એક ગઝલ-રશીદ મીર
એવું થયું શું ભોર લગી જાગતા હતા,
ઊંઘી જવાની આપ દુવા માગતા હતા.
વૈભવ ઘરનો ખૂણેખુણો શોભતો હતો,
સઘળું હતું , દ્વાર ને દીવાલ કયાં હતા?
મળતા હતા હરરોજ ખબર તારા હાલના,
ત્યારે શહેરમાં આપણાં અખબાર ક્યાં હતાં?
એક રાત અતિથિ બની મારા ઘરે હવા,
ખીંટી ઉપરના વસ્ત્ર બહુ ઉડતા હતાં.
તૂટી ગયો તો કેવો સમજદાર થઈ ગયો,
હેરતથી આયનાઓ મને તાકતા હતા.
સંચાર હળવે હળવે જગાડી ગયો મને ,
વ્હેલી સવારે ઓસનાં પગલા થયાં હતાં.
એથી વધુ તો ‘મીર’ સમય શું કરી શકે?
ખાંભી બની ગયા જે બહું ઝૂઝતા હતા.
-રશીદ મીર( “ખાલી હાથનો વૈભવ”)



