ખડકી ઉઘાડી હું તો
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં..
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો , ઉપર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં..
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે , લટકમાં તોળ્યા અણસાર;
સાન ભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં….
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…
ચોથી દુકાને એક રંગારો બેઠો રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી’તી એંકારમાં…
મુંને ઉંબરો લઈ ચાલ્યો……..
-વિનોદ જોશી, એમના કાવ્યસંગ્રહ -’પરંતુ’, ‘ઝાલરવાગે જૂઠડી’ વિવેચક, સંપાદક ,પદ્યવાર્તા. અમેરિકાના પ્રવાસે અવાર નવાર આવેછે. અમેરિકાના જુદા જદા શહેરોમાં
એમની કાવ્ય રચનાઓ રજૂ કરી શ્રોતાજનોને મુગ્ધ કરી , આપણી અમેરિકન ગુજરાતી સાહિત્ય પ્રેમીઓને એક લોકગીતના ઢાળમાં લખેલ ગીતો આસ્વાદ આપેછે. એમન ગીતો રજૂ કરવાની શૈલી પણ ઘણીજ સુંદર છે. અહીં ટેક્ષાસમાં, ડલાસ હ્યુસ્ટન અને ઑસ્ટીનમાં એમનો કાર્યક્રમ ને ઘણીજ સફળાતા મળેલ.




વિનોદભાઇની શૈલી કાઠીયાવાડીમાં વધુ છે..પણ મઝા આવી ગઇ..
હ્યુસ્ટનની મારી મીઠાશ સભર મુલાકાત યાદ આવી ગઇ.
ત્યાં જ પહેલી વખત મને સ્ટેજ પરથી કાવ્ય પઠન કરવાની તક તમે બધાએ પુરી પાડી હતી તે પણ યાદ આવી ગયું.
એમની સીડીમાં અનેક વાર આ ગીત સાંભળ્યું છે. રંગારા વાળી કડી બોલતાં વીનોદભાઇએ સુચક રીતે આંગળી ઉંચી કરી હતી તે હમ્મેશ યાદ આવે છે.
આભાર !