આ બધાં સાથે જ છે.

આવવામાં કે જવામાં આ બ ધાં સાથે જ છે.
હાથ-પગને બાંધવામાં આ બ ધાં સાથે જ છે.
રંગ પૂરે છે અહીં સૌ પોત પોતાના ભલે,
ઘાવને શણગારવામાં આ બ ધાં સાથે જ છે.
હા ઉઘાડા પાડશે એ અન્યને એકેક થઈ,
જાતને સંતાડવામાં આ બ ધાં સાથે જ છે.
આગવી રીતે પ્રહારો એ કરે ને આખરે,
ક્ષેમકુશળ પુછવામાં આ બ ધાં સાથે જ છે.
જીવતી એ ડાળ પર મારે કુહાડી ને છતાં,
પાન થઈને ફૂટવામાં આ બ ધાં સાથે જ છે.
રોજ સૂરજને ડુબાડી રાત થઈ ડૂબી જતાં,
ને સવારે ઉગવામાં આ બ ધાં સાથે જ છે.
પાંખ પંખીની અહીં હળવેથી કાપ્યા પછી,
આભમાં જઈને ઊડવામાં આ બ ધાં સાથે જ છે.
-નીતિન વડગામા
બે કાવ્યો-ચીમન પટેલ

જન્મ-મરણ
દિકરો જન્મ્યો
ત્યારે,
બઘા હસ્યા
ને
એ રડ્યો !
એના
મૃત્યું ટાણે
બઘા રડ્યા
ને
એ મૂક હસ્યો-
મૂકિત માટે !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૮/’૯૮
**************
સ્વજનો
આજે
રડે છે
સ્વજનના
મૃત દેહ પર.
કાલ સુઘી
એ
રડ્યો’તો
આજ
સ્વજનો ખાતર !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૫/’૯૮



