ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ટુકડામાં !

1408.jpg 

પછી  શોધ્યો  નહિ  જડશે   કોઈ  માનવ આ  દુનિયામાં,
અમે   મરતાં  રહ્યાં      જો  આમ  આશામાં  ને આશામાં.

નીરખવા     રૂપને   સૌદર્યમય     હોવું      ધટે     તેથી,
જૂવો    છે  સૌ      તમારી    આંખના  સુંદર   અરિસામાં.

પ્રતિક્ષા  મહેલમાં    કે       ઝૂંપડીમાં   એક    સરખી   છે,
વિરહ-રાતો    મૂકી     દે     છે     બધાને   એક  કક્ષામાં!

કરો      આનંદની      વાતો      ચમનની  બા’ર બેસી ને,
નથી  રાખ્યું   અમે   કંઈ   પણ    ખિઝાં   માટે  બગીચામાં.

ધરા   ઓછી   પડી   તેથી     ઊડ્યો    છું    આજ આકાશે,
ખબર  એ પણ   હવે   ક્યાં   છે, ગગનમાં છું કે  દુનિયામાં.

હૃદય      તોડી   જમાનાએ    બહુ       ઉપકાર     કીધો છે,
હવે   ક્યાં  છે  ફરક   કંઈ  પણ    જુવો  મુજમાં    ફરિશ્તામાં.

પ્રણય  માગે ,     ફરજ માગે,  ધરા માગે, ગગન માગે,
કહો    કોને      કરું      રાજી    હૃદયના    એક     ટુકડામાં!

હૃદય   સરસી  જૂઓ   ચાંપી   લીધી   આજે  ‘નઝર’  એને,
ગઝલને  મેં    ગણી     લીધી    જીવનસાથીની  ગણનામાં.

-’નઝર’ તુરાવા
 

July 31, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

કવિશ્રી રાજેન્દ્ર શુકલને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત

                                            rajedra-shukla-poet.jpg   

‘રણજીતરામ સુવર્ણ ચંદ્રક’ જુન ૨ – ૨૦૦૭ ના રોજ  મધૂસુદન પારેખના હસ્તે એનાયત થયો. ગુજરાતી ગઝલનું નવ સંસ્કરણ તેમના દ્વારા થયું છે.ઘણાં વર્ષોથી તેઓ  ગઝલની જ એકોપાસના કરતા રહ્યા છે.ગઝલનું રૂપ અને ભજનોનો રંગ જ્યારે એમની કલમમાં ઘૂંટાઈને પ્રગટે છે ત્યારે  પ્રગટે છે એક અનોખા મિજાજની ગઝલો.

      રાજેન્દ્ર શુક્લનો જન્મ ૧૯૪૨, ૧૨મી ઓકટોબરના રોજ જૂનાગઢ જિલ્લા બાંટવા ગામે. ૧૯૬૫માં બી.એ. અને ૨૦વર્ષની ઉંમરે એમનું પ્રથમ કાવ્ય ‘કુમાર’માં પ્રગટ થયેલ. ૧૯૮૧માં પ્રગટ થયેલ ‘અંતર ગાંધાર’ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું ઈનામ મળેલ.તેમજ તેમને ‘સ્નેહરશ્મિ’તથા ‘કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે.
              સુંવર્ણચંદ્રકે  એનાયત કરતાં  સમયે એમના પ્રતિભાવ આપવા કહ્યું ત્યારે તેમણે કહ્યું ‘પ્રતિભાવ’ તો હજુ જન્મે છે.
            ક્રિયા વિશુધ્ધ કે કશી પ્રતિક્રિયા નવ હો..
કાવ્યની પંક્તિઓ ટાંકતા કહ્યું.
           આ વખત તો વેશમાંથી  નીકળી ગયો છું હું,
            શબ્દના પ્રદેશમાંથી  નીકળીં  ગયો  છું હું .
અને ઉમેર્યુ કે આ દાઢી જો વધુ વધી હોતતો આ ચ્રંદ્રક પણ કદાચ ઢંકાઈ જાત.

