વરસાદ છે
જોઉં ઓગળતી બધી જે મલમલી મરજાદ છે,
કોઇનો એ સાદ છે ને સાદમાં વરસાદ છે.
નામ આખ્ખે આખું એમાંથી તમારું બાદ છે,
મારાથી મારો જ બસ આ ખાનગી સંવાદ છે.
ગાંઠ વાળી’તી બધું ભૂલી જવા – છૂટી ગઈ,
એક ઘટનાલોપમાં ઘટના થવાનું યાદ છે.
છે પલળવાનો અભિગમ આમ તો સરખો છતાં,
આંખના ને આભના બન્ને અલગ વરસાદ છે.
શ્વાસના કચ્ચરઘાણ છે સરહદ ઉપરના શ’રમાં,
તોય લોહીમાં લપકતી એષણા આબાદ છે.
વિસ્મય લુહાર( ભાવનગર )



છે પલળવાનો અભિગમ આમ તો સરખો છતાં,
આંખના ને આભના બન્ને અલગ વરસાદ છે.
સુંદર શબ્દો
સરસ કાવ્ય છે.
“શ્વાસના કચ્ચરઘાણ છે સરહદ ઉપરના શ’રમાં,…”
અહીં “શ’ર”છે કે “શ્હે’ર” છે? અને જો “શ’ર” છે તો એનો અર્થ શું છે.
કવિ એ શહેર ને ટુંકાવી શે’ર લખેલ છે..કવિ ને થોડી છૂટ છાટ મળે તેનો આ લાભ….