાક મળે!

સ્મશાન કહે  હાશ ,’  કોઈ દિવસ શાંતીનો મળે!

February 6, 2009 Posted by | સ્વરચિત રચના | 2 Comments

વચમાં હસે છે બારણું !

 take_the_first_step.gif
બે  ગોખલે  દીવા બળે  વચમાં  હસે      છે બારણું,
બે થાંભલી પણ ઝળહળે વચમાં  હસે  છે બારણું.

એ  તોરણો  લટકાવતી  મારા  ભણી ત્રાંસું   જુએ,
બે દ્રષ્ટિ ત્યાં સામે મળે, વચમાં હસે  છે બારણું!

થંભી   નિહાળું   ઉંબરે     પૂરેલ        રંગોની   ખૂબી,
અંદર જવા પગ ટળવળે વચમાં હસે  છે બારણું.

ખુલ્લે  મુખે  એ  ઊઘાડી   આમંત્રતું    શું  સર્વને ?
ભીંતો ઉભય ના સાંભળે વચમાં  હસે  છે બારણું.

ઊંચા  નહીં, બેઠી દડીના  પેસતા   આસાનીથી,
કો વાંસ  શા વાંકા  વળે વચમાં હસે  છે બારણું.

-ભાનુપ્રસાદ પંડ્યા

February 5, 2009 Posted by | ગમતી ગઝલ | 2 Comments

હ્યુસ્ટન આંગણે ગાંધીજીના નિર્વાણદિને શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.

100_3663100_3658

ડાબી બાજુથી નુરુદીનભાઈ, વિશ્વદીપ બારડ. વિજયભાઈ શાહ, પ્રકાશ દેસાઈ, જયંત પટેલ.)
(બીજી તસ્વીરમાં ગાંધીજીને શ્રદ્ધાજંલી પ્રવચન આપતાં માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરા)

હ્યુસ્ટનને આંગણે  “ગાંધીજીના નિર્વાણદિન” શ્રદ્ધાજંલીનો કાર્યક્રમ.

મહાત્માગાંધી લાયબ્રેરી,આઈ.સી.સી., ગુજરાતી સાહિત્ય સરિતા  તેમજ અન્ય સંસ્થાના સંયુક્ત સંયોગથી પ્રથમવાર હ્યુસ્ટનના આંગણે, જાન્યુઆરી ૩૧, ૨૦૦૯ને શનીવારે “ગાંધી નિર્વાણદિનના”કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાબરમતીનાં સંત અને એક યુગ પુરૂષ, વિશ્વના માનિતા એવાં ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પવા ડાઉન-ટાઉન, હરમનપાર્કમાં, સવારે ૧૦વાગે ગાંધીબાપૂની મૂર્તિને ફૂલહાર પહેરાવી, “રઘુપતિ રાઘવ રાજારામ”ની ધુન લગાવી સૌ  જનસમુદાય નીકળી ‘ઈન્ડિયા હાઉસ’માં આવેલ. જ્યાં સભાનું સુકાન  ડૉ.મનીષ વાણીએ સંભાળેલ.ગાંધીજીનાં  પ્રિય એવા ભજનો,  કવિતાના આયોજન અને ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા બે મિનિટ મૌન  સાથે સવારે ૧૧વાગે માનનિય કૉનસલ જનરલ ઓફ ઈન્ડિયા શ્રી સંજય અરોરાએ ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતા કહેલકે ‘ઓકટોબર ૨,મહાત્માગાંધીનો જન્મદિવસ આખા વિશ્વમાં નૉન-વાયોલન્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે,જે યુનાટેડ નેશનમાં સર્વાનુમતીએ પસાર કર્યો એક ગૌરવની વાત છે.’ગાંધીજીના અહિંસા પ્રવૃતી આવેગ આપનારા  સ્વ.માર્ટીનલ્યુથર કીંગની પ્રશંસા કરેલ.ત્યારબાદ  ગાંધી લાયેબ્રેરીના સ્થાપક અતુલભાઈ કોઠારીએ  ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પી, મનોજભાઈ અને કલ્પના મહેતાએ તેમના મધુરાગ સાથે’ વૈષ્વણજનતો તેનેરે કહીએ..’ગાઈ સૌને  ભાવ-વિભોર કરેલ,તેમજ ફતેહાલી ચતૂરે ગાંધીજી વિષે હન્દી કાવ્ય પઠન અને  નિખીલ મહેતાએ ઉમાશંકર જોષીએ લખેલ ગીત..”મારું જીવન તે મારી વાણી” જે ગાંધીજીને અર્પણ કરેલ તે મધુરકંઠે ગાયેલ. હ્યુસ્ટન યુનિટી ચર્ચનાબે સભ્યોએ પોતાના ચર્ચમાં ચાલતાં વર્ગગાંધીના વિચારો અને એમની પશ્રિમદેશો પર અસર”વિષે સુંદર વાતો કરેલ, ઉપરાંત શ્રી દેવ મહાજને ગાંધી લાયબ્રેરીની આગળ ધપતી પ્રવૃતીનું પ્રવચન સાથે સૌનો અભાર માની પ્રથમ દોરની સભાની પૂર્ણાવતી જહેર કરેલ  ત્યારબાદ “રઘુપતિ રાઘવ રાજા રામ”ની ધુનબાદ બપોરના બાર વાગે અલ્પાહાર માટે વિશ્રાંતી  લીધી,ડૉ. મનીષ વાણીએ  સમયને સાચવીને પ્રથમદોરનું સુંદરરીતે આયોજન કરેલ