             સભાનું સંચાલન પ્રિયકાન્ત પરીખે કરતા કહ્યું  હતું કે વક્તાઓનાં વક્તવ્યો બિનજરુરી રીતે દોહરાવશો નહી,સમારંભને સ્વયમ સંચલિત રહેવા દેશે. કાર્યક્રમમાં કવિપુત્રોનું આગમન અને કાવ્યગાન પછી શ્રી રાજેન્દ્ર પટેલે કવિની આધ્યાત્મિક અને ગઝલેતર કવિતાની સારી વાત કરી હતી.
            શ્રીકુમારપાળ દેસાઈ એ કવિનું સમગ્રલક્ષી મૂલયાંકન કરતો આલેખ રજૂ કર્યો હતો
આ સુદીર્ઘ સમારંભ પૂરો થતાં, ઘર ભણી ગોઠવાતાં કવિપંક્તિઓજ મનમાં ઘૂંટતી રહી.
     એ કહે જે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ
        શું કરું હું શ્વાસ  શ્વાસ  ઉચ્છલંત ગાન ખૂલે.

રાજેન્દ્ર શુક્લના એક કાવ્યનો આસ્વાદ માણીએ.

             સૂરજ                                                                            The  Sun             
 
આંધળાને મન ઓરતો  સૂરજ,                   An eternal yearning for the blind one-the sun
રાત દહાડો બસ ઘોરતો સૂરજ.                  Sleeping and snoring forever  -the sun

લોક  તો  સકળ નીડ  લપાયું,                     When all the folk nestle in the nest
ડુંગરામાં  ઘર કોરતો   સૂરજ.                      carves a home in the hills -the sun

કોણ્ર રે   ભૂંસી  નાંખતું, નભે                         And lo! who rubs off  the sky
રોજ જે રેખા   દોરતો  સૂરજ?                      the line drawn everyday be the sun?

રોજનું  દખ  તે  કહિયે  કોને?                       With whom to share this daily despair?
સુખની  નીંદર  ચોરતો  સૂરજ.                     Steals such a pleasant  sleep , the sun!

આંખમાં  કાં  અંધાર   ભરાતો                       Why doth darkness  becloud  the vision
મનમાં  જ્યારે  મ્હોરતો  સૂરજ?                     When in the neing blooms  the sun ?

(‘ઉદ્દેશ’ સૌજન્ય)                                             (English translated by Narayan Jani)
 
 

July 30, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

આંબે બેઠો મોર -દિલીપ ઝવેરી

showletter-5.jpg 

આંબે બેઠો મોર
      પ્રિયાની   આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા.
કોયલ કેરો શોર
     નેણમાં   નેણ    પરોવી,   ચૂપ હસી લેવાના દિવસો આવ્યા.
ભરબપોરે બોલી રહેતો કાગ
                  કોઈની  વાટ  જોઈ   રહેવાના   દિવસો  આવ્યા.
કેસૂડાની  ડાળ ડાળ  પે આગ
જેમની પ્રિયા રહી પરદેશ એમના નિઃશ્વાસોથી ઊના દિવસો આવ્યા.
             મારે સો સો ગીત ગાઈ લેવાના દિવસો આવ્યા.

-દિલીપ ઝવેરી(૦૩-૦૪-૧૯૪૩)ઉપનામ ‘તુષાર’. જન્મસ્થળ મુંબઈ
વ્યસાયે ડૉકટર ‘પાંડુકાવ્યો અને ઈતર’ એમનો કાવ્યસંગ્રહ.
પૌરાણિક પાત્રને આધુનિક સંદર્ભ આપી શકે છે.લયમુદ્રાનો કવિ.
   

July 28, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

લા-પરવા -બાલમુકુંદ દવે

 smiles.jpg

કો’ક   દિન   ઈદ  અને    કો’ક  દિન   રોજા,
ઊછળે   ને  પડે   નીચે    જિંદગીનાં    મોજાં.

