એક ગઝલ-મનોજ ખડેરિયા
રેતીની જેમ આભથી ખરતું રહે તિમિર,
ખાલી થતા શહેરને ભરતું રહે તિમિર.
ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં,
બાકી વધેલ તેજને ચરતું રહે તિમિર.
ઝાંખી દિવાલે ટેકવી પગ ઊંચું થઈ અને,
બારી મહીંથી ડોકિયું કરતું રહે તિમિર.
તારાની સાથ રાતના ઊતરીને ચૂપચાપ,
સરવરના શાંત નીરમાં તરતું રહે તિમિર.
એકેય દ્રવાર ખૂલ્લું નથી રાતનું અહીં,
ઠીકરાની જેમ ટાઢમાં ઠરતું રહે તિમિર.
શોધી રહ્યું છે કોને જતી રાતની પળે?
ધુમ્મસનું વસ્ત્ર ઓઢીને ફરતું રહે છે તિમિર.
-મનોજ ખડેરિયા



