ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળી આવી છે..

bhai-duj1.jpg 

દિવાળી આવી છે, ચાલો સૌ,
   અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
   ગામના ઊકરડે મૂકી દઈએ ..

પ્રેમના પ્યાલામાં  સ્નેહની સાકર ભરી,
  પડોશી પોતાના માની ,
  સ્નેહી-સગા સૌને પીવા આપીએ..

નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત  કરીએ.

અણગમાનો જૂનો વેષ ,  દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.

તારી-મારી વાતોનું  વહેમ વડુ,
    ચાલો સૌ  એને દૂર, દૂર  કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..

ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો  સૌનું  શુભ-આગમન કરી એ.

દિવાળી આવી  છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.
 

October 31, 2007 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 5 Comments

દિવાળીની વાર્તા..ચતૂર વહુ

 diwali11.gif

એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્  સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો  કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ  એક ઉપાઈ સુઝ્યો કે ચાલ  દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને  કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય  માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
           સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને   આવીને નાની વહુને કહ્યું કે આજે મેં  રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.

          એજ  ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા  ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ  ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર  ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો  હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!

        આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર  પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી  છાપરા પર મરેલો  સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું  ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે  દિવાળી રાતે  આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને  નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!

            દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ  સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં  ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને  ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર  એક નાના ઘરમાં  દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર  અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !

              આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું  ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને  સાથો સાથ આનંદ-મંગલની  આરતી થતી રહી!

October 30, 2007 Posted by વિશ્વદીપ બારડ | ટુંકીવાર્તા | | No Comments

સાહિત્ય-સમાચાર

 gujarat.jpg

ભાવનગરમાં મેઘાણી જન્મજયંતીનો વિશિષ્ટ ઉત્સવ:

ગુજરાતના લાડીલા શાયર શ્રી ઝ્વેરચંદ મેઘાણીએ પોતાના આયુષ્યનાં યાદગાર વર્ષો ભાવનગરમાં જે સ્થળે વીતાવ્યાતે ભાવનગરના પ્રખ્યાત જશોનાથ મંદીરના પરિસરમાં શ્રી મેઘાણીના જન્મદેનની વિશિષ્ટ ઉજવણી ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,ભાવનગર યુનિવર્સિટીંનાં વિદ્ર્યાર્થીઓ દ્વારા તા.28 ઑગસ્ટ,2007ને રક્ષાબંધનના દિને  કરવામાં આવી. આ કાર્યક્રમમાં કવિશ્રીનાંગીતો, વાર્તાઓ, પત્રોમાંથી પઠ્ન-ગાયનની પ્રસતુતિ થઈ. મહેન્દ્ર પરમારે સૌને શાબ્દિક સ્વાગતથી સત્કાર્યા. મેઘાણી પરિવારના સદસ્ય શ્રી જયંતભાઈ મેઘાણીએ ભાવનગર સાથેના મેઘાણીના ભાવાત્મક સંબંધનું સ્મરણ  કર્યુ. મુરલીબેન મેઘાણી એ  કવિશ્રીનાં ગીતોનું મધુર ગાન કર્યુ .ભવનનાં વિદ્યાર્થીઓએ મેઘાણીની વાર્તાઓ ‘બદમાશ’ અને ‘દીકરો’નું ભાવવાહી  વાચિકમ તેમજ કવિશ્રીનાં કાવ્યો ‘માની યાદ’  , ‘ચારણ કન્યા’ તથા લોકગીતોનું ગાન કર્યુ. શ્રી તખ્તસિંહજી પરમારે આશીર્વચન સાથે મેઘાણીનાં સંસ્મરણો  પ્રગટ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિપુલ પુરોહિતે કર્યુ હતું.

********************

સુરેશ દલાલને નરસિંહ મહેતાનો  ઍવોર્ડ એનાયત .