કાંઈ    અફસોસ    નહીં, કાંઈ    નહીં   ફિકર,
કોઈ  ચીજ   તણી  નહીં      જિંદગીમાં  જિકર.
આવે   ને    જાય  એના    વેઠવા  શા બોજા ?
કો’ક   દિન   ઈદ  અને    કો’ક  દિન   રોજા.

માન    મળે, મળે    ધન  ધાન, મળે  સત્તા,
પાન   ચાવી  બીજી   પળે  ખાવા    પડે  ખતા.
વાહ    ભાખે    કોઈ  રૂડી   આંખે     વેષ ભાળી,
આહ    નાકે   કોઈ    ભૂંડી   મોઢે    મેશ  ઢાળી.
રામ    મારો   રૂદે     હસે , રંગ   નહીં   દૂજા ,
કો’ક     દિન   ઈદ  અને    કો’ક  દિન   રોજા.

હાલ્યા     કરે       દુનિયાની     વણઝાર  ગાંડી,
કોણ    બેઠું     રહે   એની   સામે    મીઠ  માંડી ?
દૂધ    મળે     વાટમાં  કે     મળે  ઝેર     પીવા,
આપણાં    તો     થિર    બળે   આતમાના  દીવા.
લાંબી   લાંબી    લેખણે  ત્યાં   નોંધવી  શી  યાદી !
બેયે       કોરે     આપી     જવી     મુબારકબાદી ,
ઘેલાં    ભલે    ઘૂઘવે     આ     જિંદગીનાં   મોજાં,
આવો   તમે    ઈદ ,  અને   આવો  તમે   રોજા !

-બાલમુકુંદ  દવે

July 27, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

એક બાળકીને સ્મશાન લઈ જતાં

21483kuza9gloaf1.gif 

તને    નાનીશીને  કશું   રડવું   ને   શું   કકળવું ?
છતાં    સૌયે   રોયા ! રડી  જ   વડમા  લોકશરમે,
હસી    જોકે    હૈયે  નિજ   ઘર  થકી  કાશ  ટળતાં.

બિચારી    બાનાં   બે    ગુપત   ચખબિંદુય   વચમાં
ખર્યા, સ્પશર્યા  તુંને   નહિ.  યમ સમા ડાઘુજન તે
નિચોવે   શા  કાજે   નયન અમથાં  અન્ય  ઘર ? ને
વિચાર્યુ   હું    જેવે,  મરણ  કૂણું  તે   શીદ રડાવું ?
-છતાં  સૌયે  રોયા   રૂઢિસર ,  દઈ    હાથ  લમણે.

ખભે  લૈને  ચાલ્યા, જરી   જઈ, વળાંકે  વળી  ગયા,
તહીં  ઓટે   તારી    સરખી     વયની   ગોઠળ  દીઠી.
રહી’તી   તાકી   એ, શિર   પર    ચઢીને    અવરને
સૂઈ   રહેવાની   આ    રમત  તુજ  દેખી     અવનવી,
અને   પોતે   ઊંચા   કર  કરી   મથી    કયાંક  ચઢવા;
-અમે  આગે   ચાલ્યા -રમત  પરખી  જૈ    જ   કપરી,

ગળા   પૂંઠે   નાખી    કર , પગ   પછાડી  સ્વર   ઊંચે
ગઈ   મંડી   રોવા. તુજ   મરણથી     ખોટ      વસમી
અકેલીએ    આખા  જગત    મહીં    એણે    જ   વરતી.
અને   રોવું   ન્હોતું   પણ     મુજથી    રોવાઈ  જ  ગયું !

- ઉમાશંકર  જોશી

July 26, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 6 Comments

ઉભા છે મજારો-’સાલિક’ પોપટિયા

800px-castiglioncello21.jpg 

જવાનીમાં   તૂટી   ગયો   છું  અકાળે,
હું   સંજોગોના    કંઈ    ઝીલી પહારો;
છતાં   સાંત્વન  મેળવી     હું  લઉં છું,
છે   મારી સમા  આ  જગતમાં હજારો.

