એક ગઝલ-ઊર્વીશ વસાવડા
કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.
ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.
એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,
એ ક્ષણે, ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.
એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું, પછી,
કૈક પીડા, કૈક કળતરની કથા પૂરી થઈ.
શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.



