પડછાયાને હડસેલે- કિસન સોસા
પડછાયાને હડસેલે પાષાણ હટાવ્યા
વેડી વેડે અંધારા અજવાસ ઉગાવ્યા
સુક્કા પર્ણો જ્યમ પગલાંઓ વીણી લીધા
કૂંપળ-શી કાયા-શા સ્વપ્ને સ્વપ્ન જગાવ્યા
વેળ કવેળે આવરદા ઉપર ત્રાટકતા
વીજ-તણખતા વિઘ્નો રગ રગ-તાર સમાવ્યા
સુક્કીભઠ્ઠ તરસ્યુંને વહાલે પંપાળી
ધોમધકતી ભૂખને ભીના લાડ લડાવ્યા
આઘેની મેડીના દીવાને સધ્યારે
બંજર ભૂમિમાં શબ્દોના દહેર વસાવ્યા.