યુવાનીની    મારી  વંસતો     લુંટીને,
ગયું  કોઈ   પીંખી   જીવન-વાટીકાઓ;
ધરા પર  સુમન  થઈ પમરી શક્યો ના,
પછી  થાઉં   ક્યાંથી  ગગનો  સિતારો ?

નથી    લભ્ય  થાતું  મને જે  જીવનમાં,
મળી જાય   છે   એ  મને   કલ્પનામાં ;
ધરા     વાસ્તવિકતાની     છોડી    કરું છું
કદી      કલ્પનાના   ગગનમાં   વિહારો.

જગત  તો    ખરું   કિંતુ    વેરાનમાં પણ
અમીરી-ગરીબીના      ભેદો   છે   બાકી;
કબર    કોઈની     છેક  તૂટી   ગઈ   છે,
કોઈની   કબર પર   ઉભા   છે    મજારો.

નિરાશા    હૃદયને  છો    ડસી   રહી  છે,
ભલે  ચાલ   પલટે   ગ્રહો    ભાગ્ય   કેરા;
મને  એક    શ્રધ્ધા   છે  કિન્તુ  જીવનમાં;
નિશાઓની  પાછળ     ઊગે   છે  સવારો.

કે     મંઝીલ   ઘણી  દુર   છે  દૂર માનવ!
ન   સમજે  અનાદિ  જીવનનાં   તું   ભેદો;
મરણ      તું    કહીને  વગોવે     છે  એને,
જે     થાકીને  પંથી  કરે    છે       ઉતારો.

સુમન  જેમ   સૌરભ    પ્રસારીને   ‘સાલિક’
ઘડીભર    એ    આકાશે      વેરીને   ઉલ્કા;
ગગનથી   જે  તૂટી  રહ્યો      છે  ધરા  પર,
રખે   હોય     એ  મારા    કિસ્મતનો  તારો.

-’સાલિક’ પોપટિયા

July 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

કિનારા કંઈ નથી કહેતા

funny-pict-9.jpg 

 *********************************

ફિઝાં  ખામોશ   છે    જાણે  નઝારા કંઈ નથી  કહેતા,
જિગર  બેચેન  છે તોયે   સિતારા  કંઈ  નથી   કહેતા.

સફરમાં પણ  દિલાસો  એટલો  એમને   નથી  મળતો,
છે   મંજિલ  કેટલી   છેટે , ઉતારા કંઈ નથી   કહેતા.

વમળ  કેરી    થપાટોએ   ફગાવાઈ     છે  આરે પણ,
અમારી   નાવ  કયાં   ડૂબી  કિનારા કંઈ નથી  કહેતા.

જીવનની  અલ્પતાનો    મર્મ   પામી  જાત  સૌ  કિંતુ,
ઉઘાડા  હાથ લઈ  જગથી  જનારા  કંઈ નથી   કહેતા.

પ્રણયમાં   હોયના   ફરિયાદ ‘સાલિક’  જો પતંગાને,
જીવન   બાળી , શમાને   ભેટનારા  કંઈ નથી  કહેતા.

-’સાલિક’ પોપટિયા

July 24, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments

ફરસાણ પ્રેમી સુરતીનું પ્રણય ગીત

showletter-2.jpg 

 બિલ્લીબેન, આજ  દુધ લેવા  તમે  કેમ ? ‘શેઠાણી હજુ  ઘોરે છે ! બિલ્લી બોલી, જલ્દી દુધ આપી દો , મારું તો પેટ ભરાય!

***************************************************************

અમે   રસ   લેવા  માંડ્યો   જે   ઘડીથી   એક  છોકરીમાં,
નથી    પડતો      હવે     ઈન્ટ્રેસ્ટ   પેટીસમાં   કચોરીમાં.