વિદ્યમાન ગુજરાતીકવિને તેના સમગ્ર કવિતા-સર્જનને લક્ષ્યમાં લઈને પ્રતિવર્ષ અપાતો ‘ આદ્યકવિ નરસિંહ મહેતા ઍવોર્ડ’ તેના  દસમાં વર્ષે શ્રી સુરેશ દલાલને  આ શરદપૂર્ણિમાએ , 26મી ઓકટોબર 2007ના રોજ જૂનાગઢમાં એનાયત  થયો.

*************************

શ્રી નારાયણ દેસાઈને મૂર્તિદેવી ઍવોર્ડ એનાયત થયો.

પ્રખર ગાંધીવાદી સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષ 2008-09માટે વારાયેલા પ્રમૂખશ્રી નારાયણ દેસાઈને તેમના ગાંધી ચરિત્ર પરના પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી’ માટે અમદાવાદમાં તા.14 સપ્ટેમ્બર 2007ના રોજ  યોજાઈ ગયો. ગાંધીજીના પૌત્ર અને બંગાળના રાજ્યપાલ શ્રી ગોપાલકૃષ્ણ ગાંધીના હસ્તે આ સન્માન એનાયત થયું.

*****************************************

શ્રી રવીન્દ્ર પારેખને સુરતની કલાસંસ્થા પારિતોષક આપવાનું જાહેર થયું છે.

શ્રી ગૌરાંગ ઠાકરને આ જ સંસ્થા દ્વારા 2007ના નવોદિત સાહિત્યકાર તરીકે સન્માન નક્કી થયું છે.

October 29, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 1 Comment

એક ગઝલ-મનોહર ત્રિવેદી

 ho41.jpg

કોણ  કહે   છે  કે  ગયાં આઘાત   આપીને   તમે,
પણ   ગયાં પીડાઓની  ઠકરાત   આપીને  તમે.

હું    સુખડનું    વૃક્ષ, આવું    મ્હેકને     સાથે  લઈ,
દોસ્ત, જાઓ   લ્યો, કુઠારાઘાત     આપીને  તમે.

હાથનો  તકિયો, પથારી  ભોયનીઃ તે કમ  નથી,
એમ   ઓશિંગણ  કર્યો   છે  રાત   આપીને  તમે.

સોડ     ઠાંસીને    ફરી  ઈશ્વર, કહો ઊંઘી   ગયા,
વાટકીભર દાળ, મુઠ્ઠી     ભાત     આપીને  તમે.

જન્મજન્માતર   ક્રર્યો    ઋણી   વિધાતા,  કેટલો
ગૂર્જરી   ભાષા   અને  ગુજરાતી   આપીને  તમે.
 

October 26, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

મને ગમતા શેર

 images11.jpg

બસ     દુર્દશાનો    એટલો   આભાર    હોય   છે,

જેને     મળું     છું   મુજથી    સમજદાર   હોય છે.

-મરીઝ

મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ  ગઈ,

આંગળી જળમાંથી  નીકળી ને જગા પુરાઈ ગઈ.-

ઓજસ પાલનપુરી

જે    શોધવામાં    જિંદગી    આખી   પસાર   થાય,

ને    એજ     હોય     પગની તળે  એમ   પણ બને.

-મનોજ ખંડેરીયા

કંઠમાં    શોભે   તો શોભે   માત્ર      પોતાનો     અવાજ,

પારકી      રૂપાળી       કંઠી         બાંધવાનું      છોડીએ.

-હેમેન શાહ.

અસર   એવી   નથી    જોઈ મેં   વર્ષોની  ઈબાદતમાં,

ફકત   બે જામમાં  તુર્ત જ જીવન બદલાય   છે સાકી.

-મરીઝ

તને   પીતા નથી    આવડતું     મૂર્ખ    મન   મારા,

પદાર્થ     એવો     ક્યો   છે    કે   જે    શરાબ  નથી?

-અમૃત ઘાયલ

ના     હિન્દુ નીકળ્યા     ન મુસલમાન     નીકળ્યા,

કબરો     ઉઘાડી   જોયું     તો     ઈનસાન નીકળ્યા.