                    બપોરબાદ હ્યુસ્ટનમાં ચાલતી ગુજરાતી સાહિત્યની માસિક બેઠક  વિજયભાઈ શાહ, વિશ્વદીપ બારડ અને જયંત પટેલના આયોજન હેઠળ “ગાંધીજીને શ્રદ્ધાજંલી” અર્પવા બીજો દોર ગુજરાતી સમાજના પ્રમૂખશ્રી પ્રકાશ દેસાઈ એ હાજરી સાથે શરૂ થયેલ. કાર્યક્રમની શરૂઆત રેખા બારડે કવિયત્રી દેવિકાબેન ધ્રુવ રચિત પ્રાર્થના  ‘ગાંધી પ્રિયજન નિજને રે કહીએ” ગીત ગાયેલ.ત્યારબાદ સરર્યુબેન પરીખે સ્વરચિત કાવ્ય સાથે “ઑસ્ટીન”સ્થળાંતરની વાત ,રસિક મેઘાણીએપોતાની  આગવી શૈલીમાં પોતાની ગઝલ,નુરુદ્દીન સાહેબે ગાંધીજીની નાની નાની  સુંદર કવિતાઓ સંભળાવેલ. વિશ્વદીપ બારડે ગાંધીજી વિશે લખેલ  સ્વરચિત  કાવ્ય  “આંધીઓ છે ઉમટે ને અંધતા આભે અડે, સત્યની પદપંકતિને ના કોઈ વંટોળો નડે” સુંદર શૈલીમાં રજૂ કરેલ, ગુજરાત દર્પણ દ્વારા પ્રકાશીત  ‘દરિયા પારના સર્જકો’ પુસ્તકનો ખ્યાલ આપતા વિશ્વદીપે કહેલ કે પરદેશમાં રહી ગુજરાતી ભાષા તેમજ સાહિત્યને  જીવંત રાખતા ૧૩૬ ઉપરાંત સાહિયકારોનો આ  બુકમાં સમાવેશ છે જેમાં ૧૩ સાહિત્યકારો હ્યુસ્ટનના છે તે ઘણાંજ ગૌરવની  વાત છે. કવિશ્રી મનોજ મહેતાએ  પોતાનું  કાવ્ય ગીત શૈલીમાં,સતીશ પરીખે ગાંધીજીને શ્રદ્ધાજંલી અર્પતો લેખ,વિજય શાહે સ્વરચિત લાગણીશીલ કાવ્ય પોતાની આગવી છટાથી રજૂ કરેલ.ભગવાનદાસ પટેલ તેમજ દીપકભાઈ ભટ્ટ્, નીરાબેન શાહે ગાધીજીને શ્રદ્ધાઅજંલી અર્પી.અતુલભાઈ કોઠારીએ ગુજરાતી સાહિત્યનો આભાર વક્ત કરતાં કહેલ કે “હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા”ના સભ્ય શ્રી વિશ્વદીપ , રેખાબેન, દીપકભાઈ,ગીતાબેન ,સતીશભાઈ, વિજયભાઈ અને અન્ય સભ્યોએ હંમેશા ગાંધી લાયબ્રેરી અને એમની દરેક પ્રવૃતીમાં  સહાયરૂપ રહી છે એનું મને ગૌરવ છે’.હ્યુસ્ટનના યુવાન કવિ વિશાલ મોનપરાજે કવિ ઉપરાંત વેબ માસ્ટર પણ છે જેણી ગુજરાતી લીપી , બ્લોગ જગતને આપી ઘણુંજ મહત્વનું પ્રદાન કરેલ છે તે પણ હ્યુસ્ટનનું ગૌરવ છે. કાંતીભાઈ શાહ તેમજ નવિનભાઈ બેંકરે ગુજરાતી લાયબ્રેરીના પુસ્તકોને વિગરવાર અહેવાલ આપેલ.
               બેઠકના  અંતે  કવિશ્રી વિજયભાઈએ  ગુજરાતી સાહિત્ય સરિતા વતી આજના કાર્યક્ર્મની તેમજ અલ્પાહાર અને અન્ય ખર્ચની  જવાબદારી હર્ષભર નિભાવનાર શ્રી અતુલભાઈ કોઠારી તેમજ  તેમના ધર્મપત્નિ રીટાબેનનો  આભાર વ્યક્ત કરી સભાની સમાપ્તીની  જાહેરાત કરી હતી.