પ્રિયે    એવી  મને  તું   પ્રેમ રસથી  ભરી     ભરી  લાગી.
કદી  પાણીપુરી     લાગી    કદી      ચટણીપુરી     લાગી.

થતી   તુંજ   વાત  ને      એમાંયે    તારા   રૂપની  ચર્ચા,
જણે  ગરમાગરમ    ભજિયા   અને    હો  સાથમાં   મરચાં!

અમારો    તે  છતાં ન થઈ શક્યો     મનમેળ   તારી  સાથ,  
નકામી  ગઈ  જે      રોજરોજ   ખાધી   ભેળ  તારી    સાથ.

હવે  મનમાં   છવાયો  એ       રીતે   આલમ     હતાશાનો,
હું      પેંડા   ખાઉં છું   તો      સ્વાદ   આવે છે   પતાસાનો.

અમે     સાથે   અમારી     કમનસીબી   લઈ   મરી    જાશું,
કફનમાં     ફાફડા   સાથે     જલેબી   લઈ   મરી      જાશું!

- રઈશ મનીયાર
 

July 23, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

આજના સુવિચારો **

463700291.jpg

  * નિષ્કલંક અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું બીજું  કોઈ નથી

  *તટસ્થ  નિર્ણયશક્તિની  સહુથી  સાચી કસોટી એ છે કે આપણાં  પ્રશંસકો  પણ
    આપણને  અળખામણા લાગી શકે અને આપણી પ્રત્યે અણગમો ધરાવનારની
    પ્રશંસા પણ  આપણે કરી શકીએ.

 *બીજા કોઈને  ખોટો  પુરવાર  કરવાની જરૂર અનુભવ્યા વિના જ આપણે  આપણી
   સચ્ચાઈ વિશે સંતોષ લઈ શકીએ-ત્યારે આપણા પીઢપણાનો આરંભ થયો ગણાય.

 * તેજસ્વી માનવીને દુઃખ પોતાની શક્તિ મર્યાદાનું હોય છે; પોતાનમાં જે શક્તિ છે તેની
     લોકોને કદર નથી એ વાતનો રંજ નથી હોતો.
-વિચાર-માળનાં મોતી (સૌજન્યથી)

July 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 11 Comments

ધણીને ધાકમાં રાખો

 showletter.gif

વિકેન્ડનો જોક્સઃ
                એક નિવૃત કાકાએ બ્રાન્ડ ન્યૂ  મર્સિડીઝ ખરીદી અને એ નવી ગાડી લઈ હાઈવે પર લીધી, ઘણાંજ  ઉત્સાહ અને ઊમંગમાં ગાડી  હાઈવે પર ૮૦ માઈલની સ્પીડે ચલાવતા હતાં, કાકાને થયું કે ગાડી  ધીરી ચાલે છે. સ્પીડ વધારી ૯૦ માઈલની કરી. તૂરતજ સ્ટેટ ટ્રુપર(હાઈવે પોલીસ) પોલીસકારની લાઈટ અને  સાયરન સાથે  કાકાની ગાડી પાછળ પડ્યો. કાકા  એ સ્પીડ વધારી ૧૦૦માઈલની કરી, પછી ૧૧૦ માઈલની, પછી કાકાને વિચાર આવ્યો કે મારી ઊંમર પ્રમાણે આ યોગ્ય છે? એણે ગાડી ધીમી પાડી ને પછી એક સાઈડમાં ઊભી રાખી. પોલીસ  તેની કાર પાસે આવી કહ્યું ‘ મારી ડ્યુટી અડધી કલાકમાં પુરી થાય છે, તેમજ આજે શુક્રવારે છે હું મારું કે તમારું વિકેન્ડ બગાડવા માંગતો નથી. તમે મને કોઈ એવું કારણ આપો કે મેં મારી જિંદગીમાં કદી સાંભળ્યું ન હોય !”