-અમૃત ઘાયલ

October 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 3 Comments

કફન કાળા-કિસ્મત કુરેશી

 butterfly_01_51.jpg

ભ્રમરના      સંગે   રંગે     નથી     થાતાં   સુમન કાળાં,

ગિરિની      શ્યામ છાયાથી  કદિ  ના થાય  વન કાળા.

ગળ્યા   જે   અંધારે,    રંગ     પાછા      કાઢવા    પડશે,

અમાસી  રાતથી      ના થઈ શકે   નીલાં ગગન  કાળા.

ઘણીએ ચીજ આલમમાં  નથી  તજતી     અસિલયતને,

વસીને    કોલસા    વચ્ચે     નથી    પડતાં   રતન કાળા.

નિહાળી   હું     શકું     છું   ઉજળાં    મન   ઓથમાં   એની,

નથી    ભરમાવી  શકતાં મારી      દ્રષ્ટિને     વદન કાળા.

કહે  છે   કોણ    કે    કાળાશ   પણ    મોહક    નથી    હોતી?

રૂપાળા    હર    વદન   પરનું     આકષૅણ     નયન   કાળાં.

રખે    સાબિત     કરે    મરનારનાં     એ     કામ     કાળાંને ,

જગત    એથી    જ     કોઈને     નથી   દેતું       કફન કાળાં.

તિખારાને      રુપાળા      રંગ      સાથે    શી    અદાવત છે?

કે ‘કિસ્મત’,      આગ   ચાંપી   એ   કરી દે છે  ચમન કાળાં.

(1976 દરમ્યાન ‘કુમાર’માં પ્રગટ થયેલ ગઝલોમાં શ્રેષ્ઠ ગઝલ તરીકે પુરસ્ક્રુત)

October 24, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

ચૂટેલા શેર

4vpk4nn.jpg

કોઈનાં  ભીનાં  પગલાં  થશે , એવો  એક  વર્તારો છે,
સ્મિત  ને આસું    બન્નેમાંથી  જોઈએ  કોને    વારો છે?

ઉર્મિની     એક   ઝૂંપડી      દિલમાં     બળી    ગઈ,
તે      દિવસે  ચારે    કોર   ગજબ   રોશની     હતી.

ના   મારા    ગુના  યાદ   કે   ના  એની  સજા  યાદ,
રહી   ગયો છે    અમસ્તોજ   મને   મારો  ખૂદા   યાદ.

નિર્દયને    ત્યાં      લીધો     છે  વિસામો   અનેકવાર,
ખૂદ      આંસુએ      દીધો  છે     દિલાસો   અનેકવાર.

અમારી     દુર્દશાઓ    પણ     તમારા  રૂપ   જેવી  છે,
હજારો   વાત   કહી   દે છે  ને   સંબોધન   નથી  હોતા.

જગતના   માનવી     માટે   જગતના   સૌ   સીમાડા છે,
કવિ    છું  માટે    મારે     તો  બધા    રસ્તા     ઉઘાડા છે.

-સૈફ પાલનપુરી

October 23, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 6 Comments

એક ગઝલ

59592lp85riq8lz1.gif 

જોઈ એ   એમની   શેરીમાં  જવા      નીકળ્યો છું,
આદીપ   શ્રદ્ધાનો  જલાવીને   હવા    નીકળ્યો  છું.

શું    થયું  ભીનાં  સમયવનમાં  હવા લઈ ચાલી,
એકે    છાંટો  નથી, તરબોળ  થવા    નીકળ્યો  છું.

પગનાં  છાલાં   કે    નથી  ચાલવા દેતા  ડગલું,
કેટલા    પંથ   ઉપાડીને     નવા       નીકળ્યો છું.

એ અનલહકની  સદા  કયાં, એ જમાનો  ક્યાં છે?
વ્યર્થ   ઘર     ફૂંકીને મન્સૂર  થવા      નીકળ્યો છું.

