ધણીને ધાકમાં રાખો
વિકેન્ડનો જોક્સઃ
એક નિવૃત કાકાએ બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ ખરીદી અને એ નવી ગાડી લઈ હાઈવે પર લીધી, ઘણાંજ ઉત્સાહ અને ઊમંગમાં ગાડી હાઈવે પર ૮૦ માઈલની સ્પીડે ચલાવતા હતાં, કાકાને થયું કે ગાડી ધીરી ચાલે છે. સ્પીડ વધારી ૯૦ માઈલની કરી. તૂરતજ સ્ટેટ ટ્રુપર(હાઈવે પોલીસ) પોલીસકારની લાઈટ અને સાયરન સાથે કાકાની ગાડી પાછળ પડ્યો. કાકા એ સ્પીડ વધારી ૧૦૦માઈલની કરી, પછી ૧૧૦ માઈલની, પછી કાકાને વિચાર આવ્યો કે મારી ઊંમર પ્રમાણે આ યોગ્ય છે? એણે ગાડી ધીમી પાડી ને પછી એક સાઈડમાં ઊભી રાખી. પોલીસ તેની કાર પાસે આવી કહ્યું ‘ મારી ડ્યુટી અડધી કલાકમાં પુરી થાય છે, તેમજ આજે શુક્રવારે છે હું મારું કે તમારું વિકેન્ડ બગાડવા માંગતો નથી. તમે મને કોઈ એવું કારણ આપો કે મેં મારી જિંદગીમાં કદી સાંભળ્યું ન હોય !”
તુરતજ કાકા બોલ્યા “ થોડા સમય પહેલા મારી બૈરી મને છોડી , એક પોલીસ સાથે ભાગી ગઈ છે, અને તમને જોઈ મને લાગ્યું કે તમે મારી બૈરી ને લઈ મને પાછી સોપવા પાછળ આવો છો !
પોલીસ તુરત ટિકિટ આપ્યા વગર હસતાં હસતાં કહ્યું.. “કાકા તમે જઈ શકો છો!”
****************************************************************
ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી
મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો
કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .
જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .
-રઈશ મનીયાર
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.