તુરતજ કાકા બોલ્યા “  થોડા સમય પહેલા મારી બૈરી મને છોડી , એક પોલીસ સાથે ભાગી ગઈ છે, અને તમને જોઈ મને લાગ્યું કે તમે મારી બૈરી ને લઈ મને પાછી સોપવા પાછળ આવો છો !

પોલીસ તુરત   ટિકિટ આપ્યા વગર  હસતાં હસતાં કહ્યું.. “કાકા તમે જઈ શકો છો!”

****************************************************************

ધણિયાણી  ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી

મૂકો     ના ઢોરને   છૂટું  કે    નથણી   નાકમાં  રાખો
ધણીને     ધાકમાં   રાખો , ધણીને    ધાકમાં   રાખો

કરે    જો     ગલ્લાંતલ્લાં  એક    સાડી      લાવવા   માટે
તમાકુ      પાનબીડીના    હિસાબો       માંગતા      રહેજો
તમે     હો   ગેરહાજર      ઉડાવે     ના  એ      છકકનિયાં
પિયરથી  બે   દિવસ   વહેલા  જ નીકળી   આવતા    રહેજો
ગમે     તે  રીતથી     એને     કોઈ   પણ    વાંકમાં   રાખો
                                     ધણીને    ધાકમાં   રાખો .

તમે      રાંધોને  એ    અખબાર   વાંચે,  ના   ચલાવી  લ્યો
મસાલો      વાટવા   આપો , જરા    કાંદા       કપાવી  લ્યો
રવિવારે      રજા      એની     તમે       શાને     રસોડામાં ?
સિનેમા       જોઈને   એકાદ    હોટેલમાં   જ      ખાઈ    લ્યો
જમાડો      ના        શિખંડ-પૂરી  ,  બફેલા   શાકમા   રાખો
                                        ધણીને    ધાકમાં   રાખો .

જો   કપડાં  પર    જરા    પણ  સેન્ટ   છાંટે   તો  નજર  રાખો
વધારે     બૂટ  પોલિશ     જો   કરાવે ,  તો     નજર   રાખો
કરચલી   શર્ટમાં   પડવા    ન  દે ,    ભયની  નિશાની   છે
રૂપાળી  તો    નથી    સેક્રેટરી      પર્સનલ,    ખબર   રાખો
બને      તો     પાયજામાં     કફનીના     પોશાકમાં      રાખો
                                        ધણીને    ધાકમાં   રાખો .

કે     પહેલી     તારીખે   તમને   પૂરી    આવક    એ આપી  દે
અરે!  હિંમત    શું     એની    કે   તમારો  બોલ   ઉથાપી   દે!
કે      સાવરણી   અને      વેલણ   સદાયે      હાથમાં     રાખો
તમે      માંગ્યું      હો  બસ   પાણી   અને   એ   દૂધ  આપી  દે
કડાકો      એટલો        ઊંચો    તમારી         હાકમાં       રાખો
                                          ધણીને    ધાકમાં   રાખો .

-રઈશ  મનીયાર

July 21, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

તું સુખી મારા વાસમાં-’બદરી’ કાચવાળા

funny-15.jpg 

 ન ઝટ્કો જુલ્ફ સે પાની,
યે મોતી તૂટ જાયેગા,
તૂમ્હારા કુછ ન બિગડેગા,….( મગર)
હમારા દિલ તૂટ જાયેગા!

***********************************************

સંતાય    રહેશે    ક્યાં     સુધી તું    મારા   વાસમાં?
તુજને  હું જોવા   ચાહું છું  ,તારા  અસલ   લિબાસમાં.

દિલને   મારું  ભગ્ન તેં  કર્યુ, હાય તેં  શો ગજબ કર્યો?
પંથનો   હું    દિપક  હતો,  તારા   જીવન વિકાસમાં.

ધર્મ  ને      કર્મજાળમાં    મુજને   હવે    ફસાવ   ના,
મુજમાં  તું   ઓતપ્રોત   છે, હું  તારા    શ્વાસે શ્વાસમાં.