સરફરોશીની     તમન્ના    ન     ગઈ   અંત    લગી,
‘મીર’ ઝંઝાએ   પોકાર્યો તો      સવા   નીકળ્યો છું.

-રશીદ મીર

October 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

એક ગઝલ-રશીદ મીર

image178aa23.jpg 

એવું   થયું   શું    ભોર    લગી    જાગતા    હતા,
ઊંઘી     જવાની   આપ     દુવા  માગતા   હતા.

વૈભવ    ઘરનો        ખૂણેખુણો    શોભતો    હતો,
સઘળું      હતું , દ્વાર    ને   દીવાલ   કયાં  હતા?

મળતા   હતા    હરરોજ   ખબર    તારા   હાલના,
ત્યારે     શહેરમાં આપણાં  અખબાર   ક્યાં હતાં?

એક   રાત    અતિથિ    બની     મારા  ઘરે   હવા,
ખીંટી     ઉપરના     વસ્ત્ર     બહુ    ઉડતા     હતાં.

તૂટી  ગયો    તો    કેવો   સમજદાર   થઈ   ગયો,
હેરતથી     આયનાઓ      મને      તાકતા   હતા.

સંચાર      હળવે    હળવે     જગાડી    ગયો  મને ,
વ્હેલી      સવારે   ઓસનાં   પગલા   થયાં   હતાં.

એથી    વધુ    તો ‘મીર’ સમય    શું     કરી    શકે?
ખાંભી     બની     ગયા   જે   બહું      ઝૂઝતા   હતા.

-રશીદ મીર( “ખાલી  હાથનો વૈભવ”) 

October 19, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

બહુ અંગત અંગત નામ હતાં

frangipani-flowers.jpg 

ખૂશ્બોમાં  ખીલેલાં  ફૂલ  હતાં, ઉર્મિમાં  ડૂબેલા  જામ  હતાં,
શું  આંસુનો  ભૂતકાળ  હતો - શું   આંસુંના પણ નામ હતા.

થોડાક    ખુલાસા    કરવા’તા,  થોડીક    શિકાયત   કરવી’તી,
ઓ મોત,   જરા  રોકાઈ જતે , બેચાર  મને    પણ કામ હતાં.

હું  ચાંદની રાતે  નીકળ્યો  તો   ને મારી    સફર  ચર્ચાઈ  ગઈ,
કંઈ મંઝીલ  પણ મશહૂર હતી,કંઈ  રસ્તા  પણ બદનામ હતાં.

જીવનની    સમી    સાંજે      મારે  જખ્મોની    યાદી    જોવી’તી,
બહુ  ઓછા  પાનાણ જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતાં.

જે     પેલા    ખૂણે     બેઠા   છે    એ    ‘સૈફ’ છે, મિત્રો   જાણો   છો?
એ       કેવા  ચંચલ  જીવ      હતા, ને   કેવા    રમતારામ   હતા!
 

October 17, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

એક ગઝલ-મનોજ ખડેરિયા

રેતીની    જેમ   આભથી    ખરતું   રહે  તિમિર,
ખાલી      થતા  શહેરને     ભરતું   રહે  તિમિર.

ગાયોનું    વૃંદ     જાય    પછી   સાંજે  સીમમાં,
બાકી   વધેલ     તેજને    ચરતું    રહે   તિમિર.

ઝાંખી   દિવાલે  ટેકવી   પગ    ઊંચું  થઈ   અને,
બારી     મહીંથી   ડોકિયું   કરતું     રહે    તિમિર.

તારાની    સાથ    રાતના     ઊતરીને  ચૂપચાપ,
સરવરના     શાંત   નીરમાં   તરતું   રહે  તિમિર. 

એકેય   દ્રવાર    ખૂલ્લું       નથી   રાતનું   અહીં,
ઠીકરાની     જેમ     ટાઢમાં    ઠરતું   રહે  તિમિર.

શોધી    રહ્યું      છે   કોને    જતી   રાતની  પળે?
ધુમ્મસનું    વસ્ત્ર   ઓઢીને   ફરતું   રહે છે   તિમિર.

