એક ગઝલ-મનોહર ત્રિવેદી
કોણ કહે છે કે ગયાં આઘાત આપીને તમે,
પણ ગયાં પીડાઓની ઠકરાત આપીને તમે.
હું સુખડનું વૃક્ષ, આવું મ્હેકને સાથે લઈ,
દોસ્ત, જાઓ લ્યો, કુઠારાઘાત આપીને તમે.
હાથનો તકિયો, પથારી ભોયનીઃ તે કમ નથી,
એમ ઓશિંગણ કર્યો છે રાત આપીને તમે.
સોડ ઠાંસીને ફરી ઈશ્વર, કહો ઊંઘી ગયા,
વાટકીભર દાળ, મુઠ્ઠી ભાત આપીને તમે.
જન્મજન્માતર ક્રર્યો ઋણી વિધાતા, કેટલો
ગૂર્જરી ભાષા અને ગુજરાતી આપીને તમે.