અહેવાલ: વિશ્વદીપ બારડ(ગુજરાતી સાહિત્ય સરિતા)

February 4, 2009 Posted by | સ્વરચિત રચના | 1 Comment

“હું” -મનીષ પરમાર

noli_me_tangere 

સમયની  રેતમાં  ડૂબી ગયો છું  હું,
ઊંડે   છેક  પાતાળ   ખૂંપી  ગયો હું.

હવે      ફૂલના    રેશમી    ટેરવાથી-
મને  ગાલ પર ક્યાંક ચૂમી ગયો હું.

તરસ નાભિમાં સાચવેલી  યુગોથી-
નદી  એકધારી   હવે    પી  ગયો હું.

છતાં તારું  ઘર ના મળ્યું છેવટે તો,
ગલીએ  ગલી   દોસ્ત ઘૂમી ગયો હું.

ગઝલ બોલ તું કોઈ ઝીણી તરજમાં,
કબરમાં   ઊઠી આમ ઝૂમી ગયો હું.

February 3, 2009 Posted by | ગમતી ગઝલ | 2 Comments

શ્યામ..

 lord_krishna-janmashtami-68_big1
ના  વાંસળી, ના  સૂર-આ  મારા નગરનો  શ્યામ;
બીજે   તો  કેવો  હો    કહો    રાધા વગરનો શ્યામ.

હમણાં  તો  છો  દેખાય   ના સાથે   ડગરનો શ્યામ;
વૈકુંઠમાં   તો    લૈ       જશે   અંતે     સફરનો શ્યામ.

આંખોમાં  યમુના-નીર   કૈં   અમથાં  વરસ્યા નથી,
નજરાઈ   કોઈથી    ગયો     મારી  નજરનો શ્યામ.

પીડા        જશોદા-દેવકી        બંનેની       થાય છે,
ખોવાઈ   જાયે   ક્યાંક   જો  એકાદ  ઘરનો  શ્યામ.

વીત્યા  યુગોના   યુગ   છતાં      એ જ છે   તરસ,
તરસી    રહ્યો  છે   કોઈને   કાંઠા      ઉપરનો  શ્યામ.

-આશોક  ચાવડા-’બેદિલ’

February 2, 2009 Posted by | ગમતી ગઝલ | 3 Comments

   

Follow

Get every new post delivered to your Inbox.

Join 97 other followers