દર્શનની   લાલસા    મને , ભક્તિની   લાલસા   તને,
બોલ   હવે    છે  ક્યાં ફરક , તુજમાં  ને તારા દાસમાં?

તું    તો    પ્રકાશપુંજ  છે  , મુજને  તો   કંઈ પ્રકાશ દે,
ભટકું    છું  હું   તિમિર   મહીં , લઈજા  મને  ઉજાસમાં.

મુજને નથી   કાં   સ્પર્શતાં  તારાં    અભયવચન   બધાં,
પૂરાં    કરીશ    તું  બધાં, તું      તારાં   સ્વર્ગવાસમાં?

તારુંય  દિલ     વિચિત્ર    છે, તારો  સ્વભાવ છે અજબ,
કેમ  રહે    છે  દૂર    દૂર , રહીને    તું    આસપાસમાં.

મારો   જગત   નિવાસ   છે,  તારો  નિવાસ મુજ હૃદય,
હું    તારા   વાસમાં દુઃખી, તું     સુખી   તારા વાસમાં?

-’બદરી’ કાચવાળા

July 20, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

ભડકા નથી હોતા-”મુકબિલ” કુરૈશી

guzelgrubum1k.jpg 

પેંડાભાઈ, જરા જલ્દી કરો !  મને “પી ” લાગી છે!  હો!

*******************************************

નિંરતર   જિંદગીમાં   દુઃખના   દા’ડા    નથી    હોતા,
ચમનમાં  ફૂલ    પણ   છે, એકલા   કાંટા  નથી હોતા.

ચરમ    સીમા  ઉપર  પહોંચે, ખુશામદથી    એ  થાયે,
શશી    સોળે  કળાએ   ખીલે  તો     તારા   નથી હોતા.

તુષાતુર જીવ! તારી  પ્યાસને   પણ  તૃપ્તિ  મળવાની,
સરિતા  પણ છે   દુનિયામાં, બધે  દરિયા   નથી હોતા.

પ્રરણની  હસ્તીનો    આધાર   છે      સૌંદર્યની    હસ્તી,
શમા  જલતી   નથી  હોતી  તો   પરવાના  નથી  હોતા.

તમે   કાં    બીકમાં  પાછા  હટો ? એ    ડંખ  ના   દેશે,
આ   અરમાનો અમારાં  સાપના   ભારા    નથી    હોતા.

ભલે  મોતી  શું    મૂલ્યાંકાન  જગત   આંકે  છે એનું  પણ,
અમારાં  આસુંઓ   કૈ   એટલા   સોઘા     નથી     હોતાં.

સમય      એવોય   આવે    છે   કદી  આ   જિંદગાનીમાં,
કે    જ્યારે  સાથમાં  ખુદના  જ  પડછાયા    નથી   હોતા.

કહો      કેવી    રીતે  જીવું     હું  એ    વાતાવરણ  માંહે ?
પરિચિત  જ્યાં   મને    કોઈના   પણ  ચહેરા  નથી  હોતાં.

અમો    અલગારીઓની   સૃષ્ટ  પણ     કેવી   અનોખી છે !
નથી     હોતા  કદી  જ્યાં  રંક    કે રાજા     નથી    હોતા.

આ     દુનિયાને     કદી    પુરેપુરી   ના   ઓળખી   શકશે,
હૃદય  પર    ઘાવ   કારી  જેમણે   ઝીલ્યા    નથી    હોતા.

સુખી   છું     એટલે  ‘મુકબિલ’    હંમેશા  વિશ્વની  નજરે,
હૃદયની      આગના   જાહેરમાં   ભડકા        નથી    હોતા.

July 19, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 2 Comments

એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

jagan-naath-mandir.jpg 

 ફોટોઃ “ગુજરાત સમાચાર”

જગન્નાથ-મંદીરનું રક્ષણ કરવા ભારતિય લશ્કરના યુવાનો  ભરી બંદૂકે ઊભાછે..ભક્તોની સંખ્યા કરતાં,રક્ષકોની સંખ્યા વધારે દેખાય છે.ઈશ્વરનું સ્થાન પણ સલામત નથી?