-મનોજ  ખડેરિયા

October 16, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

લાકડું રે બોલે !

 autumn-leaves.jpg

 તારા જ જન્મ સમયે,

   પારણું બની ઝૂલાવ્યો મેં તને.

ખુદ આગ સાથ મસ્તી કરી,
   પકવાન ખવડાવ્યાં મેં તને.

ટેકાની જરૂર હતી પાકી ઉંમરે,
   લાકડી બની સહારો દીધો મેં તને.

રજા લીધી છેલ્લા શ્વાસ લઈ,
   નનામી બની ઉંચક્યો  મેં તને.

સાથ મળી  રાખ થઈ ગયા,
   દીધો જન્મથી મરણ સુધીનો મેં સાથ તને..

October 16, 2007 Posted by વિશ્વદીપ બારડ | કાવ્ય, સ્વરચિત રચના | | 3 Comments

એક ગઝલ-કૈલાશ પંડિત

ખળભળ   નદી  જે  પાદરે   જોવા  મળી  હતી,
દરિયાને    મળવા    કેટલી  ઉતાવળ     હતી.

મારા   ભરોસે    સાથ  મેં    દીધો   હતો  મને,
ભ્રમણા  રહી   કે     કોકની  એ   આંગણી  હતી.

આસું   ઢાળ્યા  જો  હોત  તો એ પી  ગયો  હતે,
ભીનાશ    મારી  આંખને    ઘેરી    વળી  હતી.

ડૂબી    રહેલી    સાંજને    રોકીને   શું      કરું?
તારા   વિષેની   કોઈ   ખબર  ક્યાં  મળી  હતી.

ખૂશ્બૂ    ભરીને   સૂરમાં     વ્હેતી    હતી   હવા,
આખા    ચમનના   પાંદડામાં   વાંસળી    હતી.

-કૈલાશ પંડિત

October 15, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments

પહેલી રાત - અવલોકન

image007-2.jpg 

લગ્નની પહેલી રાતે

દુલ્હા-દુલ્હનના શણગારેલા બેડ-રૂમમાં બારી બારણાં

જો ઉઘાડા રાખવાનો રિવાજ હોત-

તો સત્યાગ્રહને  બહાને

નવપરિણીતાના  ઘર પાસેથી

નીતિમત્તાના રક્ષકોના કાફલાઓ

સવાર સુધી  ખસવાનું નામ લેત ખરા?

********************************

ગઈ કાલે  મેં એક ભૂખથી મરી ગયેલા માનવીને જોયો હતો

એના ચહેરા પર કેટલી બધી રોનક હતી-!

કહેવાય છે કે મરતા પહેલા

જગની સૌથી સ્વાદિષ્ટ વાનગીઓનું

આપણા  વિવેચકોની જેમ,

એણે એક તટસ્થ  અવલોકન કર્યુ  હતુઁ.

-સૈફ પાલનપુરી

October 11, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 1 Comment

***વહી ગયો

 love07.jpg

અચેત   શબ્દ   કેટલાય   અર્થ   ઓળવી  ગયો,
સમીર   એકસામટાં   અનેક     ફૂલ  પી   ગયો.

જવાબ  શોધવાની આ  નવી   રમત  મળી મને,
સવાલથી  સવાલ   કાપતાં  જ   ઓગળી  ગયો.

ફરી  નવો  સમય   અને  નવી  હવા  વહી  રહી,
ફરી  ચતૂર   કાગને   શિયાળ   ભોળવી     ગયો.

ન  ચેતના  રહી  કે  જાડ્ય  પણ રહ્યું   નહીં  હવે,
પ્રકાશ  બસ પ્રકાશ    ભભકતો   બધે  રહી  ગયો.

અસર  ઉપર  બધો   મદાર છે  અહીં ‘જયંતજી’,
પહાડ   ઓગળી  સ્વયં   સમુદ્રમાં     વહી  ગયો.

-જયંત ‘સંગીત;

October 10, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments