મને ગમતા શેર
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
-મરીઝ
મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.-
ઓજસ પાલનપુરી
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય,
ને એજ હોય પગની તળે એમ પણ બને.
-મનોજ ખંડેરીયા
કંઠમાં શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
-હેમેન શાહ.
અસર એવી નથી જોઈ મેં વર્ષોની ઈબાદતમાં,
ફકત બે જામમાં તુર્ત જ જીવન બદલાય છે સાકી.
-મરીઝ
તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા,
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?
-અમૃત ઘાયલ
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઈનસાન નીકળ્યા.
-અમૃત ઘાયલ
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