(મંદીરની સુરક્ષા કરતા  બંદુકધારી સૈનિકને જોઈ સ્ફુરેલ કાવ્ય.)

*****************************************************************

જગના કહેવાય નાથ જે જગન્નાથ-મંદીરમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

શરણ માંગુ જેનું નિશદિન  હર દુઃખમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

ભક્તોની ભીડ-ભાંગે જે હર-પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

દૂશ્મન જેને જોઈ જાય ભાગી પળમાં,
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

કોણ કોનું રક્ષણ કરે પ્રભુ આ જગતમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

સુદર્શન-ચક્ર ક્યાં આજ થંભી ગયું તારા હાથમાં?
એનાજ મંદીરમાં જૂઓ કેવાં બંદૂકધારી ઊભા?

July 18, 2007 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 4 Comments

મુજથી રોવાયું નહીં-બરકત વીરાણી ‘બેફામ’

funny-pict-10.jpg 

આધુનિક વૈજ્ઞાનિક યુગમાં કરતાં   નવા નવા પ્રયોગો અને તુક્કા લગાડવા જતા સિંહ જો કાંગારૂ બની જાયતો તે કેવો લાગે?

******************************************************************

સંકુચિત  માન્યો   મને  એને  એ સમજાયું  નહીં,
દિલ તને   દીધા  પછી  દુનિયાને  દેવાયું   નહીં.

મેં   કર્યો  એક જ   સ્થળે  ઊભા રહીને  ઈન્તેજાર,   
એટલે   તારા  સુધી   મારાથી   પહોંચાયું   નહીં.

આપનો   પરદો   વિરહની રાતના    જેવોજ   છે, 
આપને    જોતો  રહ્યો   ને   કાંઈ  દેખાયું    નહીં. 

થઈ  ગયો  કુરબાન  હું તો  આ જગતમાં કોઈ પર.
મોત  આવે   ત્યાં  સુધી   મારાથી  જિવાયું   નહીં.

જેને   દર્શાવ્યું   મેં,  એણે    ફેરવી  લીધી  નજર,
મારી  એકલતાનું     દુઃખ   કોઈથી  જોવાયું   નહીં.

સાથ    મારા   શત્રુનો    લેવો   પડ્યો  એ  કાર્યમાં,
મારે     હાથે  તો    જીવન  મારું   મિટાયું     નહીં.

મારું    જીવનકાર્ય    મિત્રોએ   કર્યુ   મરવા    પછી,
સૌ   રડ્યા  ‘બેફામ’  જ્યારે   મુજથી  રોવાયું નહીં.

-બરકત વીરાણી ‘બેફામ’

                

July 17, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

તો શું થાશે ?

borabora6.jpg 

ખુશી  આવે જો જીવનમાં , હે મારા ગમ ! તો શું થાશે ?
છતાં   તારી   રહેશે    હાજરી    મોઘમ , તો શું થાશે ?

ભલે  ને    એક    વેળા   નાશ  થાયે  , આખી સૃષ્ટિનો,
ફરીથી  આ   જગતમાં   આવશે   આદમ, તો શું થાશે ?

અમારા    બેઉ   વચ્ચે  આભ      ધરતી   જેટલું  અંતર,
ને  ક્ષિતિજે  થશે  જો   બેઉનો   સંગમ ,  તો શું થાશે ?

છું   દુઃખમાં  તોય  મારે  જગને  તો સુખ  આપવું  પડશે ,
ફૂલો   જો   પાનખરમાં  દે  નહીં    ફોરમ, તો શું થાશે ?

રહ્યો  ‘ બેચેન’   કિન્તું  ના   નમ્યો  કોઈને  જીવનભર,
રહે   એ   જોઈ  મારું   મોત  જો   અણનમ,તો શું થાશે ?

-’બેચેન’

July 16, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 4 Comments